પ્રકરણ ૧૪ નૈસર્ગિક સ્ત્રોતો



પ્રશ્ન-1 શા માટે પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે?
ઉત્તર: જીવન માટે આવશ્યક તાપમાન,વધુ માત્રામાં પાણી અને આહાર(ખોરાક) ની જરૂરિયાત હોય છે. પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઊર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે.પૃથ્વી પરનું જીવન આ બધાં પરિબળો પર આધારિત છે અને સરળતાથી ઉપલબ્ધ છે.આથી પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે.

પ્રશ્ન-2 પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોનાં નામ આપી,તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. 
ઉત્તર: પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકો: હવા(વાયુ),જળ(પાણી) અને ભૂમિ અજૈવ ઘટકો વડે રચાતા આવરણ :
(1) વાતાવરણ (વાયુ આવરણ) સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. 
(2) જલાવરણ: પૃથ્વીનો 75 % ભાગ પાણીનો બનેલો છે.તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે.આ સમગ્રને જલાવરણ કહે છે. 
(3) મૃદાવરણ: પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે.તેને મૃદાવરણ કહે છે.

પ્રશ્ન-3 જીવાવરણ કોને કહે છે? જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવ ઘટકો જણાવો.
ઉત્તર: જીવાવરણ: જીવનને આશ્રય આધાર આપતા પૃથ્વીનાં ગાઢ આવરણો વાતાવરણ,મૃદાવરણ અને જલાવરણ એકબીજાંમાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે,તેને જીવાવરણ કહે છે.જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે,જ્યાં આ ત્રણેય આવરણો આવેલાં હોય છે.જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો (વનસ્પતિઓ,પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો) અને અજૈવિક ઘટકો તરીકે હવા,પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે.

પ્રશ્ન-4 શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી?
ઉત્તર: પૃથ્વી પર જીવન છે,કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ વાતાવરણ આવેલું છે.હવામાં સજીવ જીવનના નિભાવ માટે નાઇટ્રોજન,ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડ આવેલા છે. જેમાં 21% ઑક્સિજન અને 0.03% કાર્બન ડાયૉક્સાઇડ છે.પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયૉક્સાઇડ 95 થી 97% છે. સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઑક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી.

પ્રશ્ન-5 આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો.
ઉત્તર: આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો: 
(1) વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. 
(2)વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે.તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી. દા.ત., ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલાં છે, છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તાપમાન -190°C થી 110°C રહે છે. આમ, વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે.

પ્રશ્ન-6 પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવી,દિવસ અને રાત્રિ દરમિયાન તેની દિશા જણાવો. 
અથવા 
વિસ્તૃત રીતે સમજાવો : હવાની ગતિ 
અથવા 
વિગતવાર ઉત્તર આપો: પવન કેવી રીતે બને છે?
ઉત્તર: ગ૨મ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે.આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે.

પવન (લહેરો) નું સર્જન: જ્યારે સૂર્યનાં કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમાંનાં અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોપણ કરાય છે. બાકીના મોટા ભાગનાં વિકિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન કરવામાં આવે છે.આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે.પરિણામે હવામાં પવન (લહેરો) નિર્માણ થાય છે.

જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી થાય છે.

દરિયાઈ પવન (લહેરો): દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે.આ ગરમ હવા ઉપરની તરફ ઊઠે છે. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે.હવાની ગતિ વધારે દબાણ ધરાવતી વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે. દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે.

જમીનના પવન (લહેરો): 
રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે.પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી શીતળ થાય છે.આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે.આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.

આમ,હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે અને પવન તરીકે અનુભવાય છે.જ્યાં બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય ત્યાં હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે.

પ્રશ્ન-7 તટીય ક્ષેત્રોના વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રે દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે?
ઉતર: તટીય ક્ષેત્રોમાં દિવસે જમીન ઝડપથી ગરમ થતાં ત્યાં રહેલી હવા ગરમ થઈ ઉપર તરફ જતાં નીચા દબાણના ક્ષેત્ર અને રાત્રે દરમિયાન જમીન ઝડપથી ઠંડી પડતાં ઊંચા દબાણનું ક્ષેત્ર સર્જાય છે.

પ્રશ્ન-8વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે?
અથવા
ટૂંક નોંધ લખો: વરસાદ

ઉત્તર: પૃથ્વી પરના જળસ્રોતમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે ત્યારે ખૂબ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે.આ બાષ્પ હવામાં રહે છે.પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિકક્રિયાઓના કારણે વાતાવરણમાં જાય છે.

સૂર્ય – ઉષ્માથી હવા પણ ગરમ થાય છે.આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે. જેમ જેમ હવા ઉપર તરફ ઊઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતાં તે ઠંડી પડે છે.ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ નાનાં બિંદુઓમાં ફેરવાય છે.હવામાં તરતા ધૂળના રજકણો અને અન્ય દ્રવ્યો પાણીનાં નાનાં બિંદુઓને તેમની ફરતે એકત્રિત કરે છે. મોટા પ્રમાણમાં પાણીનાં નાનાં બિંદુઓ એકત્રિત થતાં વાદળો બંધાય છે.પાણીનાં નાનાં બિંદુઓની સંઘનનની પ્રક્રિયાથી પાણીનાં બિંદુઓ કદમાં વધે છે.પાણીનાં બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે.ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે હીમવર્ષા કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.

પ્રશ્ન-9 હવાનું પ્રદૂષણ એટલે શું? હવાનું પ્રદૂષણ કેવી રીતે જાય છે?તેની હાનિકારકઅસરો જણાવો.

ઉત્તર: હવાનું પ્રદૂષણ : હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતો ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે.

હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મિ બળતણના દહનથી થાય છે.અશ્મિ બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલો નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે.અશ્મિ બળતણના દહન દ્વારા સળગ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ (હાઇડ્રોકાર્બન) નિલંબિત કણો સ્વરૂપે હવામાં ઉમેરાય છે.આ પ્રદૂષણો હવામાં ઉમેરાતાં હવાની ગુણવત્તા ઘટે છે.

હવાના પ્રદૂષણની હાનિકારક અસરો: (1) હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર,હૃદયરોગ,ઍલર્જી જેવા રોગો થવાની સંભાવના વધે છે. (2) હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડ વરસાદના પાણી સાથે ભળી જઈને ઍસિડવર્ષા કરે છે.તેનાથી ત્વચા પર,ભૂમિ અને પાણીમાં વસતા સજીવો પર હાનિકારક અસર થાય છે. (3)હાઇડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળામાં નિલંબિત કણો સાથે પાણી સંઘનિત થઈ ધુમ્મસ બનાવે છે. જે વાહન અકસ્માત વધારે છે.

પ્રશ્ન-10 સજીવોને પાણીની જરૂરીયાત શા માટે હોય છે?
ઉતર: સજીવને નીચેની પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂરિયાત હોય છે:

બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે.
શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે.
પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યો ના નિકાલ માટે પાણી જરૂરી છે.
વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે પાણી જરૂરી છે.