કાવ્ય-  રાનમાં

કવિ- ધ્રુવ ભટ્ટ [જન્મ: 8-5-1947]

સાહિત્ય પ્રકાર- પ્રકૃતિગીત

પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો: 

(1) ચોમાસુ ક્યાં ગાજે છે?


(A) રાનમાં 
(B)ગાનમાં 
(C)સીમમાં 
(D) નભમાં

=> (A) રાનમાં

(2) લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે?

(A) વાછંટના 
(B) મોરના 
(C) વાયરાના 
(D) વરસાદના

=> (D) વરસાદના

(3) 'આકાશ હવે ઉતરશે' એ શબ્દનો અર્થ એ કે ...........

(A)આકાશ નીચું દેખાશે 
(B) દિવસ આથમશે
(C) વરસાદ વરસશે. 
(D) ધરતીને આકાશ મળશે

=> (C) વરસાદ વરસશે

(4) વાયરા શો સંદેશો લાવશે?

(A) વર્ષ બેઠું 
(B)ચોમાસું બેઠું 
(C) વાદળ બેઠું 
(D)આકાશ બેઠું

=> (B) ચોમાસું બેઠું

(5) વાછંટની શી અસર થશે?

(A) પાકને પાણી મળશે 
(B)દરિયો છલકાશે
(C)ધાબા પરથી પાણી પડવા લાગશે 
(D)વસ્તુઓ ભીંજાશે

=> (D)વસ્તુઓ ભીંજાશે

(6) વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે?

(A) ગાયને 
(B) મોરને 
(C) ચકલીને 
(D) ભેંસને

=> (B) મોરને

પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો:

(1) લીલાશ ક્યાં સૂતી છે?
જવાબ- લીલાશ વાડ, મેદાનમાં સૂતી છે.

(2) ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે?
જવાબ- ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ , ઝરણાં , ઘાસ , ડુંગર તેમજ આખું ગામ રહેશે.

(3) કવિને ટહુકો બની શું કરવું છે?
જવાબ- કવિને ટહુકો બનીને ઝાડ તળે પાનમાં ગહેકવું છે.

(4) વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે?
જવાબ- વરસતા વરસાદમાં સૌ કોઈ ને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે.

(5) મોટેભાગે ચોમાસામાં કયાં કયાં પક્ષી-પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે?
જવાબ- મોટેભાગે ચોમાસામાં મોર ટહુકા કરે છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. તમરાનો અવાજ સંભળાય છે.

પ્રશ્ન-3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

(1) વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો.
જવાબ- વરસાદમાં ઘરમાં પુરાઈ રહેવું કોને ગમે? અમે સૌ બાળકો ઘર બહાર દોડી જઈએ. વરસાદની જોરદાર ધારાઓ ઝીલવાનો આનંદ લઈએ. અમને પાણીમાં છબછબીયાં કરવાની મજા પડે છે. 'આવ રે વરસાદ, ઘેબરીયો પરસાદ'- ગાતાં ગાતાં વરસાદને આવકારીએ છીએ. અમે કાગળની હોડીઓ બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકીએ છીએ.

(2) ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે?
જવાબ- ચોમાસા પૂર્વેનો ઉકળાટ વરસાદ આવતાં શમી જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. પશુ, પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર નાચી ઊઠે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. માટી ની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. ખેડુતો હળ-બળદ લઈને ખેતરે જાય છે. નદી, નાળા, કૂવા સરોવર અને તળાવમાં નવાં પાણી આવે છે.

(3) તમારા ગામમાં વરસાદ પડ્યો છે, તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી.તમારા મિત્ર ને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો:

જવાબ-(મહેશ અને નરેશ નામના બે મિત્રો ફોન પર વાત કરે છે)

નરેશ: મહેશ, કેમ છે? તારા તરફથી હમણાં કોઈ સમાચાર નથી!

મહેશ: તને મળવા આવવાનો હતો પણ અઠવાડિયાથી વરસાદ બંધ જ નથી રહેતો.

નરેશ: હા! છાપામાં વાંચ્યું હતું કે તારા ગામ બાજુ વરસાદ બહુ છે.

મહેશ: ખરેખર અહીં વરસાદ વધારે છે. ઘણું નુકસાન થયું છે. ત્રણ ચાર જૂના મકાનો પડી ગયા છે. પેલી ધરમદાસ ની જૂની હવેલી પણ પડી ગઈ.

નરેશ: ગામના તળાવમાં નવું પાણી આવ્યું હશે!

મહેશ: હવે તો તળાવ છલકાવાની તૈયારીમાં છે.

નરેશ: અમારે ત્યાં તો છાંટોય વરસાદ નથી. ઉકળાટ તો એટલો બધો છે કે પશુ પંખીઓ અને માણસો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

મહેશ : ઉકળાટ છે એટલે વરસાદ આવશે જ - હવામાન ખાતાના સમાચાર હતા કે તમારી બાજુ પણ અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે.

નરેશ: વરસાદ રહી જાય પછી આપણે મળીએ.( ફોન મૂકી દે છે.)

પ્રશ્ન-4.નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:


(1) રાન = જંગલ , અરણ્ય

(2) વાદળ = મેઘ , જળધર

(3) વાયરો = પવન , સમીર

(4) સંદેશો = ખબર , સમાચાર

(5) ડુંગર = પર્વત , ગિરિવર

(6) આકાશ = નભ , ગગન

પ્રશ્ન-5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

(1) ઊંચે × નીચે

(2) ઉતરવું × ચડવું

(3) હેઠું × ઊંચે

(4) કાલ × આજે (5) તળે × ઉપર