23. માર્ગ-સલામતી અને વાહનચાલક

પ્રશ્ન ૧. વાહનચાલકની  ફરજો જણાવો.

1. વાહનચાલક શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ અને વાહન ચલાવવા સક્ષમ હોય, તો જ વાહન ચલાવવું જોઈએ.

2. દરેક વાહનચાલકે હંમેશાં વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ.

3. વાહનચાલકે કોઈ પણ રીતે વિચલિત થયા વગર માર્ગ અને વાહન-વ્યવહાર પર સતત નજર રાખીને પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને વાહન ચલાવવું જોઈએ.

4. વાહનચાલકે રાહદારીઓ, સાઈકલ-સવારો, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો વગેરેની સલામતી જળવાય તે રીતે વિશેષ કાળજી અને સાવધાની સાથે વાહન ચલાવવું જોઈએ.

5. વાહન ચલાવતી કે ઊભું રાખતી વખતે કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારે અગવડ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

6. મુસાફરો, પ્રાણીઓ, સામાન, ઉપકરણ કે વાહનની સ્થિતિને કારણે વાહનચાલક ધ્યાનભંગ કે વિચલિત ન થાય તેની તકેદારી રાખશે.

7. પોતે અને અન્ય મુસાફરો પણ સીટ-બેલ્ટ પહેરી લે તે વાહનચાલક સુનિશ્ચિત કરશે.

8. મોટરસાઈકલ-સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈશે.

9. વાહનચાલક વાહનમાં ચડતી અને વાહનમાંથી ઊતરતી વખતે પોતાની, મુસાફરોની તેમજ અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતીનું ધ્યાન રાખશે.

10. વાહનચાલક કોઈ પણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવશે નહિ.

11. કોઈ પણ પ્રકારની ખામીવાળું વાહન, જે ચલાવવાથી વાહનચાલક કે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતી જોખમાય, તેવું વાહન જાહેર માર્ગ પર ચલાવશે નહિ.

12. વાહન ચાલુ કરતાં પહેલાં વાહનના રીઅર અને સાઈડ વ્યુ મિરર, આજુબાજુ અને પાછળનો વાહન-વ્યવહાર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે ગોઠવી લેવાનાં રહેશે. વાહનના ટાયરમાં યોગ્ય દબાણે હવા અને બ્રેક સહિત યાંત્રિક સ્થિતિ બરાબર છે તે ચકાસી લેવાનું રહેશે.

13. મોટરસાઈકલ કે ત્રણ પૈડાવાળું વાહન ચલાવતી વખતે કે તેમાં મુસાફરી કરતી વખતે સવાર થયેલ વ્યક્તિ અન્ય કોઈ વાહનને પકડશે નહિ કે ધક્કો મારશે નહિ.

14. વાહનચાલક માર્ગની સ્થિતિના કારણે સુરક્ષા માટે તેમ કરવું જરૂરી હોય ત્યારે જ પેડલ કે ફૂટરેસ્ટ પરથી પગ હટાવશે.

15 વાહનમાંથી ઊતરતી વખતે દરવાજો ખોલતા સમયે પાછળથી આવતાં વાહન સાથે અકસ્માત ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

16 માર્ગ પરના ટ્રાફિકને તથા અન્ય માર્ગ ઉપયોગકર્તાઓને અડચણરૂપ થાય અને ટ્રાકિકના સરળ પ્રવાહને અવરોધે તે રીતે ક્યારેય પોતાનું વાહન થોભાવશે નહિ.

17. વાહન હંકારતાં બિનજરૂરી કે લગાતાર અને શાંત જાહેર કરેલ વિસ્તારમાં હોર્ન ન વગાડવું.

પ્રશ્ન ૨. ડ્રાઇવિંગ લાયસન્સ કોને કહે છે? તે કેવી રીતે મળી શકે છે?

                કોઈ પણ મોટરવાહન ચલાવવા માટે પરવાનાની જરૂર પડે છે,  આ પરવાનાને ‘ડ્રાઈવિંગ લાઈસન્સ’ કહે છે. જે વાહન ચલાવવું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાઈસન્સ તમારી પાસે હોવું ફરજિયાત છે. દા.ત, મોટરસાઇકલ, મોટરકાર, ભારે વાહન વગેરે ચલાવવા માટે તેના પ્રકાર પ્રમાણેના લાઈસન્સની જરૂર પડે છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટેની વયમર્યાદા આ પ્રમાણે છે.

૧. 18 વર્ષ પૂર્ણ થયાં હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટરવાહન ચલાવવાનું લાઈસન્સ મળી શકે છે.

૨. 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને 50 CC સુધીની એન્જિન- ક્ષમતા ધરાવતું ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાઈસન્સ મળી શકે છે.

૩. 18 વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને તેના વાલીની લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાઈસન્સ મળી શકે.

૪. એક વર્ષ કરતાં વધુ સમયથી હળવા મોટરવાહન ચલાવવાનું લાઈસન્સ પરાવતી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહનો ચલાવવાનું લાઇસન્સ મળી શકે છે.

પ્રશ્ન ૩. લેન ટ્રાફિક વિશે માહિતી આપો.

માર્ગને જ્યારે વાહન-વ્યવહારની સરળતા માટે ઊભી રેખા વડે એકથી વધુ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા હોય ત્યારે આવા દરેક વિભાગને 'લેન’ કહેવાય છે. લેનમાં વાહન ચલાવતી વખતે આ મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :  

૧. હળવી, મધ્યમ ગતિનાં તથા ભારે વાહનોએ સામાન્ય રીતે સૌથી ડાબી બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ.

૨. વાહનચાલકે હંમેશાં પોતાની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ અને લેન બદલવાની જરૂર જણાય ત્યારે અગાઉથી યોગ્ય સિગ્નલ આપીને સલામત જણાય ત્યારે જ લેન બદલવી જોઈએ.

૩. જ્યારે કોઈ લેનને કોઈ ખાસ વર્ગના વાહન માટે ચિહ્નિત કરવામાં આવેલ હોય ત્યારે વાહનચાલક તે વર્ગનું વાહન તે જ લેનમાં ચલાવશે. આ પ્રકારની લેનમાં અન્ય કોઈ વર્ગનું વાહન ચલાવી શકાય નહિ. જેમકે, ફક્ત દ્વિચકી વાહનો માટેની લેનમાં મોટરકાર કે ભારે વાહનો ચલાવી શકાય નહિ.

૪. જ્યારે કોઈ માર્ગને ઊભા સળંગ પીળા કે સળંગ સફેદ પટ્ટા વડે વિભાજિત કરવામાં આવેલ હોય ત્યારે વાહનચાલક તે પટ્ટાની અંદર જ વાહન ચલાવશે અને સળંગ ઊભા પટ્ટાને ઓળંગશે નહિ.

૫. વાહનચાલક આગળ કોઈ અવરોધ હોય તે સિવાય માર્ગ પર ચિહ્નિત ઊભા સળંગ પીળા કે સળંગ સફેદ પટ્ટા ઉપર વાહન ચલાવશે નહિ.

૬. જ્યારે માર્ગ પર એક સળંગ પટ્ટાને સમાંતર એક તૂટક રેખા અંકિત કરેલ હોય ત્યારે તૂટક રેખાની ડાબી બાજુનું વાહન આગળના વાહનને ઓવરટેક કરવાના હેતુથી તૂટક રેખા પાર કરી શકશે, પરંતુ ઓવરટેક કર્યા બાદ તરત જ તેણે પોતાની મૂળ લેનમાં સલામત રીતે પરત આવી જવાનું રહેશે.

પ્રશ્ન ૪. ચોકડી અને ગોળાઈ પર ધ્યાન રાખવાની બાબતો જણાવો.

૧. જ્યારે આપણું વાહન ચોકડી, જંક્શન કે ગોળાઈ પર પહોંચવા આવે ત્યારે વાહન ફરજિયાતપણે ધીમું કરી દેવું જોઈએ.

૨. ચોકડી, જંક્શન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતાં વાહનોને અગ્રતા આપવાની રહેશે.

૩. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહનચાલક જરૂરી સંકેતો બતાવશે.

૪. ડાબી તરફ વળતાં સમયે રાખવાની થતી તમામ સાવચેતીઓનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવાનું રહેશે.

પ્રશ્ન ૫. હેલ્મેટનું મહત્વ જણાવો.

જ્યારે દ્વિચક્રી વાહન અકસ્માતનો ભોગ બને ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે. જો આવા વ્યક્તિનું માથું રસ્તા પર કે અન્ય કોઈ વસ્તુને અથડાય તો માથાની આગળ તરફની ગતિ અટકી જાય છે. પરંતુ મગજ તેનું આગવું દળ હોવાના કારણે પોતાની ગતિ ચાલુ રાખે છે અને ખોપરીની અંદરની બાજુ સાથે ટકરાઈને પાછું પડે છે અને તેની વિરુદ્ધના ખોપરીના ભાગ સાથે ટકરાય છે. આ પ્રકારની અથડામણથી માથામાં થતી ગંભીર ઈજાથી તાત્કાલિક મૃત્યુ નીપજી શકે છે.

માથા પર નિયત ધોરણો મુજબનું હેલ્મેટ પહેરવાથી આવી ગંભીર ઈજાઓથી જીવ બચી શકે છે. હેલ્મેટનું મુખ્ય કામ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરી માથા અને મગજને ગંભીર ઈજાથી બચાવવાનું છે.

મોટર વિહિકલ એક્ટની કલમ-129 મુજબ દરેક મોટરસાઈકલ (દ્વિચક્રી વાહન) ચાલક અને ચાર વર્ષથી વધુ ઉંમરની તેની પાછળ બેઠેલ કોઈ પણ વ્યક્તિએ જાહેર રસ્તા પર હંમેશાં માન્ય ધોરણો મુજબનું હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

મોટર વિહિકલ એક્ટની કલમ-194 (ડી) મુજબ હેલ્મેટ પહેર્યા વગર દ્વિચકી વાહન ચલાવવા કે પાછળ બેસવા માટે દંડ તેમજ ત્રણ મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મોકૂફ થઈ શકે છે.

પ્રશ્ન ૬. સીટ-બેલ્ટનું મહત્વ સમજાવો.

માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ-અકસ્માતોની શક્યતાઓ પણ વધી છે. માર્ગ-અકસ્માતના કિસ્સામાં મોટરકાર-ચાલક અને અન્ય મુસાફરોને ગંભીર ઈજાથી બચાવવા માટે સીટ-બેલ્ટ અને ‘બાળ-સુરક્ષા પ્રણાલી (Child Restraint System)નો ઉપયોગ સૌથી અસરકારક ઉપાય છે.

ચાલક/મુસાફરે સીટ-બેલ્ટ ન પહેર્યો હોય અને વાહનનો અકસ્માત થાય તો તેમની કારના અંદરના ભાગો જેવાં કે સ્ટિયરિંગ વ્હિલ સાથે વિન્ડસ્ક્રીન (Windscreen) સાથે અથડામણ થઈ શકે છે. જેના પરિણામે શરીરનાં બાહ્ય તેમજ આંતરિક અંગોને ગંભીર ઈજા પહોંચી શકે છે; જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. પરંતુ, ચાલક કે મુસાફરે સીટ-બેલ્ટ પહેરેલ હોય, તો આવાં અકસ્માતના કારણે થતી જીવલેણ ઈજાઓ નિવારી શકાય છે.

મોટર વિહિકલ ઍક્ટની કલમ-194 (બી) મુજબ સીટ-બેલ્ટ પહેર્યા વગર મોટરકાર ચલાવવા કે તેમાં મુસાફરી કરવા માટે દંડ થઈ શકે છે.