પ્રકરણ ૬ મૌર્ય યુગ :ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

પ્રશ્ન- 5 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

1.ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા? 
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કાબુલ ,કંદહાર,હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા.

2. સેલ્યુક્સ નીકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા?
જવાબ: ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલ્યુકસ નીકેતરને હરાવી ચાર પ્રદેશો- કાબુલ,કંદહાર, હેરાત અને બલુચિસ્તાનના જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. અને પોતાના રાજદૂત મેગેસ્થનિસને ચંદ્રચંદ્રગુપ્તગ ના દરબાર માં મોકલ્યો હતો.

3. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય નો રાજ્યવિસ્તાર જણાવો.
જવાબ: સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય દક્ષિણ ભારતમાં કોંકણ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી ,વાયવ્યમાં પેશાવરથી કંદહાર સુધી, પૂર્વમાં બંગાળ અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલું હતું.

4. મૌર્યવંશના જાણકારી મેળવવા ના મુખ્ય સ્ત્રોત જણાવો.
જવાબ: મૌર્યવંશની જાણકારી મેળવવાના મુખ્ય સ્ત્રોત નીચે મુજબ છે.
(1). વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા લખાયેલ 'અર્થશાસ્ત્ર'
(2). મેગેસ્થનિસ દ્વારા લખાયેલ 'ઇન્ડિકા'
(3). બૌદ્ધ ગ્રંથો 'દીપવંશ' અને 'મહાવંશ'.
(4).વિશાખદત દ્વારા લખાયેલ 'મુદ્રારાક્ષસ' 

5.એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે?
જવાબ: એશિયા ખંડ નો સૌથી જુનો અને લાંબો રોડ 'ગ્રાન્ડ ટ્રંક રોડ' છે.

6.ચંદ્રગુપ્ત મૌર્યે તૈયાર કરાવેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર જણાવો.
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે તૈયાર કરાવેલ ગ્રાન્ડ ટ્રંક રોડ તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો.

7. 'ગ્રાન્ડ ટ્રંક રોડ' નું પુનઃનિર્માણ કોણે કોણે કરાવેલું છે?
જવાબ: 'ગ્રાન્ડ ટ્રક રોડ' નું પુનઃ નિર્માણ શેરશાહ સુરી અને ડેલહાઉસીએ કરાવેલું છે. 

8.બિંદુસારનાં સમયમાં તેના રાજ્યમાં તક્ષશિલામાં થયેલા બળવાને કોણે દબાવ્યો હતો.
જવાબ: બિંદુસારના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને અશોકે દબાવ્યો હતો.

9. અશોકનો રાજ્યાભિષેક તેના ગાદીએ આવ્યાના કેટલા વર્ષ બાદ થયો ?કેમ?
જવાબ: અશોકનો રાજ્યાભિષેક તેના પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં થયો.

10. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
જવાબ: અશોકે પિતા તરફથી મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. સમ્રાટ અશોકનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર થી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસુર (હાલના કર્ણાટક) સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ (હાલનું બિહાર), કલિંગ (હાલનું ઓડીશા) સુધી ફેલાયેલ હતું.

11. ટૂંકનોંધ લખો: કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન
જવાબ: કલિંગ મગધનું પડોશી રાજ્ય હતું. જે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના સમયે સ્વતંત્ર થઈ ગયેલું. તેણે જીતવા અશોકે ઇ.સ. પૂર્વે 261 માં રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને તેમાં જીત મેળવી. યુદ્ધના વિજય બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઇ તેમનો આનંદ ઓસરી ગયો, તેમના મનની શાંતિ હણાઈ ગઈ. તેમનામાં સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાતાં તે યુદ્ધ તેમના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તનાઉપદેશથી ત્યાગી શાસ્ત્રોનું ચરણ લીધું બૌદ્ધધર્મ અંગીકાર કરી રાજદ્વારી અશોકમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા.

12. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસર થઈ?
જવાબ: બૌદ્ધ સાધુ ઉપગુપ્તના સમ્રાટ અશોકે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણુ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો.

13. ગુજરાતના કયા સ્થળે અશોકનો શિલાલેખ છે?
જવાબ: ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં રસ્તામાં અશોકનો શિલાલેખ છે.

14. અશોકનાં શિલાલેખમાં કયા-કયા ત્રણ રાજવીઓના લેખો છે ?
જવાબ: અશોકનાં શિલાલેખમાં નીચે આપેલ ત્રણ રાજવીઓના લેખ છે. 
(1) મહાક્ષત્રપ રુદ્રદામા 
(2) ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત 
(3) અશોકના રાષ્ટ્રીય યવનરાજ

15. ગુજરાતના શિલાલેખમાં સિંચાઈ અંગેની કેવી માહિતી આપેલી છે?
જવાબ: ગુજરાતના શિલાલેખમાં રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્તે નિર્માણ કરાવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે.

16.અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો?
જવાબ:અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ,દયા,કરુણા અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો.

17.સમ્રાટ અશોકનો પ્રજાજોગ સંદેશ જણાવો.
જવાબ: સમ્રાટ અશોકનો પ્રજાજોગ સંદેશ આપે પ્રમાણે છે:
(1) માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું 
(2) વડીલોનો આદર કરવો.
(3) પશુઓનો વધ ન કરવો.
(4) બને તેટલો ખર્ચ ઓછો કરવો.
(5) ગુરુની સેવા કરવી.
(6) સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું. 
(7)બ્રાહ્મણો અને શ્રમણોનો ને દાન આપવું. 
(8)અન્ય ધમ્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો.

18.મૌર્યયુગમાં મળેલી ત્રીજી બૌદ્ધ પરિષદ વિશે જણાવો.
જવાબ:સમ્રાટ અશોકે ઇ.સ. પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિષ્ય(તિસ્સા)નાં અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવા અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાનો હતો.

19. અશોકે ભારતના કયા રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો?
જવાબ:અશોકે ભારતના કશ્મીર, ગાંધાર,ચોલ પાંડય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો.

20. અશોકે કયા કયા દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યાં હતાં?
જવાબ :અશોકે બ્રહ્મદેશ(મ્યાનમાર), સિલોન (શ્રીલંકા), સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મપ્રચારક મંડળો મોકલ્યા હતા.

21. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કોને- કોને સિલોન મોકલ્યા હતા?
જવાબ:અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રીસંઘમિત્રાને અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યાં હતાં.

22. સમ્રાટ અશોકના પ્રજાકલ્યાણના કાર્યો વિશે લખો.
જવાબ:સમ્રાટ અશોકે ધર્મપ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. તેમણે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. કુવા ખોદાવ્યા,વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામગૃહોનું નિર્માણ કરાવ્યું હતું.

23. સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે, કારણ કે.......
જવાબ:સમ્રાટ અશોકે પિતા પાસેથી રાજ્ય મેળવી તેનો વિસ્તાર કર્યો. તેમણે મગધના મહા સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેમણે કલિંગને પણ મૌર્ય સામ્રાજ્યનો ભાગ બનાવવા યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો. કલિંગના યુદ્ધ પછી યુદ્ધભૂમિ પર મૃતદેહો જોઈ તેમણે સંતાપ અને પશ્ચાતાપ થયો.તેમનું હૃદય પરિવર્તન થતાં બૌદ્ધ સાધુ ઉપગુપ્તનાં ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી તેને રાજ્યાશ્રય આપ્યો તથા તેનો દેશ-વિદેશમાં પ્રચાર કર્યો. શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મના મૂલ્યોને અનુસરીને લોકોનું નૈતિક ધોરણ ઊંચું લાવવા પ્રયાસ કર્યો. આવા કાર્યો કરનાર ઇતિહાસમાં બીજો કોઈ રાજા થયો નથી, આથી જ અશોક ઇતિહાસમાં એક મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે.

24. મૌર્યસામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા અને કયાં કયાં વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું?
જવાબ: મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. 
(અ) કેન્દ્રીય વહીવટીતંત્ર
(બ)પ્રાંતીય વહીવટીતંત્ર
(ક)પ્રાદેશિક( સ્થાનિક) વહીવટીતંત્ર.

25. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રમાં સમ્રાટની શું ભૂમિકા રહેતી?
જવાબ: મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થાનાં કેન્દ્રસ્થાને રહેતા અને સામ્રાજ્યનાં વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનાં વડા રહેતા.

26. મૌર્ય શાસનમાં સેનાની કયા ખાતાના વડા કહેવાતા?
જવાબ: મૌર્ય શાસનમાં સેનાની લશ્કર ખાતાના વડા કહેવાતા

27. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો.
જવાબ: મૌર્ય વહીવટી તંત્રમાં પ્રાંતના વડા તરીકે રાષ્ટ્રીય(રાજ્યપાલ)હતો.આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. તેમનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા ,રાજાના આદેશનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું.

28. મૌર્ય સામ્રાજ્યનાં પ્રાદેશિક( સ્થાનિક) વહીવટી તંત્ર વિશે નોંધ લખો.
જવાબ:મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રનોત્રીજો વિભાગ એટલે'પ્રાદેશિક(સ્થાનિક )વહીવટી તંત્ર'. વહીવટી સરળતા ખાતર પ્રાંતને આહાર (જિલ્લા /સ્થાનીય) અને આહારને પ્રદેશ (સંગ્રહણ/ તાલુકા)માં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક(આહારપતિ /સ્થાનિક) અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક (ગોપ) કહેવાતો. વહીવટ તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું .તેનો ઉપરી ગ્રામણી કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ ચલાવતો.

29. મૌર્યવંશનું પતન કેવી રીતે થયું હતું?
જવાબ:મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોક પછીના શાસકો એટલે સબળ ન હતા. વળી અંતિમ રાજા બૃહદ્રથ વધુ નિર્બળ સાબિત થયા. જેનો લાભ લઇ તેના જ સેનાપતી પુષ્યમિત્ર શૂંગે લશ્કરી કવાયત જોવાને બહાને તેમની હત્યા કરી નાખી અને આમ, મૌર્ય શાસનનું પતન થયું.

30. મગધમાં અંતિમ મૌર્ય રાજા બૃહદ્રથ પછી કોનું શાસન સ્થપાયું?
જવાબ:મગધમાં અંતિમ મૌર્ય રાજાબૃહદ્રથ પછી ઇ.સ. પૂર્વે 185 માં પુષ્યમિત્ર શુંગનું શાસન સ્થપાયું.

30. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી તેમ શા માટે કહી શકાય?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યેે ઈ.સ. પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી પર મોર્ય વંશ ની સ્થાપના કરી મગજ ની જીત પછી ચંદ્રગુપ્તે ગ્રીક રાજા ને હરાવી કાબુલ,કંદહાર હેરાત અને બલુચિસ્તાન જીતી લીધા. આમ તેમનો શાસન ઉત્તરમાં પેશાવરથી લઈને કંદહાર, પૂર્વમાં બંગાળા ,પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં કોંકણ ,મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી ફેલાયેલો હતો આ પરથી કહી શકાય કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી.

31 ગ્રાન્ડ ટ્રક રોડ વિશે જણાવો.
જવાબ :ગ્રાન્ટ રોડ એશિયા ખંડ નો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલા થી મધ્ય એશિયાને જોડતો હતો .તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી વિસ્તરેલો હતો .ત્યારબાદ શેરશાહ સુરીએ તેનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું.અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી તેનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે.

32. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું શું કર્યું હતું?
જવાબ: સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશભરમાં ફર્યા. તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા; દેશભરમાં શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો, યજ્ઞમાં થતી પશુહિંસા બંધ કરાવી શિલાલેખો કોતરાવ્યા બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહારો, મઠો અને સ્તૂપો બંધાવ્યા તથા રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી પ્રજાનું નૈતિક મૂલ્ય ઊંચું લાવવા પ્રયાસ કર્યો.

પ્રશ્ન 5 :-ટૂંકનોંધ લખો.
1). મૌર્ય વંશના સ્થાપક- ચંદ્રગુપ્ત મૌર્ય
જવાબ :કૌટિલ્ય ગોત્રનાં આચાર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. ગુરુની તાલીમ અને માર્ગદર્શનથી ઇ.સ. પૂર્વે 321 માં નંદનવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધ પર મૌર્ય વંશ ની સ્થાપના કરી. વળી ક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી તેના ચાર પ્રદેશો પણ જીતી લીધા. તેમની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. તેને ઉત્તર અફઘાનિસ્તાન ,પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી પોતાનું શાસન સ્થાપ્યુ. પશ્ચિમ ભારતમાં પણ તેનું શાસન હતું. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે અને વાયવ્ય છેક પશ્ચિમ ગાંધાર (અફઘાનિસ્તાન) સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા હેઠળ હતા. સમગ્ર ભારતમાં મૌર્ય વંશનીસાર્વભૌમ સત્તા પ્ર પ્રવર્તાવી .તેમણે પોતાના જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. સમગ્ર ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્ય સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યે મગધની ગાદી પર 24 વર્ષ શાસન કર્યું હતું.

2. મૌર્ય યુગનું વહીવટી તંત્ર
જવાબ: મૌર્ય યુગમાં વહીવટી તંત્રનાં ત્રણ વિભાગ હતા.(1) કેન્દ્રીય,(2) પ્રાંતીય અને (3) પ્રાદેશિક
કેન્દ્રીય વહીવટી તંત્રમાં સમ્રાટ કેન્દ્રસ્થાને હતા. તે સામ્રાજ્યનાં વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્ર ના વડા હતા. મૌર્ય સામ્રાજ્યનાં વહીવટી તંત્રની રચના ગુરુ ચાણક્ય દ્વારા કરવામાં આવી હતી.આ વહીવટી ના કુલ 18 ખાતા હતા. પ્રાંતના વડા રાજ્યપાલ(રાષ્ટ્રીય) હતા. પ્રાદેશિક વહીવટી તંત્રમાં પ્રાંતને આહાર અને આહારને પ્રદેશમાં વહેંચવામાં આવ્યા હતા. વહીવટી તંત્રનું સૌથી નાનું એકમ ગ્રામ હતું. જેનો વહીવટ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી કરતો. વહીવટી તંત્રમાં ખેતી વિભાગનો વડો સીતાધ્યક્ષ, લશ્કરનો વડો સેનાની, ન્યાય ખાતાનો વડો પ્રદેશત્રી,વ્યાપારનોવડો પણ્યાધ્યક્ષ.દફતર ભંડારના વડો મહાઅક્ષપટલ અને મુદ્રા ખાતાનો વડો મુદ્રાધ્યક્ષ કહેવાતો.

3. ધર્મપ્રચારક સમ્રાટ અશોક
જવાબ: સમ્રાટ અશોકનું કલિંગનાં યુદ્ધ પછી હૃદય પરિવર્તન થતાં બૌદ્ધ સાધુ ઉપગુપ્ત ના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકારી કરી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મનાં પ્રચાર માટે દેશભરમાં ફર્યા. અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા કરી, પુત્ર મહેન્દ્રને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા. દેશભરમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો. યજ્ઞોમાં થતી પશુહિંસા બંધ કરાવી. બૌદ્ધ ધર્મનો ઉપદેશ લોકો સુધી પહોંચાડવા ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા. બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહારો, મઠો અને સ્તૂપો બંધાવ્યા. રાજ્યમાં ધર્મખાતાની રચના કરી પ્રજાનું નૈતિક મૂલ્ય ઊંચુ લાવવાનું કાર્ય કર્યું. દેશમાં બૌદ્ધ ધર્મ પરિષદો બોલાવી.