જ્યાં દરરોજ ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે એવા પ્રાત: સ્મરણીય પવિત્ર યાત્રાધામ – માં ચામુંડા ધામ ચોટીલાનું માહાત્મ્ય અનેરું છે.
રાજકોટથી અમદાવાદ તરફ ૪૦ કિલોમીટર જતા ચોટીલા શહેર આવે છે. પ્રાચીન સમયમાં પાંચાલ પ્રદેશ તરીકે જાણીતો આ પ્રદેશ ચોટીલા ડુંગરની તળેટી હોવાથી હવે ચોટીલા શહેર તરીકે ઓળખાય છે. વીસેક હજાર લોકોની વસ્તી ધરાવતું આ નગર માં ચામુંડાની હાજરીને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે.

ઈતિહાસ :
દેવી ભાગવતની કથા અનુસાર ચંડ અને મુંડ નામના બે રાક્ષસોએ ઋષિઓને રંજાડવાનું શરુ કર્યું. ત્રાહિત ઋષિઓએ માં જગદંબાની આરાધના કરી અને આ રાક્ષસોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી. ઋષિઓની વેદનાથી દુખી અને ભક્તિથી પ્રસન્ન થયેલા માં જગદંબાએ સ્વયં ધરાતલ પર આવી ઋષિઓને રાક્ષસોની રંજાડમાંથી મુક્તિ આપવાનું વરદાન આપ્યું. માં જગદંબાએ વિનાશક સ્વરૂપ ધારણ કરી ચંડ અને મુંડનો વધ કર્યો. ચંડ અને મુંડનો વધ કરનારી માતાની ઋષિઓએ ચંડી ચામુંડા તરીકે પૂજા કરી. ચોટીલા પર્વત પર માતાજી બિરાજમાન હોય પ્રતિદિન મોટી સંખ્યામાં ભક્તો ચોટીલાધામ પહોચે છે અને પોતાની શ્રધ્ધાને માતાના ચરણોમાં સમર્પિત કરે છે.

દર્શન:
તળેટીથી છેક મંદિર સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર પગથીયા બનાવવામાં આવ્યા છે. ચડવા તથા ઉતરવા માટે અલગ પગથીયા તેમજ ઉપર છાપરા હોવાથી કોઈ પણ ઋતુમાં માતાજીના દર્શન માટે આવવું યાત્રાળુઓ માટે સુગમ બની રહે છે.
૬૩૫ જેટલા પગથીયા ચડી માતાજીના મંદિર સુધી પહોચી શકાય છે. પગથીયાની બંને બાજુ મોટા પંખા પણ મુકવામાં આવ્યા છે જેથી દર્શનાર્થીઓને ગરમી સહન ના કરવી પડે.આ સાથે થોડા થોડા અંતરે વોટર કુલર પણ મુકવામાં આવ્યા છે.
ડુંગર પરથી તળેટી વિસ્તારનું અનોખું દ્રશ્ય મનભાવન બની રહે છે. ડુંગર પર ખુબ મોટા અક્ષરથી લખેલું ‘માં’ હાઈ વે પર જનારા કોઈ પણ વ્યક્તિ માટે ચિત્તાકર્ષક બને છે.

માતાજી કાઠી, ખુમાણ અને ગોહિલ સહિતના દરબારો, પરજીયા સોની, ઠાકોર, રબારી, ખારવા, સતવારા સહિતના વિવિધ સમાજોના કુળદેવી તરીકે પૂજાય છે. આ સાથે પૂરી શ્રદ્ધા સાથે માતાજીનું સ્મરણ કરનાર તથા માનતા રાખનાર અનેક ભક્તોને માતાજીએ પરચા પુરા પાડ્યા છે. આથી અનેક પ્રકારની ટેક રાખીને ભક્તો માતાજીના દરબાર સુધી પહોચે છે અને ધન્યતાનો અનુભવ કરે છે.
અહી નવરાત્રી દરમ્યાન તેમજ દરેક માસની પૂનમે ભક્તોનું ઘોડાપુર આવે છે. લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. આસો માસની નવરાત્રીની આઠમે મંદિરના પ્રાંગણમાં મહંતશ્રીના પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવે છે.
માતાજીના ડુંગર પર સાંજની આરતી પૂર્ણ થયા બાદ પુજારી સહીત તમામ ભક્તોએ તળેટીમાં આવી જવું પડે છે. ડુંગર પર કોઈ રાત્રીવાસ કરી શકતા નથી.


વ્યવસ્થા:
માતાજીના દર્શનાર્થે આવનાર ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ફ્રી પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે. આ સાથે રાત્રી નિવાસ કરવા માટે અહી મંદિર ટ્રસ્ટની ધર્મશાળા ઉપરાંત વિવિધ સમાજોની ધર્મશાળાઓ પણ આવેલી છે. આ સાથે હાઈ વે પરની હોટેલમાં પણ રોકાણ થઈ શકે છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા જ સુંદર ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. જ્યાં દરરોજ બપોરે ૧૧ થી ૨ વાગ્યા દરમ્યાન ખુબ મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે.

કેવી રીતે જઈ શકાય?
હવાઈ માર્ગે આવનાર ભક્તો માટે રાજકોટ સૌથી નજીકનું એરપોર્ટ છે.
સડક માર્ગે અહી પહોચવું ખુબ સરળ છે. કારણ કે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૪૭ પર આવેલ છે.
રેલ્વે માર્ગે આવનાર ભક્તો માટે થાન જંકશન સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. જે ૨૦ કિલોમીટર જેટલું દૂર છે.
આપ સહુને આ લેખ કેવો લાગ્યો ? આપની લાગણી નીચે કોમેન્ટ બોક્ષમાં શેર કરવાનું ભૂલશો નહિ અને આ પેજને લાઈક કરવાનું પણ ચૂકશો નહી.
સહુને જય માતાજી!