પ્રકરણ ૨ : ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

1. સાંસ્કૃતિક વારસામાં ક્યા વારસાનો સમાવેશ થાય છે?
જવાબ : ભારતના સાંસ્કૃતિક વારસમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે.

2. જૈવિક વારસો કોને કહેવાય?
જવાબ :
બાળકને જન્મ સાથે જ માતા-પિતાનાં શારિરીક અને માનસિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસો કહેવાય છે.

3. ભૌતિક વારસો કોને કહેવાય?
જવાબ :
બાળકને માતા-પિતા તરફથી ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને ભૌતિક વારસો કહેવાય છે.

4. સાંસ્કૃતિક વારસો એટલે શું સમજાવો.
જવાબ : 
  • માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા–કૌશલ્ય દ્વારા જે કંઇ મેળવે છે, કે સર્જન કરે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય.
  • આ જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત-રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ સાંસ્કૃતિક વારસો ગણાવી શકાય.
  • શિક્ષણ, ખેતી, વ્યાપાર, રોજીંદા જીવન માટેના નીતિ-નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા-કારીગરી, માન્યતાઓ અને કૌશલ્યોને પણ સાંસ્કૃતિક વારસો કહેવાય છે.

5. ભારતના કેવા વારસાનું જતન આપણી ફરજ છે?
જવાબ :
ભારતની ઉત્તમ પરંપરાઓ, સામાજીક મૂલ્યો, રૂઢિઓ, રીત-રીવાજો પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી આપણી ફરજ છે.


6. ભારતની 64 કલાઓમાં કઇ કઇ કલાઓનો સમાવેશ થયેલો છે?
જવાબ :
પ્રાચીન ભારતની 64 કલાઓમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા જેવી કલાઓનો સમાવેશ થાય છે.

7. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમણકારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર શું હતું?
જવાબ : ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમણકારીઓ માટે 
આકર્ષણનું કેન્દ્ર ભારતની સમૃદ્ધિ હતી.

8. કઇ વિદ્યાને ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન ગણાવાય છે?
જવાબ :
યોગવિદ્યાને ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન ગણાવાય છે.


9. ભારતીય કસબીઓની આગવી ઓળખ કઇ છે?
જવાબ :
 ભરતગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મઉદ્યોગ, મીનાકારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કામગીરીએ ભારતીય કસબીઓની આગવી ઓળખ છે.

10. પ્રાચીન ભારતના વારસો-માટીકામ કલા સમજાવો.
જવાબ : 
  • માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે.
  • વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે.
  • ઘાતુકામની શોધ નહોતી થઇ ત્યારે માનવી મહદ્અંશે માટીમાંથી બનાવેલી સામ્રગીનો ઉપયોગ કરતો જેમાં માટીના રમકડાં, ઘડા, કુલડી, હાંડલા, કોડીયાં, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠી વગેરેનો સમાવેશ થાય છે.
  • એ સમયમાં ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લિપિને રક્ષણ અપાતું.
  • પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા.
  • માટીના બનાવેલા વાસણોનો રસોઈ બનાવવામાં પણ  ઉપયોગ થતો.
  • લોથલ, મોહેં-જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો ખોદકામ દરમ્યાન મળી આવ્યા છે.
  • કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાય છે.
  • વર્તમાનમાં પણ નવરાત્રી સમયે માટીમાંથી બનાવવામાં આવેલ ગરબાની પૂજા માટી કલાની સાક્ષી પૂરે છે.
  • કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા(ટેરાકૉટા) વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોન્ડા અને ગુજરાતના લાંઘણજ(મહેસાણા જીલ્લા)માંથી  મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોને આધારે મળે છે. 

11. ટેરાકોટા કોને કહેવાય?
જવાબ : કાચી માટીમાંથી પકવેલ વાસણ કે વસ્તુને ટેરાકોટા કહે છે.

12. લાંઘણજ ક્યા જિલ્લામાં આવેલું છે?
જવાબ :
 મહેસાણા

13. વણાટકલા અથવા કાંતણકલા કોને કહેવાય?
જવાબ : 
રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કલાને કાંતણકલા કહે છે.

14. મહાત્મા ગાંધીએ વણાટકલા સાથે કેવી રીતે ઇતિહાસ રચ્યો.
જવાબ :
 મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો હતો.

15. પ્રાચીન ભારતના વારસામાં હાથવણાટ કલાનું યોગદાન સમજાવો.
જવાબ :
 
  • પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે.
  • ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતો ઢાંકાના મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો તેમજ સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે.
  • કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણનાં પટોળાં, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે.
  • ગુજરાતમાં સોલંકી યુગના સુર્વણકાળ દરમ્યાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે પાટણનાં પટોળાં જગતભરમાં વિખ્યાત બન્યાં.
  • પાટણનો આ હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે.
  • પાટણમાં બનતાં આ રેશમી વસ્ત્ર 'બેવડ ઇક્ત'(ઇક્ત વણાટ)ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોઇ બન્ને બાજુ પહેરી શકાય છે.
  • પટોળાં વર્ષો સુધી ટકે છે તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં 'પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ' કહેવત પણ પ્રચલિત થઇ છે.

16. પ્રાચીન ભારતની ભરત-ગૂંથણ કલા પર ટૂંકનોંધ લખો.
જવાબ : 
  • હડપ્પા અને મોહેં-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાંના વસ્ત્રો ઉપર પણ ભરત-ગૂંથણ કામ જોવા મળ્યું છે. આથી ભારતની ભરત-ગુંથણ કળા કેટલી પ્રાચિન છે તેનું અનુમાન લગાવી શકાય છે.
  • ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત-ગૂંથણ કરવાની કારીગરી વર્ષોથી ચાલી આવી છે.
  • સિંધુ સંસ્કૃતિના સમયમાં સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કશ્મીરનું કશ્મીરી ભરત પણ જાણીતું છે.
  • ગુજરાતનાં જામનગર, જેતપુર, ભૂજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, કળશ, પક્ષીઓ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે.
  • કપડા ઉપર છાપકામ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. ચાંદરવા, સાખ તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણાં અને ઓશિકાં ઉપરાંત કેટલીક કોમોમાં પહેરવામાં આવતા કેડીયાં જેવા વસ્ત્રો ઉપરની ભરત-ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે.
  • ભરત-ગૂંથણથી શણગારેલા ઘાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ આજે પણ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારોમાં 'જત' જેવી કોમનું ભરતકામ પણ આગવી વિશેષતા ધરાવે છે.
17. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે સમજાવો.
ઉત્તર : 
  • પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડુ કમાવવામાં આવતું.
  • ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. 
  • ઢોલ, નગારાં, તબલાં, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખાં અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો.
  • ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત-ગૂંથણવાળી મોજડીઓ, પગરખાં, ચામડાનાં પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મુકવામાં આવતાં સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી.
  • આમ, ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.

18. પ્રાચીન ભારતના હીરા-મોતીકામ વિશે નોંધ લખો.
ઉત્તર : 
  • ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણે દિશાઓમાં 7517 કિમી લંબાઇ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હિરામોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે.
  • દરિયાઇ માર્ગની મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરામોતીનો વેપાર પણ થતો રહેતો.
  •  ભારતના કારીગરોએ બનાવેલા હીરા-મોતીના અભૂષણોની વિદેશોમાં પહેલાંથી જ ખૂબ માંગ રહી છે.
  • વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા.
  • ભારતીયો આભૂષણ અને અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા-મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા.
  • પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ અને નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા.
  • રાજા-મહારાજાઓ અને બાદશાહોનાં સિંહાસનો, મુગટો, માળાઓ અને બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો.
  • ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકળા, લગ્નનાં નાળિયેર, ઈંઢોણી, પંખા અને બળદ માટેના સુશોભન કરેલાં મોડિયાં, શીંગડાં અને ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભૂત રહેલી છે.
  • ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત રીતે જોવા મળે છે.

19. પ્રાચીન ભારતમાં મીનાકારીગરી વિશે માહિતી આપો.
ઉત્તર :
 
  • દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં આપણો દેશ અગ્રિમ સ્થાને છે.
  • આપણે ત્યાં સોના-ચાંદીના અલંકારો જેમાં માળા, હાર, વીંટી, એરિંગ, કંગન અને ચાવીનો ઝુમખો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને ઘરેણાંની શોભાં વધારતાં હોય છે.
  • આ પ્રકારની મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનૌ, દિલ્લી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે.

20. પ્રાચીન ભારતમાં જરીકામ વિશે નોધ લખો.
ઉત્તર :
 
  • ભારતમાં જરી-ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે.
  • ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત-ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો.
  • ભારતમાં જરીકામના હુન્નર માટે સુરત જાણીતું છે.
  • પાનેતર, સાડી, ઘરચોળાં જેવાં વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા.

21. સમજાવો : ધાતુવિદ્યા ભારતની પ્રાચીનવિદ્યા છે.
ઉત્તર : 
  • પાષાણયુગ પછીના ધાતુયુગમાં ધાતુવિદ્યાનો વિકાસ થયો.
  • લોથલના કારીગરો ધાતુઓમાંથી દાંતરડાં, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવાં તાંબાનાં અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે.
  • ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો પણ બનાવવામાં આવતા હતા.
  • યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા.
  • સોના-ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો.
  • આમ, કહી શકાય કે ધાતુવિદ્યા એ ભારતની પ્રાચીન વિદ્યા છે. 

22. પ્રાચીન ભારતની કાષ્ઠકલા વિશે સમજાવો.
ઉત્તર : 
  • શરૂઆતથી જ માનવ જીવનનો સંબંધ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે.
  • પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો તથા મકાનોના બાંધકામમાં પણ લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે.
  • સમયાંતરે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થયો જેથી લાકડામાંથી બાળકો માટેના રમકડાં, સોગઠાં, થાંભલીઓ, બારી-બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ અને મૂર્તિઓ વગેરે બનવા લાગ્યું.
  • ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા લાકડામાંથી બનેલા ઇડરના રમકડાં જાણીતા છે.

23. પ્રાચીન કલા તરીકે જડતરકામનો પરિચય આપો.
ઉત્તર : 
  • અલંકારો અને જડતરકામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. 
  • ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી અને કાપ વગેરેમાં જડીને ધારણ કરતા.
  • વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો જડતરકલામાં પ્રવીણ હતા.
  • રાજસ્થાનનું બીકાનેર ઘરેણાના જડતરકામ માટે જાણીતું છે.
  • આમ, પ્રાચીન કાળમાં જડતરકલાનું સ્થાન અનોખું હતું.
24. અકીકકામ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર : 
  • ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી અનેક પ્રકારના કિંમતી પથ્થરો મળી આવે છે. જેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક- સુંદર રાતો પથ્થર કાર્નેલિયન એ મુખ્ય છે.
  • ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સીડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે.
  • ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે.
  • અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે.
  • ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડી જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર કરી તેને વિવિધ અલંકારોમાં જડવાપાત્ર બનાવે છે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે.

25. પ્રાચીન ભારતની ચિત્રકલા પર નોંધ લખો.
ઉત્તર : 
  • ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે.
  • રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિનાં જડ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે.
  • આશરે 5000 વર્ષ જુની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાનાં પુરાવા મળી આવ્યા છે.
  • પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં(ખોદકામમાં) પણ ભારતની ચિત્રકલાના નમુના મળી આવે છે.
  • પાષાણયુગના આદિમાનવોનાં ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના ચિત્રો જોવા મળે છે.
  • હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફુલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.
  • મધ્યપ્રદેશમાંથી મળી આવેલા હાથી, ગેંડો, હરણ સહિતના ચિત્રો નોધપાત્ર રહ્યા છે.
  • અજંટા-ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના બેજોડ નમૂના છે.
  • ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રંસગોએ સ્વસ્તિક, કલશ અને શ્રી ગણેશના ચિત્રો દોરવાની તેમજ રંગોળીઓ પુરવાની પ્રથા પણ ઘણી જૂની છે.



26. ભારતની પ્રાચીન કલા તરીકે સંગીત કલા વિષય પર નોંધ તૈયાર કરો.
ઉત્તર :
 
  • ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે.
  • આપણા 4 વૈદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે.
  • સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે.
  • સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.
  • સા, રે, ગ, મ, પ, ધ, ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
  • આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બે ભાગમાં વહેંચી શકાય છે.
  • ભગવાન શંકરના પંચમુખેથી આ રાગ ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
  • જે મુખ્ય 5 રાગો આ પ્રમાણે છે. (1)શ્રી (2)દીપક (3)હીંડોળ (4)મેઘ (5)ભૈરવી
  • પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે. જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકાર અને સંગીત પારિજાતનો સમાવેશ થાય છે.
(1) સંગીત મકરંદ
  • સંગીતશાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઇ.સ. 900ના અરસામાં આ ગ્રંથ લખેલો જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે.
(2) સંગીત રત્નાકાર
  • સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી.
  • દોલતાબાદ નિવાસી હોવાના કારણે તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બંને તરફના સંગીતથી સુપરિચિત હતા.
  • પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેએ 'સંગીત રત્નાકાર'ને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂતગ્રંથ ગણાવ્યો છે.
  • સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે.
(3) સંગીત પારિજાત
  • પંડિત અહોબલે ઇ.સ. 1665માં ઉત્તર હિદુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખુબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું, સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષ હોવાનું સમજાવ્યુ હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
  • અલ્લાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુશરો, શાયરી અને સંગીતના પ્રદાનને લીધે ‘તુતી-એ-હિન્દ’ તરીકે વિખ્યાત થયા હતા.
  • ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, મીરાંબાઇ, ચૈતન્ય, મહાપ્રભુ, નરસિંહ મહેતાનાં ભજનો અને કિર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊંભું થયું છે.
  • 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયના આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય.

27. નૃત્યકલા વિશે નોંધ લખો.
ઉત્તર : 
  • નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ 'નૃત્' ઉપરથી થઇ છે.
  • નૃત્ય એ તાલ અને લય સાથે સૌદર્યની અનુભૂતિ કરાવે છે.
  • નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ–નટરાજ મનાય છે.
  • નટરાજ શિવ પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાથી માન્યતા છે.
  • ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભારતનાટ્યમ્, કુચીપૂડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે.

28. ભરતનાટ્યમ્ અંગે સમજ આપો.

ઉત્તર : 
  • ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે.
  • ભરતમૂનિએ રચેલ ‘નાટયશાસ્ત્ર’ અને નંદીકેશ્વર રચિત 'અભિનવદર્પણ' આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર-સ્ત્રોત છે.
  • મૃણાલિની સારાભાઇ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમામાલિનીએ પણ આ પ્રાચીન પંરપરાનો વારસો જાળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

29. કુચીપુડી નૃત્યશૈલી પર નોંધ લખો.
ઉત્તર :
 
  • આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઇ.
  • મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે.
  • આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. 
  • ગુરુ પ્રહલાદ શર્મા, રાજારેડ્ડી,યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે.

30. કથકલી પર ટુંકનોંધ લખો.

ઉત્તર : 
  • કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
  • મહાભારતના પ્રસંગો તથા અન્ય પૌરાણિક મહાકાવ્યોને સંસ્કૃત મલયાલમ મિશ્રિત ભાષામાં ભજવતી નૃત્ય નાટિકાઓ પાછળથી કથકલી કહેવાઈ.
  • કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે.
  • કથકલીના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિતરામણને સમજવું પડે છે.
  • આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજુઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે.
  • કેરળના કવિ શ્રી વલ્લથોળ, કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેએ આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે.

31. કથક નૃત્ય પર ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
  • ‘કથન કરે સો કથક કહાવે’ વાકય પરથી કથક ઉતરી આવ્યું છે.
  • મહાભારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃગાંરભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
  • કથકમાં એક પગ પર ગોળ ગોળ ફરીને તેમજ અન્ય મુદ્રાઓ દ્વારા નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે.
  • આ નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પેહેરે છે.
  • પંડિત શ્રી બિરજૂ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે.

32. પ્રાચીન નૃત્યકલા તરીકે મણિપુરી નૃત્યનો પરિચય આપો.
ઉત્તર : 
  • મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે.
  • મણિપુરી નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
  • મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
  • આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો 'કુમીન' પહેરવામાં આવે છે.
  • ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે.

33. નાટ્યકલા વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
  • મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે.
  • નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેનાં નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહી છે.
  • ભરતમુનિએ રચેલું 'નાટ્યશાસ્ત્ર' કલાક્ષેત્રે પ્રચલિત છે.
  • નાટ્યકલા એ નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે આબાલવૃદ્ધોનું મનોરંજન અને લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે.
  • આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાથી તેને વર્ણવતાં ભરતમુનિએ નોધ્યું છે કે – "એવું કોઇ શાસ્ત્ર નથી, એવું કોઇ શિલ્પ નથી, એવી કોઇ વિદ્યા નથી, એવું કોઇ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય."
  • ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક 'દેવાસુર સંગ્રામ' હતું.
  • સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઊરુભંગ અને દૂતવાક્યમ્ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે.
  • મહાકવિ કાલિદાસનાં અભિજ્ઞાન શાકુંતલમ્, વિક્રમોવર્શીયમ્ તેમજ માલવિકાગ્નિમિત્રમ્ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે.
  • આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દિના પાઠક, જશવંત ઠાકર, પ્રવીણ જોષી, સરીતા જોષી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય.
  • નાટ્યકલા ક્ષેત્રે દેશી નાટક સમાજ અને અન્ય નાટ્યસંસ્થાઓનો ફાળો પણ નોંધનિય રહ્યો છે.

34. પ્રાચીન કલા તરીકે ભવાઇ સમજાવો.
ઉત્તર : 
  • શાસ્ત્રકારોએ ભવાઇને 'ભાવપ્રધાન નાટકો' કહ્યાં છે.
  • ભવાઇ એ અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.
  • સસ્તા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું.
  • મોટે ભાગે પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ એ ભવાઇની વિશેષતા રહી છે.
  • ભવાઇના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.
  • ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવા પાત્રો સાથે ભવાઇ નાટ્યપ્રયોગો યોજાય છે.
  • ભવાઇ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.

35. આદિવાસી નૃત્યો અંગે સમજ આપો.

ઉત્તર : 
  • ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય જોવા મળે છે.
  • મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબના મંજીરાં, થારી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે કરવામાં આવે છે.
  • આવા નૃત્યોમાં 'ચાળો' તરીકે જાણીતા નૃત્યોમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે.
  • ડાંગ વિસ્તારમાં આવો 'માળીનો ચાળો' તથા 'ઠાકર્યા ચાળો' નૃત્ય જોવા મળે છે.
  • ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમુહ નૃત્ય કરવામાં આવે છે.

36. ગરબા વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
  • ગરબો શબ્દ 'ગર્ભ-દીપ' ઉપરથી બન્યો છે.
  • ઘડાને કોરાવીને તેમાં દીવો મુકવો અને એની ચોમેર કે તેને માથે મુકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો.
  • સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રીમાં આસો-સુદ-1થી આસો સુદ-9 દરમ્યાન ગરબા રમાય છે.
  • આદ્યશક્તિ માં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે.
  • સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે.
  • સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી, ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે.
  • ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદ્અંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે.
  • ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો.

37. રાસ નૃત્યકલા વિશે માહિતી આપો.
ઉત્તર : 
  • રાસ એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે.
  • આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી કથા છે.
  • ગુજરાતમાં મોટેભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે.
  • દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. પરંતુ ગાગર કે હાંડો લઇને પણ રાસ રમવામાં આવે છે.
  • વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે.
  • રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે.

38. ગુજરાતનાં આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો.
ઉત્તર : 
ગુજરાતમાં આદિવાસી નૃત્યની પંરપરા ઘણી જૂની રહી છે.

(1) ગોફ ગૂંથન નૃત્ય:
  • ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે, માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડાને પકડીને નીચે સમૂહમાં ઊભેલા નાચનારા વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઇ ગૂંથણી બાંધે છે અને છોડે છે.
(2) સીદીઓનું ધમાલ નૃત્ય:
  • મુળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે.
  • નાળીયેરના કોચલામાં કોડીઓ ભરીને તેના પર કપડું વીંટાળીને બનાવવામાં આવતા મશીરાને તાલબદ્ધ રીતે ખખડાવવાની સાથે મોરપીંછનું ઝૂંડ અને નાનાં નાનાં ઢોલકાં વગાડી ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે.
  • હો–હોના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે.
  • પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સીદી લોકો સમૂહમાં આ નૃત્ય કરે છે.
(3) મરાયો નૃત્ય, પઢાર નૃત્ય તથા કોળી અને મેરના નૃત્યો:
  • બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે.
  • સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા અને મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઇ બેઠા થવાનું હોય છે. સાગરમાં મોજાં કે એ મોજાં ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે.
  • સૌરાષ્ટ્રના કોળીઓના કોળીનૃત્યમાં તેઓ માથે મધરાસિયો, આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભમાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે. તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતાં છે.

39. ગુજરાતમાં લોકનૃત્યનું મહત્વ સમજાવો.
ઉત્તર : 
  • ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિય પ્રજા રહી છે.
  • વિવિધ કોમ અને જાતિઓમાં રીતરિવાજો, રૂઢીઓ અને પરંપરા અનુસાર લોકનૃત્યો જોવા મળે છે.
  • તહેવારો, લગ્ન પ્રસંગો અને મેળાઓ જેવા પ્રસંગોએ રાસ, ગરબા તેમજ અન્ય પારંપારિક નૃત્યોનું મહત્વ સવિશેષ હોય છે.
  • થાળી, તુર, પાવરી, તંબુરા અને મંજિરા જેવા વાદ્ય સાથે તથા આદિવાસી નૃત્યો ધ્યાનાકર્ષક હોય છે.
  • તાલીઓના તાલે અને ઢોલના ધબકારે માતાજીની સ્થાપના રૂપી ગરબીની ફરતે કરવામાં આવતું ગરબા નૃત્ય ગુજરાતીઓનાં હૈયે વસેલું છે.
  • કૃષ્ણ પરંપરાને અનુસરી દાંડિયાની મદદથી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇને લેવામાં આવતા દાંડિયા રાસની મજા પણ અનોખી હોય છે.
  • થાંભલા કે વૃક્ષ સાથે દોરી બાંધી તેનો બીજો છેડો એક હાથમાં લઇ બીજા દાંડિયા સાથે ગોળ ફરતા જઇ ગૂંથળી કરવાના અને છોડવાનું ગોફ ગૂંથન નૃત્ય આદિવાસીમાં પ્રચલિત છે.
  • હો-હોના આરોહ વચ્ચે વિવિધ પ્રકારના પશુઓ અને પક્ષીઓના ભાવો ચહેરા પર લાવી તેમના અવાજ સાથે કરવામાં આવતું સીદીઓનું ધમાલ નૃત્ય વિશ્વભરમાં લોકપ્રિય છે.
  • આ સાથે સોરાષ્ટ્રના કોળી જાતિમાં કોળીનૃત્ય, પઢાર જાતિના ઉત્સાહ ભરેલા વિશિષ્ટ નૃત્ય તથા મેરાયો નૃત્ય પણ ગુજરાતની જુદી જુદી જાતિમાં લોકપ્રિય છે.