1. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા સમજાવો.

Ø  ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ–સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રાકત્તિક વારસાનો સમાવેશ થાય છે.

Ø  કુદરતી કે માનસર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે. તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.

Ø  વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે. જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે.

Ø  લુપ્ત થઇ રહેલી કલાઓ, સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઇએ. જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે.

Ø  આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગ્રત નથી તેમ જ આપણી બેદરકારીના કારણે વારસાને આજે નુકશાન થઇ રહ્યું છે,તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે.

 

2. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો.        અથવા

શા માટે સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઇએ.

Ø  વારસો એ દેશની ઓળખ છે. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઇ ભવિષ્ય હોતું નથી કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે.

Ø  ભૂતકાળમાં આપણે જે ભુલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે.

Ø  દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.

Ø  દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતાં નુકશાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે તે અનિવાર્ય છે.

Ø  વારસાના જતન માટે માત્ર સરકારે જ નહિ, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઇએ.

Ø  વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે.

Ø  વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકશાન થયું છે. તેની જાળવણી કરવાની સરકાર અને સમસ્ત પ્રજા માટે આદર્શ હોય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે.

Ø  વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકશાન થયું છે. તેની જાળવણી કરવાની સરકાર અને સમસ્ત પ્રજાની નૈતિક ફરજ રહી છે.

 

3. પર્યટન, ઉદ્યોગથી થતા લાભ જણાવો.

Ø  યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે.

Ø  દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. તેથી  પર્યટન તેમજ  પરિવહન ઉદ્યોગને લાભ થાય છે.

Ø  પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે. તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે છે. અને લુપ્ત થતી કલાઓને નવજીવન મળે છે.

Ø  શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શકનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે.

Ø  વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હૂંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે.

Ø  સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલ્વે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે.

Ø  પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગાર મળી રહે છે.

Ø  ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે.

 

4. વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો જણાવો.

Ø  પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો આ પ્રમાણે  છે.

Ø  ઇ.સ. 1952 માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. એ અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરા પાડવાં, રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષીઘરોના નિર્માણ માટે સલાહ સૂચનો આપવા તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃત્તિ ફેલાવવાનું કાર્ય કરે છે.

Ø  ઇ.સ. 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Ø  દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી.

Ø  વારસાની જાળવણી અને રક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા છે.

Ø  લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બન્યા છે.

Ø  સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે. એમાં ઇ.સ. 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે. હાલમાં ગિર ફાઉન્ડેશન, નેચરકલબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું ઉપયોગી કાર્ય કરે છે.

Ø  આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે, સરકારે બંધારણમાં જોગવાઇઓ કરી છે. બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે.

 

5. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેનો કાયદો સમજાવો.

Ø  ભારતીય વારસા સામે સમયે–સમયે જે જોખમી અને નુકશાનકારક પરિબળો ઊભા થતાં ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા છે. વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે.

Ø  પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો. જે અનુસાર પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વના સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવ્યું છે.

Ø  પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઇપણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઇપણ સ્થળે ખોદકામ કરી શકતી નથી. તેથી છૂપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે.

Ø  કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતાને સોંપવામાં આવી છે.

Ø  માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહિ; પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઇએ.

Ø  પુરાતત્વ ખાતું નષ્ટ થયેલાં કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવાં સ્મારકો, સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે.

Ø  ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. જેમાં તેનુ મૂળ સ્વરૂપ, આકાર, કદ તથા અસલિયત વગેરે જળવાય તે જરૂરી છે.

Ø  ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતુ પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે.

Ø  આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર, પાપનાશમ્ મંદિર સમુદ્રના પાણીમાં ડૂબી જાય તેમ હતા. પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે.

Ø  વિશ્વની સાત અજાયબીઓમાંની એક આગ્રાનો તાજમહેલ, મથુરાની રિફાઇનરી તથા ઉદ્યોગોના ધુમાડાને પરિણામે તેનાં શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. પુરાતત્વ ખાતા દ્વારા વાયુપ્રદુષણ ફેલાવનાર ઉદ્યોગોને બંધ કરાવી તાજમહાલની નિયમિત સફાઇ કરાવવાના યોગ્ય પગલાં ભર્યા અને પરિણામે તાજમહાલની ચમક જળવાઇ રહી.

 

6. સંગ્રહાલયોની જાળવણીમાં આપણી શું ભૂમિકા હોઇ શકે?

Ø  ભારતીય નિધિ વ્યાપાર કાનૂન મુજબ કોઇપણ નાગરિકને અચાનક કોઇ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ, ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય જેથી તેનું સંરક્ષણ જે–તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે.

Ø  સરકારે 1972માં  અતિ મૂલ્યવાન કલાકૃત્તિઓ અંગેનો કાયદો  પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સગ્રંહ થાય છે.

Ø  દરેક રાજ્યોના દફતર ભંડારોમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે.

 

7. દેશમાં સંગ્રહાલયોની યાદી તૈયાર કરો.

 

નામ

શહેર

રાજ્ય

1.

રાષ્ટ્રીય સંગ્રહાલય

નવી દિલ્લી

દિલ્લી

2.

ભારતીય સંગ્રહાલય

કોલકત્તા

પશ્વિમ બંગાળ

3.

છત્રપતિ શિવાજી વાસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ)

મુંબઇ

મહારાષ્ટ્ર

4.

સાલારગંજ સંગ્રહાલય

હૈદરાબાદ

આંધ્રપ્રદેશ

5.

રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય

ભોપાલ

મધ્યપ્રદેશ

6.

લાલભાઇ દલપતભાઇ સંગ્રહાલય (અલ.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી)

અમદાવાદ

ગુજરાત

7.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર , કોબા

ગાંધીનગર

ગુજરાત

8.

શ્રી હેમચંદ્રચાર્ય ગ્રંથાલય

પાટણ

ગુજરાત

9.

વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી

વડોદરા

ગુજરાત


8. વારસાના જતન માટે આપણી કેવી ભૂમિકા હોઇ શકે?

Ø  ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિનસરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની જવાબદારી આપણા સૌની છે.

Ø  શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે.

Ø  વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે.

Ø  વારસાની યાદી તૈયાર કરી ચોકસાઇ રાખે, સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઇ ન જાય તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે.

સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્યો, પ્રદર્શનો, ચર્ચાસભાઓ યોજી આપણા વારસાને લગતી સમજ આપવી જોઈએ.

Ø  ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલાકારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, માટે તેનો નાશ ન થવા દેવાય, તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે.

Ø  આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયનાં વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરે આવેલાં છે. તેની વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે, ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો,  જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું જોઇએ.

 

9. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન કેવી રીતે થઇ શકે?

Ø  આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વનાં પગલાં લઇ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઇધી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Ø  પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઇએ.

Ø  પ્રવાસના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેકતાં કચરાપેટીમાં નાખવો જોઈએ.

Ø  ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકશાન પહોંચાડવું જોઇએ નહિ.

ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.

Ø  પાન કે ગુટખા ખાઇને ગમે ત્યાં થુંકવું જોઇએ નહિ.

Ø  પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદુષણ કરવું જોઇએ નહિ.

Ø  ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણાં વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઇએ.

Ø  રાસાયણિક ક્રિયાઓ દ્વારા પુરાતત્વીય સ્મારકોની સાફ સફાઇ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત કરવી જોઇએ.

Ø  દેશ વિદેશનના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા.

Ø  કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકશાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટે પ્રયત્નો કરવા જોઇએ.

Ø  પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે. તથા દેશને સમૃદ્ધિ બક્ષે છે.

Ø  ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે તેનું જતન કરવું જોઇએ.

 

10. ભારતમાં વિવિધતામાં એકતા છે. સમજાવો.

Ø  વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે.

Ø  ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે.

Ø  વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં, તે ભાતીગત સંસ્કૃતિનું સર્જન કરી શકયો છે.

Ø  ભારતે "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે.– આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે.

Ø  અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભવિચારો પ્રાપ્ત્ થાઓ નો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે.

Ø  ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે ‘‘મને કહેતાં ગર્વ થાય છે કે, જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવી રહ્યો છે.’’

Ø  ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. હિંદુ, બૌદ્ધ, જૈન , પારસી, ઇસ્લામ, ઇસાઇ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે.

Ø  પ્રાચીન ભારતના જ્યોતીર્ધારોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. પવિત્ર ગણાતી સાત નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. ઋષિમુનિઓ સૂફી, સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વબંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે.

Ø  વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરમાં જેમ નદીઓ સંગમ થાય છે. તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો–સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, પરંપરા, રીતરિવાજો, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે.

Ø  ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે. જે અદ્વિતીય છે.