પ્રકરણ ૨ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

1. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ (અર્થ) સમજાવો.

ઉત્તર : 
  • આર્થિક વૃદ્ધિનો અર્થ નીચે મુજબ છે:
  • આર્થિક વૃદ્ધિને સમયના લાંબાગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે.
  • આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે.
  • વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજનશક્તિ જેવાં ઉત્પાદનમાં સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનમાં સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે.
  • ટૂંકમાં કહીએ તો, દેશના ઉત્પાદનમાં સાધનોના પુરવઠામાં, તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય.
  • આમ, આર્થિક વૃદ્ધિ પરિણાત્મક પરિવર્તન છે.
  • આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે. જેના દ્રારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજુ થાય છે.
  • દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે.
  • આર્થિક વૃદ્ધિને અર્થશાસ્ત્રીઓ દ્રારા ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે.
  • હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ :
  • આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો.
  • સાયમન ક્રુઝનેટ્સના મતે આર્થિક વૃદ્ધિ :
  • પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબાગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે.
2. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જણાવો.

ઉત્તર : આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા આ પ્રમાણે છે :

(1) આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે.

(2) આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે.

(3) આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે.

(4) લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી.

3. આર્થિક વિકાસનો અર્થ સમજાવો.

ઉત્તર : 
  • આર્થિક વિકાસનો અર્થ નીચે મુજબ છે:
  • આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઇ જાય છે.
  • આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે.
  • વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. બહુમુખી પ્રક્રિયા છે.
  • વિકાસની પ્રક્રિયાબ દરમિયાન દેશનું આર્થિક અને સામાજીક માળખું બદલાય છે.અ
  • આર્થિક પ્રગતિની સાથે સામાજીક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે.
  • રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે.
  • ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમીકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે.
  • આધુનિક ટેક્નોલોજી અમલમાં આવે છે. જેનાથી સમય અને ખર્ચ બચે છે.
  • નવાં બિયારણો શોધાય છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે.
  • આ બધાં માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે.
  • આર્થિક વિકાસને વિશ્વના જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્રારા ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે.

માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ :
  • આર્થિક વિકાસ એ બહુપરિમાણિય પ્રક્રિયા છે.
  • જી.એમ.મેયર મતે આથિક વિકાસ:
  • આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે.
મેકલયના મતે આર્થિક વિકાસ :
  • વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનમાં સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એક પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવનધોરણ ઊચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઇ રહ્યો છે તેમ કહેવાય.

4. આર્થિક વિકાસનાં લક્ષણો જણાવો.

ઉત્તર : માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણિય પ્રક્રિયા છે. જેના લક્ષણો આ પ્રમાણે છે:

(1) આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે :

  • આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે.
  • કોઇપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે. પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે.
  • સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે. પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે.

(2) પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે :

  • આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધનો દ્રારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવાં ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે.
  • પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે.

(3) માંગમાં પરિવર્તન આવે છે :

  • વિકાસ થવાથી લોકોની આવક વધે છે. રૂચિ બદલાય છે. પરિણામે માંગ બદલાય વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે. ત્યારબાદ મોજશોખ અને સુખ–સગવડની વસ્તુની માંગ વધે છે.

(4) શ્રમની ગતિશીલતા વધે છે :

  • વિકાસને કારણે શિક્ષણ વધતાં શ્રમની ગતિશીલતા વધે છે.

(5) મૂડીસર્જનમાં વધારો થાય છે :

  • વિકાસથી જુદી–જુદી વસ્તુઓની માંગ વધે છે. નવા સાહસિકો આગળ આવે છે. તેથી મૂડીસર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે.

(6) ટેકનોલોજીમાં ફેરફાર થાય છે :

  • વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારીત ટેકનોલજીને બદલે કોલસા–લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવાતા વિકાસ દર ઝડપી બને છે.

(7) અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે.

5. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ જણાવો.

ઉત્તર : આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા આ પ્રમાણે છે.

(1) આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક બાબતો ની સ્થિતિ દર્શાવી શકે છે. પરંતુ તે સાચા અર્થમાં માનવવિકાસની ચર્ચા કરી શકતું નથી. માનવપ્રગતિનું માપદંડ બની શકતું નથી.

(2) આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મૂશ્કેલ છે. કારણકે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે.

(3) આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવનધોરણ ઊચું આવે ? આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાનાં જીવનધોરણમાં ખૂબ સુધારો થયો નથી એટલે વિકાસ એટલે જીવનધોરણમાં સુધારો એવું કહી શકાય નહિ.