પ્રશ્ન-15 સ્થળચર પ્રાણીઓમાં શ્વસનવાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો.
ઉત્તર : સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઑક્સિજનનો ઉપયોગ કરે છે.આ ઑક્સિજન જુદાં જુદાં પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે.સ્થળચર પ્રાણીઓમાં શ્વસનવાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ :
-> બધાં અંગોમાં એવી રચના હોય જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઑક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે.
-> ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય .
-> આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય.
-> વાતવિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય.
-> ઑક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય.
પ્રશ્ન-16 મનુષ્યનું શ્વસનતંત્ર સમજાવો.
ઉતર: મનુષ્યના શ્વસનતંત્રમાં સંકળાયેલાં અંગો :
(1) નસકોરાં અને નાસિકા માર્ગ : નસકોરાં દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે.આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ,અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે.આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મસ્તર પણ મદદરૂપ છે.
(2) ગળામાં રહેલાં અંગો : કંઠનળી,સ્વરયંત્ર અને શ્વાસનળી (વાયુનળી) હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસાં સુધી લંબાયેલી છે.ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી.
(3) ફેફસાં : ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલાં છે.ફેફસાંમાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે.વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠીની સપાટી દ્વારા વાતવિનિમય થાય છે.
પ્રશ્ન-17 ટૂંકનોંધ લખો: મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસ
ઉત્તર : જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ,ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદરપટલ ચપટો બને છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે.
-> આ કારણે,વાતાવરણમાંથી હવા ફેફસાંમાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો વાતવિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. શરીરમાંથી કાર્બન ડાયૉક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓના રુધિરમાં ઑક્સિજન ગ્રહણ થાય છે.
-> હવે,ઉરોદરપટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે. આ કારણે ફેફસાંમાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે.શ્વાસોચ્છવાસ સમયે,જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસાં કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઑક્સિજનના શોષણ અને કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે.
પ્રશ્ન-18 ટૂંકનોંધ લખો: ફેફસાંના વાયુકોષ્ઠો
ઉતર: ફેફસાંમાં અત્યંત નાની શ્વાસવાહીકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે. તેને વાયુકોષ્ઠો કહે છે.
->વાયુકોષ્ઠો શ્વસનવાયુઓ ની આપ – લે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે.
-> જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે,તો તે લગભગ 80 મીટર વિસ્તારને ઢાંકે છે. આમ,વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે.
->વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી છે.
પ્રશ્ન-19 લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર : લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે.કેશિકાઓની દીવાલમાં આવેલાં છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ,પ્રોટીન અને રુધિરકોષો પેશીકોષોના અવકાશમાં આવે છે.આ રીતે લસિકા નિર્માણ પામે છે.લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે,પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે.
બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકાવાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે.
કાર્યો : (1) નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે.
(2) બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે.
પ્રશ્ન- 20 ઉત્સર્જન એટલે શું ? વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે?
ઉત્તર : પ્રાણીશરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.પ્રાણીશરીરમાં વિવિધ ચયાપચય ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે.તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે.વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે.
->મોટા ભાગનાં એકકોષી પ્રાણીઓ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર સપાટીથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે.
->જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન – કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન-21 મનુષ્ય નું ઉત્સર્જન તંત્ર સમજાવો.
ઉતર: મનુષ્યના ઉત્સર્જન તંત્ર માં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મુત્રાશય અને મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે.
(1) મૂત્રપિંડ : એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કશરૂકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે.મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે.
(2) મૂત્રવાહિની : મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે.
(3) મૂત્રાશય : તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે.તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે.
(4) મૂત્રમાર્ગ : મૂત્રાશયથી શરીરની બહાર ખૂલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે. તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે.
પ્રશ્ન-22 મૂત્રપિંડનલિકા (Nephron) ની રચના સમજાવો.
ઉત્તર : મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડનલિકા છે.પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડનલિકાઓ હોય છે.તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે.
-> મૂત્રપિંડનલિકા લાંબી ગૂંચળામય રચના છે.તેના અગ્રભાગે કપ આકારની બાઉમૅનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહણનલિકામાં થાય છે.બાઉમૅનની કોથળીમાં પાતળી દીવાલવાળી રુધિરકેશિકાઓનું ઝૂમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિરકેશિકાગુચ્છ કહે છે.
પ્રશ્ન-23 મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે?
ઉત્તર : મૂત્રનિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે.
-> મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા,યુરિક ઍસિડ વગેરેને દૂર કરે છે.ગાળણ એકમો મૂત્રપિંડનલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે.બાઉમૅનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે.પ્રારંભિક ગાળણમાં ગ્લુંકોઝ,એમિનો ઍસિડ,ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે.
-> જેમ જેમ ગાળણ મૂત્રપિંડનલિકામાં વહન પામે છે,તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે.પાણીના પુન :શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે.આ રીતે , મૂત્ર ઉત્પન્ન થાય છે.
[સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ 180 લિટર પ્રારંભિક ગાળણ ઉત્પન્ન થાય છે. આમ છતાં, ઉત્સર્જિત મૂત્રનું કદ 1 કે 2 લિટર| દિવસ હોય છે. બાકીના ગાળણનું મૂત્રપિંડનલિકાઓમાં પુન : શોષણ થાય છે.]
0 Comments