પ્રકરણ ૬ પેશીઓ 

પ્રશ્ન 10 અન્નવાહક પેશી (Phloem) ની રચના અને કાર્ય વર્ણવો. અથવા ટૂંક નોંધ લખો : અન્નવાહક પેશી
ઉત્તર : 
  • વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનાં કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે.
રચના : 
અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમો : 
(1) ચાલની નલિકાઓ, 
(2) સાથીકોષો, 
(3) અન્નવાહક મૃદૂતક અને 
(4) અન્નવાહક તંતુઓની બનેલી છે. 
  • ચાલનીનલિકા છિદ્રિષ્ઠ કોષદીવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે.તે કોષકેન્દ્રવિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે.અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે.

કાર્ય: 
  • તે ખોરાકના વગરનું કાર્ય કરે છે.
પ્રશ્ન 11 અધિચ્છદ પેશી ના સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર :
  • પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદ પેશી તરીકે ઓળખાય છે. તે શરીરની અંદર રહેલા મોટાભાગના અંગો અને તેમના પોલાણોને ઢાંકે છે.

સામાન્ય લક્ષણો : 
(1) અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે.
(2) બધી જ અધિચ્છદની નીચે બાહ્ય રેસાય આધાર આપતી આધારકલા હોય છે, જે અન્ય પેશીથી તેને અલગ કરે છે.
(3) અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે.
(4) મોટા ભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે.

સ્થાન : 
  • ત્વચા,મોનું અસ્તર,અન્નનળી,રુધિરવાહિનીનું અસ્તર,ફેફસાંના વાયુકોષ્ઠો,મૂત્રપિંડનલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે.
કાર્ય : 
  • અધિચ્છદ પેશી વિવિધ શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા અવરોધ (અંતરાલ) નું નિર્માણ કરતી હોવાથી જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના સ્તર (પટલ) માંથી પસાર થાય છે. આથી વિવિધ પ્રકારની અધિચ્છદ પેશીના કોષો વચ્ચેની પારગમ્યતા,બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરનાં વિવિધ અંગો વચ્ચે પદાર્થોની આપ–લેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પ્રશ્ન 12 સંયોજક પેશી એટલે શું? તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો.
ઉત્તર :
  • સંયોજક પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી,આધાર આપતી પ્રાણીપેશી.
લક્ષણ : 
  • પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે.
આંતરકોષીય આધારક દ્રવ્ય : 
  • તે જેલી જેવું,પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે.
  • સંયોજક પેશી માં રુધિર,અસ્થિ,કાસ્થિ, મેદપૂર્ણ પેશી વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 13 સ્નાયુ પેશીનાં સામાન્ય લક્ષણો જણાવી,સ્નાયુ પેશીના પ્રકાર લખો.
ઉત્તર : 
સ્નાયુ પેશીનાં સામાન્ય લક્ષણો : 
  • સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે.તેને સ્નાયુતંતુ કહે છે. સ્નાયુતંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન (ઍક્ટિન અને માયોસીન) આવેલું હોય છે.તેના કારણે સંકોચન અને શિથિલનની ગતિ મળે છે.આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે.
સ્નાયુ પેશીના પ્રકાર : 
(1) રેખિત સ્નાયુ પેશી, 
(2) અરેખિત સ્નાયુ પેશી અને 
(3) હૃદુ સ્નાયુ પેશી.

પ્રશ્ન 14 રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો. અથવા વર્ણવો : કંકાલ સ્નાયુ પેશી અથવા આકૃતિ દોરી એચ્છિક સ્નાયુ પેશી વર્ણવો.
ઉત્તર : 
  • આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ (અસ્થિ) સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે.
  • આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઇચ્છાશક્તિને આધીન એટલે કે આપણી ઇચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ કે રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે.સુક્ષ્મદર્શક યંત્રમાં જોતાં આ પેશીના સ્નાયુતંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓ જોવા મળે છે. તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે.
સ્થાન : 
  • તે ઉપાંગો,શરીરદીવાલ,જીભ,કંઠનળીમાં જોવા મળે છે.


પ્રશ્ન 15 ટૂંકનોંધ લખો : અરેખિત (સરળ) સ્નાયુ પેશી
ઉત્તર : 
સ્થાન : 
  • આંખની કીકી,મૂત્રવાહિની,ફેફસાંની શ્વાસ વાહિનીઓમાં,અન્નનળી અને રુધિરવાહિનીની દીવાલમાં.
લક્ષણો : 
(1) પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે.
(2) અરેખિત સ્નાયુતંતુઓ ત્રાકાકાર,એકકોષી,ચપટા,છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે.
(3) સ્નાયુતંતુઓ એકકોષકેન્દ્રીય હોય છે.
(4) તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે.
  • અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીઓમાં રુધિરપ્રવાહ અનૈચ્છિક ગતિવિધિ છે.તે આપણી ઇચ્છાનુસાર પ્રારંભ કે બંધ થતી નથી.અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે.

પ્રશ્ન 16 ટૂંકનોંધ લખો : હદ્ સ્નાયુ પેશી

ઉત્તર : 
  • હદયના સ્નાયુઓ જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે.આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હદ્ સ્નાયુ પેશી કહે છે.હદ્ સ્નાયુતંતુઓ (સ્નાયુકોષો) નળાકાર,શાખિત અને એકકોષ કેન્દ્રીય હોય છે.


પ્રશ્ન 17 ચેતા પેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો.
ઉત્તર : 
ચેતા પેશીનું સ્થાન : 
  • મગજ (મસ્તિષ્ક),કરોડરજ્જુ અને ચેતાઓ.
ચેતા પેશીના કોષો : 
  • ચેતા પેશીના કોષને ચેતાકોષ કહે છે.
ચેતાકોષની રચના : 
  • ચેતાકોષમાં કોષકેન્દ્ર અને ચેતારસ (કોષરસ) આવેલો છે. ચેતાકોષમાંથી લાંબી, પાતળી શાખાઓ નીકળે છે.
ચેતાકોષની લંબાઈ : 
  • ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે.
ચેતાનું નિર્માણ : 
  • ઘણા ચેતાકોષના ચેતાતંતુ (અક્ષતંતુ) ઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે.
કાર્ય : 
  • ચેતા પેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ,આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે.