ઉત્તર :
- અર્થાત્ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારતવર્ષ છે. જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે.
- ભારતમાં શુભકાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.
- પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ-ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો દેશ ભારત છે.
- આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઇને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઇ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઇ.
- આ આદાન-પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો.
- આમ, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.
ઉત્તર :
- ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે.
- ભારતની સંસ્કૃતિમાંથી सत्, चित् અને आनंद નો અનુભવ પ્રાપ્ત થાય છે.
- ભારતમાં વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની.
- ભારતે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે.
- સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અત્યાર સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે.
- ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજસુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે.
- જુદા જુદા ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતરીવાજો થકી ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે.
ઉત્તર :
- સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.
- સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ .
- સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઇ જતા આદર્શોનો સરવાળો.
- દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ–નીતિ વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે.
- વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમુલ્ય ભેંટ.
- ભારતનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે.
- શાળામાં લેવાતી પ્રતિજ્ઞામાં પણ આપણે 'હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.' તેમ કહીએ છીએ.
- ભારતીય સાંસ્કૃતિક વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય.
- ભારતના વારસાને બે ભાગમાં વહેંચી શકાય.
ઉત્તર :
- પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના ખૂબ નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જે કુદરત દ્વારા આપણને મળેલી અનમોલ ભેટ છે.
- ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર રહ્યો છે.
- ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયાકિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુપંખીઓ, પ્રાણીઓ, વૈવિધ્ય પૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનીજો એ આપણો પ્રાકૃતિક વારસો છે.
- આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ અને પ્રકૃતિ જ આપણા આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમ જ નિવાસ જેવી આવશ્યકતાઓ પૂરી પાડે છે.
- આપણી પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધધર્મની જાતક કથાઓમાં આપણા પ્રકૃતિ સાથેના વ્યવહારનું નિરૂપણ થયેલું છે.
- લોકસંગીત, શાસ્ત્રીયસંગીત, તહેવારો, કવિતાઓ તેમજ ચિત્રોમાં પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે.
- નિસર્ગોપચાર, આયુર્વેદ તેમજ યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે.
ઉત્તર :
- ભૂમિદ્રશ્યો એ આપણો પ્રાકૃતિક વારસો છે.
- ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન થયેલું જોવા મળે છે.
- હિમાલય પર્વત એ એક ભૂમિ આકાર છે. હિમાલયના શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલય અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, ખનીજો, અવનવા પશુપંખીઓથી ભરપુર છે.
- હિમાલયમાં તરાઇના જંગલો પણ આવેલા છે.
- હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે.
- આમ, હિમાલય જેવા ભૂમિદ્રશ્યોનું આપણા માટે ઘણું મહત્વ છે.
7. ભારતમાં નદીઓનું મહત્વ સમજાવો.
ઉત્તર :
- પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે.
- ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે.
- સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે.
- પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઇ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વપૂર્ણ જરૂરિયાતો સંતોષવામાં નદીઓ મહત્વપૂર્ણ રહી છે.
- માટીનાં વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ આપણે નદીઓ પર આધારિત રહ્યા છીએ.
- આમ, નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
- આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીકિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. આથી નદીઓને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે.
ઉત્તર :
- ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે. ભારતીયોનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર જેની સાક્ષી પૂરે છે.
- આપણે પ્રાણી પશુ–પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે.
- ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપ–દીપ કરવામાં આવે છે, વટસાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.
- અનાજ, કઠોળ, તેલિબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનસમૃદ્ધિથી ભરેલાં જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ અતિ પ્રાચીનકાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
- હરડે, આંબળા, બહેડાં, કુવારપાઠું, લીમડો વગેરે ઔષધિઓએ તથા ગુલાબ, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂર્યમુખી, ચંપો, નિશીગંધા, જૂઈ વગેરે જેવા પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે.
- આમ, ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો પ્રભાવ અસરકારક રહ્યો છે.
9. વન્યજીવનનો વારસો સમજાવો.
ઉત્તર :
- પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે.
- વાઘ, હાથી, સિંહ, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલાં, સાપ, નાગ, અજગર, નોળિયા, ઘો, શાહુડી જેવા અનેક જીવો ભારતમાં જોવા મળે છે.
- વિશ્વમાં એશિયાઇ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમા જોવા મળે છે.
- આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાંક વન્યજીવો જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે.
- આપણી રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ, ઘોડો તથા બળદની આકૃત્તિ મૂકીને પ્રાણીઓના મહત્વને સમજવામાં આવ્યું છે.
- આપણે વન્યજીવોની રક્ષા માટે અભ્યારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે.
10. ભારતનો સાંસ્કૃતિક વારસો વર્ણવો.
ઉત્તર :
- સાંસ્કૃતિક વારસો એ માનવસર્જિત વારસો છે.
- માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઇ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય.
- પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને અમૂલ્ય સાંસ્કૃતિક વારસો ભેટમાં આપ્યો છે.
- આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપ, કુષાણ, હૂણ, ઈરાની, તુર્ક, આરબ, મુઘલ, પારસી, અંગ્રેજ તથા ફ્રેન્ચ જેવી વિવિધ જાતિ, પ્રજાતિઓ વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે.
- ભારતની શિલ્પ સ્થાપત્ય કળા 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો જેમ કે દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવશિલ્પો, પશુઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ તથા રમકડાં જોઇને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવની લાગણી જન્મે છે.
- મૌર્યયુગની ઉંધા કમળની આકૃત્તિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને જૈન તીર્થંકરોની પ્રતિમાઓ તેમજ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈલોરાની ગુફાઓ નિહાળતાં આપણને તેમના પ્રત્યે આદર અનુભવાય છે.
- આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલાં સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે.
- આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, દિલ્લી વગેરે પણ આપણો સાંસ્કૃતિક વારસો છે.
- ભાષા, લિપી, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઇ છે.
11. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સમજાવો.
ઉત્તર :
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આગવું મહત્વ ધરાવે છે.
- સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતાં સ્થળોમાં ધોળકા તાલુકામાં લોથલ, સુરેન્દ્રનગર જીલ્લામાં લીમડી તાલુકાનું રંગપુર, કચ્છ જિલ્લામાં ધોળાવીરા, રાજકોટ જિલ્લાનું રોઝડી અથવા શ્રીનાથગઢ વગેરે મુખ્ય છે.
- વડનગરનું કીર્તિતોરણ, જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસીંગના દહેરાં, પાટણનું સહસ્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જુનાગઢમાં મહોબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે.
- ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશજી મંદિર અને જગદ્દગુરૂ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, બનાસકાંઠા જિલ્લાનું અંબાજી, પંચમહાલ જિલ્લામાં મહાકાલી માતાજીનું સ્થાન પાવાગઢ, મહેસાણા જિલ્લામાં બહુચરાજી, ઉનાવા ખાતે મીરા દાતાર, ભાવનગર જિલ્લાનું જૈન તીર્થ પાલીતાણા, ખેડા જિલ્લાનું રણછોડરાયજી મંદિર, ડાકોર અને અરવલ્લી જિલ્લાનું શામળાજી વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય.
- સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર-પોલો ફોરેસ્ટ, અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ, વડનગરનો તાના રીરી મહોત્સવ, મોઢેરાનો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, કચ્છનો રણોત્સવ વગેરે માણવા લાયક હોય છે.
- ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર–પ્રસાર થયેલો. જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝગડીયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે.
ક્રમ | મેળાનું નામ | સ્થળ | મેળાની તિથિ/મેળાનો સ્થળ |
1. | મોઢેરાનો મેળો | મોઢેરા (મહેસાણા) | શ્રાવદ વદ અમાસ |
2. | બહુચરાજીનો મેળો | બહુચરાજી (પાટણ) | ચૈત્ર સુદ પૂનમ |
3. | શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો | શામળાજી (અરવલ્લી) | કારતક સુદ 11 થી પૂનમ |
4. | ભાદરવી પૂનમનો મેળો | અંબાજી (બનાસકાંઠા) | ભાદરવા સુદ પુનમ |
5. | ભવનાથનો મેળો | ગિરનાર (જૂનાગઢ) | મહા વદ 9 થી 12 |
6. | તરણેતરનો મેળો | તરણેતર (સુરેન્દ્રનગર) | ભાદરવા સુદ 4 થી 6 |
7. | ભડીયાદનો મેળો | ભડીયાદ (અમરેલી) | રજબ માસની તા.9 થી 11 |
8. | નકળંગનો મેળો | કોળીયાક - ભાવનગર | ભાદરવા વદ અમાસ |
9. | માધવપુરનો મેળો | માધવપુર (પોરબંદર) | ચૈત્ર સુદ 9 થી 13 |
10. | વૌઠાનો મેળો | ધોળકા (અમરેલી) | કારતક સુદ પૂનમ |
11. | મીરાદાતારનો મેળો | ઉનાવા (મહેસાણા) | રજબ માસની તા. 16 થી 22 |
12. | ડાંગ દરબારનો મેળો | આહવા (ડાંગ) | ફાગણ સુદ પૂનમ |
13. | ગોળ ગધેડાનો મેળો | ગરબાડા (દાહોદ) | હોળી પછીના 5મા કે 7મા દિવસે |
14. | કાર્તિક પૂર્ણિમાનો મેળો | સોમનાથ (ગીર) | કાર્તિક સુદ પૂનમ |
15. | ભાંગુરિયાનો મેળો | કવાંટ (છોટા ઉદેયપુર) | હોળીથી રંગપાંચમ સુધી |
ઉત્તર :
- નેગ્રીટો પ્રજાને નીગ્રો અથવા હબસી તરીકે ઓળખવામાં આવે છે. જે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે.
- ઈતિહાસકારો માને છે કે નેગ્રીટો પ્રજા આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે ભારતમાં આવી હતી.
- નેગ્રીટો લોકો વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટથી ઊંચાઇ અને વાંકડિયા વાળ ધરાવતા હતા.
ઉત્તર :
- ઓસ્ટ્રેલોઇડ પ્રજાને આર્યો 'નિષાદ' પ્રજા તરીકે ઓળખતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.
- ઓસ્ટ્રેલોઇડ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવ્યા હતા.
- ઓસ્ટ્રેલોઇડ રંગે શ્યામ, લાંબુ અને પહોળુ માથુ, ટૂંકુ કદ અને ચપટુ નાક ધરાવતા હતા.
- અસમની ખાસી પ્રજા, કોલ એન મુંડા જાતિ તેમજ નિકોબાર અને બર્માની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે.
- ઓસ્ટ્રેલોઇડ માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા.
- તેઓની પોતાની ધાર્મિક માન્યતાઓ હતી.
- ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલોઇડનો ફાળો વિશિષ્ટ છે.
15. દ્રવિડ લોકો વિશે માહિતી આપો.
ઉત્તર :
- દ્રવિડ મૂળ ભારતના હતા. દ્રવિડ પ્રજા ભારતની પ્રાચિનતમ પ્રજા તરીકે જાણીતી હતી.
- તેમને મોહેં–જો–દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે.
- ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યાં. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા.
- દ્રવિડોએ માતારૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માની એટલે શિવની પૂજાની સમજ આપી.
- દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે.
- દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુન:સ્થાપ્યા.
- સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઇ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા.
- દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી.
- અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવુ–વણવું, રંગવું, હોડી–તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે.
- આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે.
- પ્રારંભિક તમિલ સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે.
16. મોંગોલોઇડ વિશે સમજૂતી આપો.
ઉત્તર :
- મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઇ ભારતમાં આવી.
- મોંગોલોઇડ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવાં શારીરિક લક્ષણો ધરાવતા હતા.
- મોંગોલોઈડ પ્રજા ઉત્તર આસામ, સિક્કિમ, પૂર્વ બંગાળ અને ભૂતાન વગેરે પ્રદેશોમાં વસ્યા. સમય જતા તેમનું 'ભારતીયકરણ' થયું.
- મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી, તેઓ 'કિરાત' તરીકે પણ ઓળખાતા.
17. અલ્પાઇન, ડિનારીક અને આર્મેનોઇડ પ્રજા વિશે માહિતી આપો.
ઉત્તર :
- અલ્પાઇન, ડિનારીક અને આર્મેનોઇડ મધ્યએશિયામાંથી આવેલી પ્રજાઓ છે અને આ ત્રણેય જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે.
- આ પ્રજાના અંશો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
ઉત્તર :
- નોર્ડિક તરીકે ઓળખાતા આર્યોએ આર્ય સભ્યતાનું નિર્માણ ક્યુઁ.
- પ્રાચીનકાળમાં હિંદુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને 'આર્યાવર્ત' નામ અપાયું હતું.
- પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં વસેલી હતી. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે આર્યોએ આ પ્રદેશને ‘સપ્તસિંધુ’ નામ આપ્યું.
- ઉત્તરવૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા(બિહાર) સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો.
- અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં આર્યો વધુ વિકસિત હતા.
- આર્ય રાજા ભરત અથવા ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો.
- આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વર્ષા વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેઓના પૂજન માટે આર્યોએ સ્તુતિઓ(ઋચાઓ)ની પણ રચના કરી હતી. સમય જતા વેદપઠન પ્રચલિત બન્યું અને ત્યારબાદ ધાર્મિક વિધિઓ શરૂ થઇ અને તે પછી યજ્ઞ–યાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઇ.
- આમ, ભારતીય સભ્યતામાં આર્યોનું પ્રદાન મહત્વપૂર્ણ અને વિશિષ્ટ રહ્યું છે.
19. વિવિધ પ્રજાના સંમિશ્રણથી કઇ રીતે ભારતીય સંસ્કૃતિનો વારસો મહત્વપૂર્ણ અને સમૃદ્ધ બન્યો.
ઉત્તર :
- ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્વો એકબીજાએ અપનાવતા એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું.
- સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન–સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું.
- બધાની એક વિશિષ્ટ રહેણી–કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો.
- પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો.
- ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઇ કે તેમનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું ભારતીયકરણ થયું.
- આમ, પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો.
20. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટેની બંધારણીય ફરજો જણાવો.
ઉત્તર :
- ભારતીય વારસાને સાચવવો તે પ્રત્યરેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે.
- આપણે આપણા પ્રાચીન ઐતહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાનાં સ્થળોને કોઇ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે.
- તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51(ક)માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો છે તે દર્શાવી છે તેમાં (છ), (જ), (ટ) અર્થાત (6), (7) અને (9) માં દર્શાવ્યા મુજબ :
- આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી, તેની જાળવણી કરવાની ફરજ.
- જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ–પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ.
- જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યા છે.
પ્રાકૃતિક વારસો | સાંસ્કૃતિક વારસો |
પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું, પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. | માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જયું તેને સાંસ્કૃતિક વારસો કહે છે. |
પ્રાકૃતિક વારસાનું સર્જન પ્રકુતિએ કરેલું છે. | સાંસ્કુતિક વારસાનું સર્જન માનવીએ કરેલું છે. |
તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. | તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. |
ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયાકિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવ–જંતુ, પશુપંખી વગેરેનો સમાવેશ થાય છે. | ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમેહલો, ઇમારતો, શિલાલેખો, સ્તુપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદ, મકબરો, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખન્ન કરેલા સ્થળો, જળાશળો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સમારકો વગેરેનો સમાવેશ થાય છે. |
- 1. વારસો :
ઉત્તર : વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.
2. સંસ્કૃતિ :
ઉત્તર : સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર–વિચાર, ધાર્મિક પરંપરા, રહેણીકરણી અને જીવનને ઉચ્ચત્તમ ધ્યેય સુધી લઇ જતા આદર્શોનો સરવાળો. ટૂંકમાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.
3. પ્રાકૃતિક વારસો :
ઉત્તર : પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો.
4. સાંસ્કૃતિક વારસો :
ઉત્તર : સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂઆત કરીને આજ દિન સુધીના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા–કોશલ્ય દ્વારા જે કંઇ મેળવ્યું કે સર્જયું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય.
5. ધર્મચક્ર પ્રવર્તન :
ઉત્તર : બધી જ દિશાઓમાં બધા જ સમય દરમિયાન ધર્મનું સામ્રાજ્ય દર્શાવતું ચક્ર એટલે ધર્મચક્ર પ્રવર્તન. જે ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ ચોવીસ આરાઓના સ્વરૂપમાં જોવા મળે છે.
6. પ્રજ્ઞા પારમિતા :
ઉત્તર : બંધ આખોથી પણ બધુ જોઇ શકે તેને પ્રજ્ઞા પારમિતા કહે છે.
7. ભૂમિદ્રશ્યો :
ઉત્તર : ભૂમિ આકારો દ્વારા સર્જયેલા દ્રશ્યને ભૂમિદ્રશ્ય કહે છે.
8. નૃવંશશાસ્ત્રી :
ઉત્તર : મનુષ્યના વંશનો અભ્યાસ કરનાર જ્ઞાતાને નૃવંશશાસ્ત્રી કહે છે.
9. નેગ્રીટો :
ઉત્તર : નેગ્રીટો એટલે આફ્રિકા ખંડની મૂળ પ્રજા અને ભારતના સૌથી પ્રાચીન નિવાસી જેવા કે નીગ્રો અને હબસીના ઉપનામથી જાણીતા છે.
10. ઓસ્ટ્રેલોઇડ :
ઉત્તર : ઓસ્ટ્રેલોઇડ એટલે શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક ધરાવતી અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા જે નિષાદના ઉપનામથી ઓળખાય છે.
11. દ્રવિડ :
ઉત્તર : દ્રવિડ એટલે પાષાણ યુગના સીધા વારસદાર અને મોહેં–જો–દડોની સંસ્કૃતિના સર્જકો, જેઓ મૂળ ભારતના હતા.
12. મોંગોલોઇડ :
ઉત્તર : મોંગોલોઇડ એટલે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવેલી પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો ધરાવતી પ્રજા જેવો કિરાતના ઉપનામથી જાણીતા છે.
13. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ :
ઉત્તર : મધ્ય એશિયામાંથી આવીને ભારતમાં વસેલી પ્રાચીન ભારતીય પ્રજા.
14. આર્ય :
ઉત્તર : આર્ય એટલે ભારતની આર્ય સભ્યતાના નિર્માતા. જેઓ નોર્ડિક તરીકે જાણીતા હતા.
15. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ શું છે?
ઉત્તર : ભારત વર્ષ
16. ભારત માટે ક્યા ક્યા નામ પ્રચલિત છે?
ઉત્તર : ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત
17. ભારતની કઇ ત્રણ દિશામાં સમુદ્ર સીમા છે?
ઉત્તર : પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ
18. વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન જણાવો.
ઉત્તર : ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.
19. ભારતની સંસ્કૃતિમાંથી કેવો અનુભવ પ્રાપ્ત થાય છે?
ઉત્તર : सत्, चित् અને आनंद
20. વારસો એટલે શું ?
ઉત્તર : વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.
21. ભારતીય સંસ્કૃતિના વારસાને ક્યા બે ભાગમાં વિભાજીત કરી શકાય છે?
ઉત્તર : ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો
22. ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થતી હતી?
ઉત્તર : દ્રવિડ પ્રજા
23. પ્રાચીન ભારતમાં વસેલી પ્રજાના નામ આપો.
ઉત્તર : પ્રાચીન ભારતમાં દ્રવિડો, આર્યો, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારીક, આર્મેનોઇડ જેવી પ્રજાઓ વસ્તી હતી.
2 Comments
This is a very helpful.
ReplyDeleteNo
Delete