3 : ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

1. શિલ્પકલા એટલે શું?

  • શિલ્પી પોતાના મનના ભાવોને પોતાનાં કૌશલ્ય અને આવડત અનુસાર છીણી વડે પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તેને શિલ્પકલા કહે છે.

 2. સ્થાપત્ય કલા

  • સ્થાપત્ય નો સરળ અર્થ બાંધકામ એવો થાય છે.
  • સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ‘વાસ્તુ’ શબ્દ વપરાય છે.
  • જે ખુબ પ્રચલિત છે.
  • મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે.
  • સ્થાપત્ય કલામાં ‘સ્થપતિ’નું કૌશલ્ય પ્રયોજાય છે.

3. પ્રાચીન ભારતનું નગર આયોજન કેવું હતું?

  •       ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે.
  •       પુરાતત્વીય ઉત્ખનન કરતાં આવાં ઘણાં નગરો મળી આવ્યાં છે.
  •       આ નગરોમાં મુખ્ય ત્રણ વિભાગો જોવા મળે છે.
  •        શાસક અધિકારીઓનો ગઢ : જે ઊંચાઇ ઉપર બાંધવામાં આવતો હતો..
  •        અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર:  જેને રક્ષણાત્મક દીવાલોથી સુરક્ષિત કરવામાં આવતું હતું. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે.
  •        સામાન્ય નગરના આવાસ ધરાવતું નીચલું નગર:  અહીં મુખ્યત્વે હાથે ઘડેલી ઇંટોના બનાવેલ મકાનો મળી આવ્યા છે. 
  •       સિધું ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યસ્થિત એવાં કેટલાંક નગરો વિકસાવ્યાં હતાં. એ પૈકી હડપ્પા અને મોહેં–જો–દડો નામના નગરો મહત્વનાં હતાં.

4. મોહેં-જો-દડોની નગર રચના સમજાવો.

  • ઇ.સ. 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનરજી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધના લારખાના જિલ્લામાં મોહેં-જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.
  • મોહેં-જો-દડોનો અર્થ 'મરેલાનો ટેકરો' એવો થાય છે.
  • મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. 
  • પૂર અને ભેજથી બચવા ઊંચી પીઠિકા ઉપર મકાનો બાંધવામાં આવતા હતા.
  • શ્રીમંતોના મકાનો બે માળવાળા અને પાંચ કે સાત ઓરડાવાળાં હતા.
  • સામાન્ય વર્ગના લોકોનાં મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળાં હતા.
  • સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી.
  • મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા હતા.
  • અહીં દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનાગૃહના અવશેષો મળ્યા છે.
  • હવા ઉજાસ માટે બારી બારણાંની વ્યવસ્થા હતી.
  • રસ્તાઓ  મોહેં-જો-દડોની નગર રચનાનું એક વિશિષ્ટ લક્ષણ છે. અહીં એક થી વધુ વાહનો એક સાથે પસાર થઇ શકે તેટલા પહોળા રસ્તાઓ કાટખુણે મળતા હતા. આ રસ્તાઓની લંબાઇ લગભગ 9.75 મીટર જેટલી પહોળી હતી.
  • નગરમાં એક ઉત્તર થી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ એમ બે સીધા રાજમાર્ગ રહેતા. આ બંને રાજમાર્ગો એક બીજાને મધ્યમાં અને કાટખૂણે છેદતા.
  • રસ્તાની બાજુમાં રાત્રિપ્રકાશ માટે થાંભલા હોવાનું પણ અનુમાન છે. 
  • દરેક મકાનમાં એક ખાળકૂવો હતો તેમજ નગરમાંથી ગંદા પાણીના નીકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
  • ધાર્મિક કે અન્ય પ્રસંગોએ સામૂહિક રીતે લોકો સ્નાન કરી શકે તેવા જાહેર સ્નાનાગારો પણ બનાવાયા હતા.
  • મનોરંજન, કોઠાર કે અન્ય વ્યવહાર માટે જાહેર મકાનો પણ બનાવાયા હતા. આ સાથે સૈનિકો માટે બૅરેક પણ બનાવવામાં આવી હતી.

5. મોહેં-જો-દડોના રસ્તાઓ સમજાવો.

  • રસ્તાઓ મોહેં-જો-દડોની નગરરચના નું એક વિશિષ્ટ લક્ષણ હતું.
  • અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા.
  • નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા.
  • રસ્તાની બાજુમાં રાત્રિપ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે.
  • નગરમાં સીધા પહોળા  બે મુખ્ય રાજમાર્ગો હતા. તે ક્યાંય વળાંક નહિ લેતાં સીધા જ જતા હતા.
  • એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વેથી પશ્ચિમ તરફ જતો હતો.
  • બંને માર્ગો મધ્યમાં કાટખુણે છેદતા હતા.

6. મોહેં-જો-દડોની ગટર યોજના સમજાવો. 

  • આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે.   
  • આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના કીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી.
  • નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
  • દરેક મકાનમાં એક ખાળકૂવો હતો.
  • આવી સુવ્યસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાઇ જેવી કોઇ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.

7. મોહેં-જો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો વિશે માહિતી આપો.

  • જાહેર સ્નાનાગાર:
  • જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો નગરરચનાનું એક વિશિષ્ટ લક્ષણ હતા.
  • અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે.
  • સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદું પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી.
  • સ્નાનાગારમાં ગરમ પાણીની પણ વ્યવસ્થા હતી. વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ મળી આવી છે.
  • ધાર્મિક પ્રસંગે લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે એવું અનુમાન લગાવી શકાય છે.
  • જાહેર મકાનો :
  •  મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા બે મકાનો મળ્યા છે. તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન, વહીવટ ખંડ કે રાજયના કોઠાર ખંડ તરીકે થતો હશે.
  • મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે, જે સૈનિકો માટેની બેરેક  હશે એવું અનુમાન લગાવી શકાય છે.

 8. હડપ્પીય સંસ્કૃતિ વિશે ટૂંકમાં માહિતી આપો.

  • સર જ્હૉન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે  ઇ.સ. 1921માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.
  • હિમાચલ પ્રદેશમાં રોપર , ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીપુર, રાજસ્થાનના કાલિબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, મોરબી પાસે કુન્તાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
  • સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે.
  • આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો  હડપ્પા સ્થળેથી મળી આવેલા તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે.
  • આ સ્થળેથી પાષાણનાં અને તાંબાના ઓજારો, ચીજવસ્તુઓ વગેરે મળી આવ્યા છે. તેથી તેને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે.
  • હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે તેવા પુરાવાઓ મળ્યા છે.

 9. ધોળાવીરા વિશે માહિતી આપો.

  • ભુજથી લગભગ 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે.
  • ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું.
  • એ પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું. ઈ.સ.1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખન્ન કરવામાં આવ્યું હતું.
  • ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમ જ નગરની મુખ્ય દીવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે.
  • નગરની મજબૂત સુરક્ષા વ્યવસ્થા માટે કિલ્લેબંધી કરવામાં આવી હશે. કિલ્લાની આ દિવાલ માટી, પથ્થર અને ઇંટોમાંથી બનાવેલ છે.
  • અહીંથી પીવાનું શુદ્ધ પાણી ગળાઇને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદભૂત છે.

 10. સમજાવો : લોથલ પ્રાચીન સમયનું સમૃદ્ધ બંદર છે.                   અથવા

લોથલ ભારતીય ઇતિહાસનું ગૌરવ છે સમજાવો.

  • લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે.
  • લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
  • લોથલ ખંભાતના અખાતથી 18 કિમી દૂર છે.
  • તેમાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે.
  • નગરના પૂર્વે છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે, વહાણ લાંગરવા માટે મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો.
  • આ ધક્કો ઉપરાંત અહીંથી મળી આવેલા વખારો, દુકાનો, આયાત, નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે કે લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે.
  • ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. લોથલ ગુજરાત જ નહિ પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે.

 11. મોર્યકાલીન કલાનો પરિચય આપો.

  • મૌર્યકાળમાં સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફાવિહારો, ચૈત્યો, સ્તૂપોની ભેટ આપી છે.
  • ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તુપ તરીકે ઓળખવામાં આવે છે.
  • સમ્રાટ અશોકના સમયના પાંચ સ્તૂપો જાણીતા છે.
  •        (1)સાંચીનો સ્તૂપ        (2)સારનાથનો સ્તૂપ    (3)બેરતનો સ્તૂપ       (4)નંદનગઢનો સ્તૂપ                 (5) ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ.  ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠો બનાવવામાં આવ્યા હતા.
  • સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો.
મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે. સાંચીનો અસલ સ્તૂપ ઇંટોનો બનાવેલો હતો તે હાલના કરતાં કદમાં અડધો હતો.  બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે.

12. સ્તંભલેખો સમજાવો.

  • સ્તંભલેખો એક જ શિલામાંથી બનાવેલ હતા.
  • સમ્રાટ અશોકના ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો, શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે.
  • સ્તંભોને એક જ પથ્થરમાંથી કોતરીને, ઘસી ઘસીને, ચળકાટ આપવામાં આવતો હતો.
  • આવા સ્તંભો અંબાલા, મેરઠ. અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બૌદ્ધગયાના બોધિવૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા.
  • સ્તંભલેખો બ્રાહ્મી લિપીમાં કોતરેલા છે.
સારનાથનો સ્તંભ :
  • સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે.
  • આ સ્તંભની ટોચ ઉપર પરસ્પરે અડકીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.
  • સારનાથ, ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચાર બાજુ ચાર ધર્મચક્રો અંકિત કર્યા છે. એ ચક્ર ધર્મનો વિજય બતાવતુ હોવાથી ધર્મચક્ર કહેવાય છે.
  • આ સાથે સ્તંભમાં હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ પણ કંડારવામાં આવી છે.
  • પ્રજાસતાક ભારતના રાષ્ટ્રધ્વજમાં ધર્મચક્રને સ્થાન આપવામાં આવ્યું છે, ચાર સિંહોની આકૃતિને ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
  • દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો ગણાય છે.

 13. શિલાલેખ સમજાવો.

  • એક જ પથ્થરમાં ધર્માજ્ઞાઓ કોતરીને શિલાલેખો બનાવવામાં આવ્યા હતા. સમ્રાટ અશોકના શિલાલેખો હજુ પણ એ ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવે છે.
  • આ શિલાલેખો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઇ, ધૌલી, જૌગડા અને ચેન્નઈ વગેરે સ્થળેથી મળ્યા છે.
  • ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં આ પ્રકારનો શિલાલેખ છે.
  • આ સાથે ગુજરાતમાં પાલિતાણા શેત્રુંજય પર્વત પરના જૈન મંદિર, અમદાવાદના હઠીસિહના જૈન દૈરાસરમાં ઇ.સ. 1847માં સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે.
  • કાષ્ઠશિલ્પ, પાષાણશિલ્પ વગેરે સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે.
  • લાકડાઓ અને  પથ્થરની વાડ બનાવી દરવાજા પર સુંદર તોરણો કોતરવામાં આવ્યા હતા. જે ધર્મના આચરણ ઉપર ભાર મુકે છે.

 14. ચૌલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી : સમજાવો

  • ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા.
  • આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા.
  • નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ડ નમૂનાઓ છે.
  • આથી કહેવાય કે ચૌલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોચાડી હતી.

 15. ગુપ્તયુગનો એ કલાનો સુવર્ણયુગ કહેવાય છે. સમજાવો.

  • ગુપ્તકલામાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ડ વિકાસ થયો હતો. જબલપુરનું પાર્વતી મંદિર, ભૂમરાનું શિવમંદિર, એરણનું નરસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્યો, મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો વગેરે ગુપ્તયુગની કલાઓના ઉત્તમ નમૂના છે.
  • આ સાથે શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગિરિ ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોતમ નમૂનાઓને લીધે ગુપ્તયુગ કલાનો સુર્વણયુગ કહેવાય છે.

 16.  પ્રાચીન ભારતના ગુફા સ્થાપત્ય વિશે વિસ્તૃત માહિતી આપો.

  • ભારતવર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે.
  • ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઇ પાસેની એલિફન્ટાની ગુફાઓ, ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગિરિ, ખંડગિરિ અને નિલગિરિ ગુફાઓ, મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ, ગુપ્તકાલીન સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે.
  • ગુજરાતમાં ખંભાલીડા, ઢાંક, જુનાગઢ ખાતે ત્રણ ગુફા સમુહો, તળાજા, સાણા વગેરે સ્થળો, ગુફાઓ આવેલા છે.
  • અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે. તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યોની વિગતો છે.
  • આસામની દાર્જીલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે.

ગુજરાતની ગુફાઓ :
(1) જુનાગઢની ગુફાઓ : 

  • જુનાગઢમાં ત્રણ ગુફાઓનો સમુહ આવેલો છે.
 (A)બાવાપ્યારાનો ગુફા સમુહ:

  • આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખુણે જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં ચાર, બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે. તે ઇસ્વીસનના આરંભની બે–એક સદી દરમિયાન કંડારેલી હોવાની શકયતા છે.
(B) ઉપરકોટની ગુફાઓ : 

  • આ ગુફાઓ બે મજલામાં આવેલ છે, નીચે ઉપર જતા સોપાન શ્રેણી છે. ઉપરકોટની ગુફાઓ ઇ.સ. બીજી સદીના ઉતરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઇએ.
(C)ખાપરા કોડિયાની ગુફાઓ, કુંડ ઉપરની ગુફાઓ :

  • આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય. ગુફાઓને નુકશાન થયેલ છે. કુલ 20 સ્તંભો આવેલા છે. આ ગુફા ઇ.સ ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શકયતા છે.
(2) ખંભાલીડાની ગુફા : 

  • રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ શોધાઈ છે. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ બીજી–ત્રીજી સદીની છે.
(3) તળાજાની ગુફા: 

  • ભાવનગર જીલ્લામાં શેત્રુંજી નદીના મુખપાસે તળાજા ડુંગર આવેલો છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.
  • અહી પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે.
  • આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે.
  • એભલમંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે.
  • બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઇસવીસનની ત્રીજી સદીની છે.
(4) સાણા ગુફા : 

  • ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકીયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 ગુફાઓ આવેલી છે.
(5) ઢાંક ગુફા :

  • રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકામાં ઢાંક નજીક ઢંકગિરિ આવેલો છે. ઢાંકાની ગુફાઓ ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું મનાય છે.
(6) ઝીંઝુરીઝર : 

  • ઢાંકની પશ્ચિમે 7 કિમીના અંતરે સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઇ.સ.ની પહેલી અને બીજી સદીમાં તે બનેલી હોય તેમ મનાય છે.
(7) કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ :

  • કચ્છના લખતર તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે.
  • એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે.
  • અહીંનું ગુફા સ્થાપત્ય બેનમૂન છે.
  • એક જ પથ્થરમાં કંડારેલો 11 ફુટ ઊંચો એક સિંહ સ્તંભ છે.
  • સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિહંકૃતિ છે. 

17. ભારતના રથમંદિરોનો પરિચય આપો.

  • દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથમંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે.
  • કાંચીનું કૈલાસનાથનું  અને વૈકંટપેરૂમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
  • આ ઉપરાંત મહાબલિપુરમનો મંડપ અને મહાબલિપુરમના રથમંદિરો વિશ્વ વિખ્યાત છે.
  • દરેક રથમંદિરો એક જ ખડક કાપીને બનાવવમાં આવ્યા છે.
  • આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌથી મોટું રથમંદિર ધર્મરાજનું અને નાનું રથમંદિર દ્રોપદીનું છે.

 18. ભારતમાં મંદિર સ્થાપત્ય વિશે વિસ્તૃત માહિતી આપો.

  • મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીવાળાં અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે.
  • કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો.
  • સ્થાપત્યકલામાં શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું ભૂમરાનું શિવમંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર, નાલંદાની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પકલાક્ષેત્રે અદ્વિતીય છે.તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે.
  • ચોલવંશની રાજધાની થંજાવુરમાં હતી. અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફુટ ઊંચું છે. પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે.
  • ઓડિશામાં કોણાર્કમાં સૂર્યમંદિર આવેલું છે. આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે.

 19. ગોપુરમ્ સ્થાપત્ય વિશે ટૂંકનોધ લખો.

  • ગોપુરમ્ એટલે મંદિરનું પ્રવેશદ્વાર.
  • દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવંતુ બનાવ્યું.
  • તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી.
  • આ મંદિરના દરવાજાઓ ગોપુરમ્ ને નામે ઓળખાય છે.
  • મંદિરોને બદલે ગોપુરમ્ ની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો.
  • કાંચી અને મદુરાઇના મંદિરોના ગોપુરમ્ દુરથી જોઇને આજે પણ કલા રસિકા મંત્રમુગ્ધ બની જાય છે.
  • તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને તેર માળનું ગોપુરમ્ છે. ધાતુ તથા પથ્થરની મૂર્તિઓ આ સમયની આગવી વિશિષ્ટતા છે.
  • નટરાજની કાંસ્યપ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે.
  • ચોલમંદિરો કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી ભવ્યતા ધરાવે છે.
  • મદુરાઇમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે. મંદિરમાં મુખ્ય ચાર ગોપુરમ્ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે.
  • મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. શિખરબદ્ધ તેમ જ ભવ્યાતિભવ્ય એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતા તદ્દન જુદી હતી.

 20. જૈન મંદિરો વિશે વિસ્ત્તૃત માહિતી આપો.

  • ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલા છે. રાજગૃહમાં વૈભાર, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ અને શ્રમણગિરિ નામના પાંચ જૈન મંદિરો છે.
  • બિહારમાં સમેત શિખરજી સિધ્ધક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે. તેને મધુવન કહે છે
  • અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા
  • અહીં અભિનંદન નાથજી અને  પાર્શ્વનાથજીના મંદિરો છે.
  • અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા.
  • ગુજરાતના પાલિતાણામાં જૈન દેરાસર અને શંખેશ્વરમાં પંચાસરા મંદિર છે.
  • રાજસ્થાનમાં માઉન્ટ આબુનાં દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલાકારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદભુત છે.
  • આબુ ઉપર ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલ 'વિમલવસહી' અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ 'લુણવસહિ' નામના દેવાલયો તેમની અજોડ કારીગરી અને આરસપહાણનાં બારીક, મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
  • આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્યકલાથી જગવિખ્યાત છે. 

21.મોઢેરાનું સૂર્યમંદિર વિશે ટૂંક નોંધ લખો.

  • ગુજરાતના મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર ઇ.સ.1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયુ હતુ.
  • આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી.
  • આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઇ શકાય છે.
  • આ મંદિરનું નકશીકામ ઇરાની શૈલીમાં થયેલું છે.
  • મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હતું.

 22. મધ્યકાલીન સ્થાપત્ય વિશે વિસ્તૃત નોંધ લખો.

  • મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાઇનાં સ્થાપત્યો આવેલાં છે. કુતબુદ્દીન ઐબકે દીલ્લીમાં કુતુબમિનાર અને 'કુવ્વત-ઉલ-ઇસ્લામ' નામની મસ્જિદ બંધાવી તેમજ અજમેરમાં 'ઢાઇ–દિનકા–ઝોંપડા' નામની મસ્જિદ બંધાવી હતી.
બંગાળ :
  • બંગાળ પ્રાંતમાં પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું. સ્થાપત્યક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી હતી.
જૌનપુર :
  • જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી. તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. તેની દીવાલો અને છત ઉપર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. 
માળવા :
  • સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ નકશીદાર છે. તેમાંય હોશંગાશાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો અદ્ભુત નમુનો છે.
અન્ય પ્રાંતો :
  • આ ઉપરાંત કાશ્મીરમાં બહમની સુલતાનોએ બનાવેલી બીડર ગુલબર્ગોની અનેક ઇમારતો અને મહમૂદ ગાવાંની મદરેસા, બીજાપુરનો ગોળગુંબજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્યકલામાં હમ્પીનું વિઠ્ઠલસ્વામી હજારારામ મંદિર તેમ જ ગોપુરમ્ તથા કલાત્મક નકશીકલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે.

 23. ગુજરાતની સ્થાપત્યકલા પર ટૂંક નોંધ લખો.
(1) મંદિરો :

  • ધાર્મિકક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ છે. જેવા કે ભદ્રકાલી મંદિર, ગીતામંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, ડાકોરનું રણછોડરાયજી મંદિર, મોઢેરાનું સૂર્યમંદિર, વડનગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર, અંબાજી મંદિર, શામળાજી મંદિર, દ્વારકાનું જગત મંદિર, સોમનાથ મંદિર, બહુચરાજી મંદિર, પાવગઢનું મહાકાલી મંદિર, સ્વામિનારાયણ મંદિરો, ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર, ભાવનગરનું ખોડિયાર માતાજી મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઢ વગેરેનો સમાવેશ થાય છે.
(2) મસ્જિદો :

  • અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ સુલ્તાન અહમદશાહ પહેલાએ બંધાવી હતી. ઇ.સ. 1424માં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, મસ્જિદ, સરખેજો રોઝો, ઝૂલતા મિનારા(અમદાવાદ), રાણી સિપ્રીની મસ્જિદ જે ‘મસ્જિદે નગીના' નામે ઓળખાય છે. આ ઉપરાંત ચાંપાનેરની જામા મસ્જિદ  અને ગુજરાતના મોટા શહેરોમાં આવેલી મસ્જિદોની શૈલી પણ બેનમુન છે.
(3) જૈન દેરાસરો :

  • હઠીસિહનાં જૈન દૈરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિધ્ધિગિરી, શેંત્રુજ્યગિરિ પાલિતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માગી લે તેવાં છે.
(4) ગુજરાતની વાવ :

  • અમદાવાદમાં અડાલજની વાવ, દાદા હરિની વાવ (દાઇહરિની વાવ), પાટણમાં રાણી કી વાવ, ડભોઇમાં ડભોઈની વાવ વગેરે સુંદર વાવો આવેલી છે.
  • આ ઉપરાંત સ્થાપત્યકલામાં અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ, સિદ્ધપુરમાં રુદ્ર મહાલ, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, વડનગરમાં શામળશાની ચોરી, તાનારીરી સમાધિ, કીર્તિતોરણ, વિરમગામમાં મુનસર તળાવ, ધોળકામાં મલાવ તળાવ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે, જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે. આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્યકલા કારીગરી અને કોરતણીના ક્ષેત્રે તેજસ્વી તારલાની જેમ ઝળહળી ઊઠ્યું છે.