પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન-10 ટૂંકનોંધ લખો: વાયુરંધ્ર



ઉત્તર: વાયુરંધ્ર કે પર્ણરંધ્ર પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે.

રચના: વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે. રક્ષક કોષો ના કોષરસ માં હરિતકણ આવેલા હોય છે.

કાર્યો: 
(1) પર્ણોમાં પ્રકાશસંશ્લેષણ માટે વાયુઓનું મોટાભાગનો વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે.

(2) વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જન ની ક્રિયા માં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે.

રક્ષક કોષોનું કાર્ય: 
રક્ષક કોષો વાયુરંધ્ર ખોલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. જ્યારે રક્ષક કોષો માં પાણી અંદર પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને ખુલ્લું કરે છે. જ્યારે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે રંધ્ર બંધ થાય છે. સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર ન હોય ત્યારે જલ તાણની સ્થિતિ માં વનસ્પતિ આ રંધ્ર ને બંધ રાખે છે.

પ્રશ્ન-11 સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે? 
ઉત્તર: સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રીની પ્રાપ્તિ નીચે દર્શાવ્યા મુજબ કરે છે : 

પ્રકાશસંશ્લેષણમાં ઉપયોગી CO2 વાતાવરણમાંથી વાયુરંધ્રો દ્વારા મેળવે છે.

સ્થળજ વસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્ય તા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે . 

નાઇટ્રોજન,ફોસ્ફરસ,આયર્ન (લોહ) અને મૅગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો ભૂમિમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનીજ તત્ત્વ છે.વનસ્પતિઓ નાઇટ્રોજનને એ કાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવી,પ્રોટીન અને અન્ય સંયોજનોનાં સંશ્લેષણમાં ઉપયોગ કરે છે. અથવા કેટલાક બેક્ટરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે છે.

પ્રશ્ન-12 વિષમપોષી પોષણ વિશે સંક્ષિપ્ત સમજૂતી લખો. 
અથવા 
 ટૂંક નોધ લખો : વિષમપોષી પ્રકારનું પોષણ 

ઉત્તર : ક્લોરોફિલવિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે.અન્ય સજીવોએ તૈયાર કરેલાં જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે.

આહાર (ખોરાક) ના સ્વરૂપ,તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીત આધારે વિષમપોષી પોષણ વિવિધ પ્રકારના હોઈ શકે. 

(1) ખોરાકનો સ્રોત અચળ સ્થિર હોય છે. જેમ કે,ઘાસ,ઘાસનો ઉપયોગ ગાય કરે છે. 

(2) ખોરાકનો સોત ગતિશીલ હોય છે, જેમ કે,હરણ.તેનો ઉપયોગ વાઘ,સિંહ કરે છે.

સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ : 

(1) કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. દા.ત., તંતુમય ફૂગ (Bread moulds) , યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ.

(2) કેટલાક સજીવો જટિલ ખોરાક અંતઃગ્રહણ કરી,તેનું પાચન શરીરની અંદર કરે છે.ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્યપદ્ધતિ પર આધારિત છે.

(i) તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા.ત., ગાય,હરણ. (ii) માંસાહારીઓ અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા.ત., વાઘ,સિંહ. (iii) મિશ્રાહારીઓ વનસ્પતિઓ અને તેમનાં ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીઓ અને તેમનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. દા. ત.,વંદો,મનુષ્ય. 

(3) કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. પરોપજીવી પોષણ - પદ્ધતિ ઘણા સજીવો દ્વારા દર્શાવાય છે. દા.ત., અમરવેલ,ઊધઈ,જૂ,જળો, પટ્ટીકૃમિ.

પ્રશ્ન-13 ટૂંકનોંધ લખો: મનુષ્ય માં પોષણ અથવા મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે?


ઉત્તર : આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ,આ ખોરાક પાચનમાર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે.

મુખમાં પાચન : 
મુખમાં દાંત વડે ખોરાક ચવાતાં નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે.લાળગ્રંથિમાંથી સ્ત્રવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે.લાળરસીય એમાયલેઝ (ટાયલિન) ઉત્સુચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન/પાચન કરે છે. 

સ્ટાર્ચ -----------------------માલ્ટોઝ ( શર્કરા ) 

ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. 

તરંગવતું સંકોચન (પરિસંકોચન) : 
પાચનમાર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. આ તરંગવત્ સંકોચન પાચનમાર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચનનળીમાં પસાર થાય છે. તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે.મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે. 

જઠરમાં પાચન : 
જઠરની દીવાલમાં જઠરગ્રંથિઓ આવેલી છે.તે હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCI),પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.આ મિશ્રણને જઠરરસ કહે છે.જઠરની સ્નાયુમય દીવાલ ખોરાકને જઠરરસ સાથે મિશ્ર કરે છે.હાઇડ્રોક્લોરિક ઍસિડ ઍસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સીન ઉત્સેચક પ્રક્રિયામાં મદદ કરે છે.

સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ,જઠરના આંતરિક અસ્તરને ઍસિડ અને પેપ્સીનની અસર સામે રક્ષણ આપે છે.જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી (નિજઠર વાલ્વ) દ્વારા નિયંત્રિત થાય છે. નાના આંતરડામાં પાચન : નાનું આંતરડું પાચનમાર્ગનું સૌથી લાંબામાં લાંબું અને ખૂબ જ ગૂંચળામય અંગ છે.તે કાર્બોદિત,પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે.

જઠરમાંથી ઍસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે.નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે.

(1) કાર્ય : 
જઠરમાંથી આવતા ઍસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે.તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે.પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.તેને તેલોદીકરણ (Emulsification) કહે છે.આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે.

(2) સ્વાદુરસનું કાર્ય : 
સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે.સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાયલેઝ અને તલોદીકૃત ચરબીના પાચન માટે લાયપેઝ ઉત્સેચકો હોય છે. 

(૩) આંત્રરસનું કાર્યઃ 
નાના આંતરડાની દીવાલમાં આવેલી આત્રીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો ઍસિડમાં,જટિલ કાર્બોદિતનું ગ્લૂકોઝમાં અને ચરબીનું ફેટી ઍસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પાચન કરે છે.

પ્રશ્ન-14 તફાવત આપો: જારક શ્વસન અને અજારક શ્વસન 
ઉતર:

જારક શ્વસન

અજારક શ્વસન 

1. આ ક્રિયામાં ઓક્સિજન નો ઉપયોગ થાય છે. 
2.
આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે.

 

 

 

3. આ ક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે.

4. આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસ માં થાય છે જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્ર માં થાય છે.

1,આ ક્રિયામાં ઓક્સિજન નો ઉપયોગ થતો નથી. 

2. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. 
3.આ ક્રિયામાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. 

4. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.