પ્રકરણ ૭ નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 8. સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણો ની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે?


ઉત્તર : સંવેદનશીલ છોડ લજામણી સ્પર્શનો પ્રતિચાર દ્રશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે. આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુ પેશી નો અભાવ હોય છે.

સંવેદનશીલ વનસ્પતિ લજામણીનાં પર્ણોને સ્પર્શ કરવામાં આવે,તો તેનાં પર્ણો ઝડપથી બિડાઈ જાય છે. તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુકોષો ન હોવા છતાં,વનસ્પતિકોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે કે સંકોચાય છે.પરિણામે પર્ણો વિસ્તૃત થાય કે બિડાઈ જાય છે.આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી,પ્રતિચારરૂપે પર્ણોનું હલનચલન દર્શાવે છે.

પ્રશ્ન 9. વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે? 

ઉત્તર : વનસ્પતિઓમાં સંક્લન પ્રાણીઓના સંકલનથી નીચેની રીતે અલગ પડે છે : 

(1) પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું નથી. 

(2) પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી.આમ છતાં,વનસ્પતિકોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે.જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે. 

(3) પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી.આમ છતાં,વનસ્પતિકોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે.

પ્રશ્ન 10. વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. 

ઉત્તર : વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રો (Tendrils) ની મદદથી ઉપર ચઢે છે. આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે.જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે,ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી.પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે.આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકારે વીંટળાઈ જવામાં મદદ કરે છે. વટાણાના છોડની વૃદ્ધિ એકદિશીય સદિશ હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે.

પ્રશ્ન 11.આવર્તન (Tropism) નો અર્થ શું છે? ઉદાહરણ સાથે સમજાવો. 

ઉત્તર : વનસ્પતિના અંગમાં હલનચલન (બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય,તેને આવર્તન કહે છે. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે.જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય,તો તેને ધન આવર્તન અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ હોય,તો તેને ઋણ આવર્તન કહે છે. 

ઉત્તેજના પ્રેરતાં પરિબળ : પ્રકાશ,ગુરુત્વાકર્ષણ,પાણી,રસાયણ અને સ્પર્શ ઉત્તેજના પ્રેરતાં સામાન્ય પરિબળ છે. 

વનસ્પતિ અંગોની પ્રતિક્રિયાના આધારે આવર્તનના પ્રકારો : 

(1) પ્રકાશાવર્તન (ફોટોટ્રોપિઝમ) : પ્રકાશની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહે છે. ઉદાહરણ : મૂળતંત્ર ત્રણ પ્રકાશાવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે. 

(2) ભૂ-આવર્તન (જીઓટ્રોપિઝમ) : ગુરુત્વાકર્ષણની પ્રતિ ક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂ- આવર્તન કહે છે. ઉદાહરણ : મૂળતંત્ર ધન ભૂ-આવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ-આવર્તન દર્શાવે છે. 

(3) જલાવર્તન ( હાઇડ્રોટ્રોપિઝમ ) : પાણીની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે. ઉદાહરણ : મૂળતંત્ર ધન જલાવર્તન અને પ્રકાંડ ઋણ જલાવર્તન દર્શાવે છે. 

(4) રસાયણાવર્તન (કેમોટ્રોપિઝમ) : ચોક્કસ રસાયણની પ્રતિ ક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન કહે છે. ઉદાહરણ : ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણાવર્તન કહે છે. 

(5) સ્પર્શાવર્તન (થિગ્લોટ્રોપિઝમ) : આધારના સ્પર્શની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શાવર્તન કહે છે. ઉદાહરણ : વનસ્પતિનાં સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકારે વીંટળાય છે. તેને ધન સ્પર્શાવર્તન કહે છે.

પ્રશ્ન 12. વનસ્પતિ અંતઃસ્ત્રાવો વર્ણવો. અથવા વનસ્પતિ અંતઃસ્ત્રાવોનાં નામ અને તેની અસરો જણાવો. 

ઉત્તર : વનસ્પતિ અંતઃસ્ત્રાવો : તેઓ વૃદ્ધિ,વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે.તેમનું સંશ્લેષણ–સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય છે.તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. 

(i) વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવો : 

(1) ઑક્ઝિન : તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે.તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે.જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય,ત્યારે ઑક્ઝિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઑક્ઝિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે.આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે.આમ,ઑક્ઝિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. 

(2) જીબરેલિન : તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. 

(3) સાયટોકાઇનિન : ઝડપી કોષવિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે.ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. તે કોષવિભાજનને પ્રેરે છે. 

(ii ) વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ : 

અબ્સિસિક ઍસિડ : તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે.તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે.

પ્રશ્ન 13. ‘લડવાની કે દોડવાની ક્રિયા’ની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સવે છે? શરીરમાં તેની અસરો લખો. 

ઉત્તર : શરીર જ્યારે ‘લડવાની કે દોડવાની ક્રિયા’ની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. 

એડ્રીનાલિનની અસરો : 

(1) હૃદયના ધબકારા વધે છે.પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઑક્સિજનનો પુરવઠો મળે છે. (

2) પાચનતંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતાં ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે.આ રુધિરની દિશા આપણા કંકાલસ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. 

(3) ઉરોદરપટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસનદર વધે છે. 

આ બધા પ્રતિચાર પ્રાણીશરીરને ‘લડવાની કે દોડવાની ક્રિયા’ની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે.

પ્રશ્ન 14. પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો. 

ઉત્તર : પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે : 
(1) તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્રાવ પામતાં ચોક્કસ રાસાયણિક સંયોજનો છે.
(2) તે રાસાયણિક સંદેશાવાહકો છે. 
(3) તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે.
(4) તે રુધિર દ્વારા વહન પામે છે. 
(5) તે ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે.તેનો વધારે સ્ત્રાવ કે ઊણપ ચોક્કસ અનિયમિતતા/ખામી સર્જે છે.

પ્રશ્ન 15. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો. 

ઉત્તર : મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવ (1) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (GH ) અને (2) થાઇરૉક્સિન છે. 

(1) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ( GH - Growth Hormone ) : તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે.તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. 

(2) થાઇરૉક્સિન : તે થાઇરૉઇડ ગ્રંથિમાંથી સવે છે.તેના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે.તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે.તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે.

પ્રશ્ન 16. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સજતી અનિયમિતતા/ખામીઓ સમજાવો. 

ઉત્તર : અંતઃસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે.તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે (વધારે સ્ત્રાવ કે ઊણપના કારણે) ખામીઓ સર્જાય છે, જે નીચે મુજબ છે : 

(1) વધારે ઊંચાઈ : વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (GH ) ના વધારે સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે છે. 

(2) વામનતા : બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (GH ) ની ઊણપથી વામનતા (નાના કદ કે ઠીંગણા) ની સ્થિતિ સર્જાય છે. 

(3) ગૉઇટર : આપણા આહારમાં આયોડિનની ઊણપ થાઇરૉક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગૉઇટર થાય છે.થાઇરૉઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફુલેલી ગરદન જોવા મળે છે. 

(4) મધુપ્રમેહ (ડાયાબિટીસ) : જો ઇસ્યુલિનનો સ્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય,તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે,તેના કારણે મધુપ્રમેહ (ડાયાબિટીસ) થાય છે.