પ્રશ્ન 16 ટૂંકનોંધ લખો: કોષીયઅંગીકાઓ

ઉત્તર :

કોષીય અંગિકાઓ(Cell Organelles) :
  • પ્રત્યેક કોષ સજીવના ઘટકરૂપે પાયાની જૈવિક ક્રિયાઓ કરે છે, જે સજીવના અસ્તિત્વ માટે આવશ્યક છે.વધુ જટિલ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ કોષમાં આવેલી વિવિધ કોષીય અંગિકાઓ દ્વારા થાય છે. કોષની અંગિકાઓની રચનાનો અભ્યાસ કરવા વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર (ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ) નો ઉપયોગ થાય છે.
કોષરસપટલ ( Plasma Membrane ) :
  • વનસ્પતિકોષમાં કોષ દીવાલની અંદરની બાજુએ અને પ્રાણીકોષમાં સૌથી બહારની બાજુએ કોષની ફરતે આવેલા કોષરસના આવરણને કોષરસપટલ કહે છે. તે કોષમાં પ્રવેશતાં કે કોષમાંથી બહાર નીકળતાં દ્રવ્યોનું નિયમન કરે છે.
કોષદીવાલ ( Cell Wall ) :
  • વનસ્પતિકોષમાં કોષરસપટલની બહારની બાજુએ સેલ્યુલોઝનું બનેલું સખત આવરણ કોષદીવાલ છે.
અંતઃકોષરસજાળ (Endoplasmic Reticulum) :
  • તે કોષના સમગ્ર કોષરસમાં પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીમય રચના ધરાવતી અંગિકા છે.
રિબોઝોમ (Ribosome) :
  • તે પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે.
ગોલ્ગીપ્રસાધન (Golgi Apparatus) :
  • તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત અંગિકા છે. તે નીપજોનું પૅકેજિંગ કરી,તેમનું રૂપાંતરણ અને સંગ્રહ કરવામાં મદદરૂપ છે.
લાયસોઝોમ (Lysosome) :
  • તે પાચક ઉત્સેચકો( હાઇડ્રોલેઝ ) ધરાવે છે. તેને આત્મઘાતી કોથળી (Suicidal bag) પણકહે છે.
કણાભસૂત્ર (Mitochondrion) :
  • તે કોષીય શ્વસન માટેનાઉત્સેચકોધરાવે છે.તે ઊર્જાનિર્માણની ક્રિયા માટે જવાબદાર છે. તેને ઊર્જાઘર (Power house) કહે છે.
હરિતકણ (Chloroplast) :
  • આ અંગિકા માત્ર લીલી વનસ્પતિના કોષમાં જ હોવા છતાં,દરેક સજીવને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઊર્જા માટે તેનો આધાર લેવો પડે છે. તે હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) ધરાવે છે. તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણકરેછે.
રસધાની (Vacuole) :
  • ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે .
પ્રશ્ન ૧૭ અંતઃકોષરસજાળ ની રચના અને કાર્ય વર્ણવો.
ઉત્તર : 
રચના :

  • અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) (ER) અંતઃકોષરસજાળ, પુટિકાઓ અને
    નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે.
  • તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટીકાઓ જેવી રચના ધરાવે છે
  • અંતઃકોષરસજાળની પટલિય સંરચના કોષરસપટલની સંરચનાને મળતી આવે છે
  • અંતઃકોષરસજાળ બે પ્રકારની છે. ખરબચડી કે કણીકામય અંતઃકોષરસજાળ (rough endoplasmic reticulum -RER)અને લીસી અંતઃકોષરસજાળ (Smooth Endoplasmic reticulum) .
  • RER ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શકયંત્ર નીચે RERની સપાટી ખરબચડી દેખાય છે. કારણ કે તેની સપાટી પર કણો જેવી રચના જોવા મળે છે જેને રિબોઝોમ્સ કહે છે
  • રિબોઝોમ્સ, બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે. ER દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે.
  • SER કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે. આમાંનાં કેટલાંક પ્રોટીન્સ અને લિપિડ્સ, કોષરસપટલના બંધારણમાં મદદરૂપ થાય છે.
  • આ ક્રિયા, પટલના જૈવસંશ્લેષણ (Membrane biogenesis) તરીકે ઓળખાય છે.
  • કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે.
  • અલબત્ત, વિભિન્ન કોષોમાં ER (અંતકોષરસજાળ)ની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે.
કાર્ય :
  • કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ અને પ્રદેશોમાં અંતઃકોષરસજાળ દ્રવ્યો(મુખ્યત્વે પ્રોટીન) વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની SER ઘણાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે.

પ્રશ્ન ૧૮ ગોલ્ગી પ્રસાધનની રચના અને કાર્ય સમજાવો.
ઉત્તર : 
  • ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમીલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું.
  • તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે.
  • જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત રચના છે. આવી પુટિકાને સિસ્ટર્ની કહે છે.
  • આ પટલો કેટલીક વાર અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે તેથી જ તે જટિલ કોષીય પટલતંત્રનો અન્ય ભાગ બનાવે છે.
  • ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે.
  • પુટિકાઓમાં નીપજોનું પૅકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેમાં તેઓનો સંગ્રહ કરવાનાં કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે.
  • કેટલાક કિસ્સામાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન લાયસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે.

પ્રશ્ન ૧૯ લાઇસોઝોમ્સ ની રચના અને કાર્ય સમજાવો.
ઉત્તર : 
  • કોષના ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાયસોઝોમ્સ આવેલી છે.
  • કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને કોષને સ્વચ્છ રાખવામાં લાયસોઝોમ્સ મદદરૂપ થાય છે.
  • બહારથી પ્રવેશતાં દ્રવ્ય જેવાં કે બૅક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ નાશ થવાને આરે હોય તેનું લાયસોઝોમ્સ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે.
  • લાયસોઝોમ્સ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે.
  • કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાયસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાંખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાંખે છે. આથી લાયસોઝોમ્સને કોષની ‘આત્મઘાતી કોથળીઓ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • રચનાની દૃષ્ટિએ, લાયસોઝોમ્સ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસજાળ (RER) દ્વારા નિર્માણ પામે છે.
પ્રશ્ન ૨૦ કોષનાં શક્તિ ઘર ( પાવર હાઉસ) પર ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
  • કણાભસૂત્રોને કોષનાં ‘શક્તિઘરો’ તરીકે ઓળખવામાં આવે છે
  • કણાભસૂત્રો બે આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણુંખરું છિદ્રિષ્ટ હોય છે જ્યારે અંતઃઆવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો ATP વિશાળ સપાટી પૂરી પાડે છે.
  • જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે, જે ઊર્જા ATP (એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ)ના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે.
  • ATP ને કોષના ઊર્જાચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવાં રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં ATPના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ થાય.
  • કણાભસૂત્રો અદ્ભુત અંગિકાઓ છે કારણ કે તેઓ પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી કણાભસૂત્રો પોતાના કેટલાક પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.
પ્રશ્ન ૨૧ રંજકણોના પ્રકાર અને કાર્ય વર્ણવો.
ઉત્તર :   
  • રંજકકણો (Plastids)માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. બે પ્રકારના રંજકકણો હોય છે : (1) ક્રોમોપ્લાસ્ટિક્સ (રંગકણો) અને (2) લ્યુકોપ્લાસ્ટ્સ (શ્વેત કે રંગહીન કણો). રંજકકણો ક્લોરોફીલ રંજકદ્રવ્ય ધરાવે તો તે હરિતકણો તરીકે ઓળખાય છે. વનસ્પતિઓમાં હરિતકણો પ્રકાશસંશ્લેષણ માટે ઘણા અગત્યના છે. હરિતકણો ક્લોરોફીલ સિવાય પીળા કે નારંગી રંજકદ્રવ્યો પણ વધારામાં ધરાવે છે. રંગહીનકણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે.
  • રંજકકણોના આંતિરક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે જે દ્રવ્યને સ્ટ્રોમાં કે આધારક કહે છે. રંજકકણોની બાહ્ય સંરચના કણાભસૂત્રોને સમાન હોય છે. કણાભસૂત્રોની જેમ રંજકકણો પણ પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.
પ્રશ્ન ૨૨ રસધાનીની રચના અને કાર્ય સમજાવો.
ઉત્તર :   
  • રસધાનીઓ (Vacuoles) ધન કે પ્રવાહી દાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાનીઓ છે. રસધાનીઓ પ્રાણીકોષોમાં નાનાં કદની હોય છે જ્યારે વનસ્પતિ કોષોમાં ઘણાં મોટાં કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50-90 % ભાગ રોકે છે.
  • વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આશૂનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યનાં ઘણાં દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે. જેમાં એમિનો ઍસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક ઍસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ સમાયેલ છે. અમીબા જેવા એકકોષીય સજીવોમાં અન્નધાની (ખોરાકનો સંગ્રહ કરતી રસધાની) ખોરાક દ્રવ્યો ધરાવે છે જેને અમીબા ઉપયોગમાં લે છે. કેટલાક એકકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે. જે વધારાનાં પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે.
પ્રશ્ન ૨૩ કોષ વિભાજનના પ્રકાર આકૃતિ સહિત વર્ણવો.
ઉત્તર :   
  • જૂનામૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે અને પ્રજનન માટે જન્યુકોષો (જનનકોષો)નું નિર્માણ આવશ્યક છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને કોષવિભાજન કહે છે. કોષવિભાજનના બે પ્રકારો છે : સમભાજન અને અર્ધીકરણ
સમભાજન 
  • કોષવિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે (કોષવિભાજન) થાય છે તેને સમભાજન કરે છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. (આકૃતિમાં) બાળકોષો, માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.

અર્ધીકરણ
  • પ્રાણીઓના અને વનસ્પતિઓનાં પ્રજનન અંગો અથવા પેશીના નિયત કોષો વિભાજન પામીને જન્યુકોષોનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે. તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે, જેને અર્ધીકરણ કહે છે, જેમાં સતત બે વિભાજન સંકળાયેલ છે. જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે બે ને સ્થાને ચાર નવા કોષોનું નિર્માણ કરે છે(આકૃતિ 5.8).માતૃકોષો કરતાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે.