1. સાટાપ્રથાનો અર્થ અને
તેની મર્યાદાઓ જણાવો.
ઉત્તર : સાટાપ્રથાનો
અર્થ :
વસ્તુ
વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા.
સાટાપ્રથાની મર્યાદાઓ :
શરૂઆતમાં વર્ષોમાં ગ્રામસમાજ, વ્યવસ્થા, ખેતીનો
પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું એટલે વસ્તુ વિનિમય
પ્રથા દ્રારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો.
સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા વસ્તીમાં
વધારો થતાં જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી અને સુક્ષ્મ થવા લાગી. ઔદ્યોગીકરણ, શહેરીકરણ અને શ્રમવિભાજન તથા વિશિષ્ટકરણને કારણે
સાટાપ્રથા, મર્યાદાવાળી બની. હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો મર્યાદાવાળી બની.
હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઇ ગયા અને જરૂરિયાતો વધુ થઇ ગઇ.
સાટાપ્રથાની
મુખ્ય મર્યાદાઓ આ પ્રમાણે છે :
(1) જરૂરિયાતોનો પરસ્પર
મેળ બેસાડવાની સમસ્યા :
આર્થિક–સામાજિક વિકાસ થવાની સાથે માણસની
જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું.
પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને
કાપડ મેળવવું જે રીતે સરળ હતું, તે હવે ન રહ્યું,
આમ, વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો
અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે
પ્રશ્નો પણ ઉપસ્થિત થયાં.
(2) મૂલ્યના સંગ્રહની
મુશ્કેલી :
વ્યક્તિ મહેનત દ્રારા જે વસ્તુઓનું મોટા પાયે
ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી બાકી આ ઉત્પાદનો
કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઇ પડ્યું.
ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ
કે કાપડ મેળવે પણ દિન–પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા. વધેલા ઘઉં સાચવવા કેવી
રીતે તે ઉપસ્થિત થયા.
(3) મૂલ્ય માપવાની
મૂશ્કેલી :
શ્રમ–વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓને સેવાઓના મૂલ્ય માપવાના
(માપનનો) પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો.
ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી
બરાબર હતું પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઇ જેના વિનિમય દરને યાદ રાખવો, નક્કી
કરવો મુશ્કેલ હતો.
આમ, જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને
લીધે, મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઇ માધ્યમ હોય તે
જરૂરી બનતા વસ્તુવિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઇ.
2. નાણાંનો ઉદભવ અને
વિકાસ સમજાવો.
ઉત્તર : વસ્તુ વિનિમય
પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ
તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. ભારતમાં ખાસ તો ગાય ને ઘનના સ્વરૂપમાં
જોવાનું શરૂ થયું.
ખેતીપ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન
થતું. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વઘેલા અનાજથી પશુ ખરીદવામાં આવતાં અને
જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને
પશુ આપી કોઇપણ જરૂરિયાત મેળવતો. આમ, ગાય, ભેસ, ઘોડા જેવાં પશુ વિનિમયનું માધ્યમ
બનતાં કે મૂલ્યના સંગ્રાહક બનતા.
વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક
તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે મૃત્યુ પામે, લાંબા સમય
સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહિ અને ભૌતિક રીતે પણ અમુક હદથી
વધારે પશુને રાખવા અગવડતા ભર્યું બન્યું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાઇ એટલે પછી
કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો.
શાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઇ અને
રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. પણ તેનો ઉપયોગ
ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો.
લોકશાહીનો ઉદભવ તથા ઔદ્યોગીકરણ આધુનિક
નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરકબળ બન્યા. કેન્દ્રિય સત્તાના પીઠબળથી બહાર
પાડવામાં આવનાર નાણાંનો સર્વમાન્ય સ્વીકૃતી મળી અને વિનિમયના માધ્યમ તરીકે તેણે
ઝડપભેર માન્યતા મેળવી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ
બન્યું(રહ્યું). બેકિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા
સરળ બનાવ્યું.
3. નાણાંનો અર્થ સમજાવો.
ઉત્તર : માર્શલના મતે
નાણાંનો અર્થ :
કોઇપણ
સમયે અને સ્થળે કોઇ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્રારા વસ્તુઓ અને સેવાઓના
વિનિમય થઇ શકે તેને નાણું કહેવાય.
રોબર્ટ્સના મતે નાણાંનો
અર્થ :
વસ્તુઓ
અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે. તે નાણું છે.
આમ, જે નાણાંનું કાર્ય કરે છે તે નાણં છે.
4. નાણાંના કાર્યો
સમજાવો.
ઉત્તર : રોબર્ટ્સના મતે નાણું એટલે ‘વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ
સ્વીકૃત છે. તે નાણું છે.’ આમ, જે નાણાંનું કાર્ય કરે છે. તે નાણું છે.
નાણાંના
મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
(1) વિનિમયના માધ્યમનું
કાર્ય :
નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ
તરીકેનું છે.
નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને
વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો
ઉકેલ લાવે છે.
ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં
આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે.
વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ
અને સેવાઓ મેળવે છે. તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે.
મૂળભુત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી
વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે.
(2) મૂલ્યના સંગ્રાહક
તરીકે :
વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને
અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી
રીતે કરવી? તે પ્રશ્ન હતો, નાણાં દ્રારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે.
અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા
સમય સુધી શક્ય ન હતો. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે.
નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે.
અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં
મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્રારા વસ્તુ કે સેવાની
ખરીદી પણ થાય.
મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે
વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે.
ધિરાણની આખી જ વ્યવસ્થા, ઉધાર ખરીદ–વેચાણની
પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ મદદરૂપ થયું છે.
(3) મૂલ્યના માપદંડ
તરીકેનું કાર્ય :
નાણું મુલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય
બજાવે છે. વસ્તુવિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. એક
મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા ?કેટલા મીટર કાપડ? કેટલા કિલો ઘી, કેટલા જોડ ચંપલ ?
વગેરે......... . નાણું આ કાર્યને સરળ બનાવે છે.
નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે. અને
દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે.
નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે.
માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપી થાય છે.
5. નાણાંના પ્રકાર
સમજાવો.
ઉત્તર : વસ્તુ વિનિમરય
પ્રથાના સમયની જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે
પશુઓ કે કિંમતી પથ્થરો ઉપયોગમાં લેવાયા.
ત્યારબાદ ધાતુના સિક્કાઓએ આ કામ કર્યું અને પછી
કાયદામાન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓ આવ્યા તથા બેન્કિંગ સિસ્ટમનો વિકાસ
થતા બેન્ક નાણું આવ્યું,
હવે તો ક્રેડિટ કાર્ડ કે ઇ–બેન્કિંગમાં નાણાંએ
નવું સ્વરૂપ ધારણ કર્યું. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએ તો,
(1) વસ્તુ નાણું
(2) પશુ નાણું
(3) ધાતુ નાણું
(4) કાગદી નાણું
(5) પ્લાસ્ટિક નાણું
(6) બેન્ક નાણું ( અદ્રશ્ય કે ઇ–મની)
6. ફુગાવાનો અર્થ સમજાવી
તેના લક્ષણો જણાવો.
ઉત્તર : સામાન્ય રીતે
ભાવવધારો એટલે ફુગાવો.
ફુગાવો એ આર્થિક સમસ્યા છે. અને નાણાંકીય ઘટના
છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભવવધારાને ફુગાવો માને છે. પરંતુ અર્થશાસ્ત્રમાં
ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે.
અર્થશાસ્ત્રી ડૉ. એ.પી.
બર્નરના મતે ફુગાવો એટલે :
‘વસ્તુના
પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે.’
અર્થશાસ્ત્રી ડૉ. એ.સી.
પીગુના મતે ફુગાવો એટલે :
‘વાસ્તવિક
આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે.’
ડૉ. જે.એમ.કેઇન્સ માને
છેકે :
‘ફુગાવાની
સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે.’
ભાવસપાટીમાં થતાં સતત અને સર્વગ્રાહી વધારો એ
ફુગાવો છે. જેમાં નાણાંની ખરીદશક્તિ સતત ઘટે છે.
ફુગાવાને સમજવા માટે અન્ય
કેટલીક બાબતો ધ્યાનામાં લેવી જોઇએ જેવીકે,
(1) સરકારે કાયદા દ્રારા સબસીડી દ્રારા
ભાવસપાટી દબાવી રાખી હોય, તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે. જેને દાબેલો ફુગાવો
પણ કહે છે.
(2) જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ
સેવા કે વસ્તુ માટે ભાવવધારો લાગુ પડ્યો હોય તોપણ તે ફુગાવો નથી.
(3) અર્થતંત્રમાં સાઘનો બેકાર પડ્યાં હોય
ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન
વધતા ભાવો ઘટશે.
ટૂંકમાં
પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી, અર્થતંત્રનાં બધાં જ ક્ષેત્રોમાં ભાવસપાટી સતત વધ્યા
કરે તે ફુગાવો છે. અને આવો ફૂગાવો આર્થિક વિકાસને અવરોધક છે.
ફુગાવાના લક્ષણો :
(1) ભાવસપાટીમાં સતત વધારો થાય છે.
(2) અર્થતંત્રમાં બધાં જ ક્ષેત્રોમાં ભાવ વધે
છે.
(3) નાણાંનુ મુલ્ય ઘટતું જાય છે.
(4) પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવસપાટી
ફૂગાવો છે.
7. ફુગાવાનાં કારણો
સમજાવો.
ઉત્તર : ફુગાવો એટલે
અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત વધારો. હવે
વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારાં મુખ્ય બે પરિબળ છે : માંગ અને પુરવઠો. એટલે
ફુગાવાનાં મુખ્ય બે કારણો છે :
(1) માંગમાં વધારો
(2) ખર્ચમાં વધારો
(1) માંગમાં વધારો :
વસ્તુની માંગમાં વધારો થવાનાં કારણે વસ્તુની
કિંમતમાં વધારો થાય છે. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઇ
શકે છે. તેમ ન હોય અને થાય તોપણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં
વધારો થાય છે.
અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય
તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. વસ્તુની માંગમાં વધારો થવાનાં કારણો
આ પ્રમાણે છે :
(A) નાણાંના પુરવઠામાં
વધારો :
નાણાંવાદીઓ ફુગાવાને
સંપૂર્ણપણે નાણાંકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની
નાણાંકીય આવકો વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે
છે. જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે.
નાણાં આધારિત કોઇપણ
અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓનાં પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે
ફુગાવો સર્જાય માટે જ મેકલય કહે છે કે ‘ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે
ત્યારે ફુગાવો સર્જાય છે.’
(B) સરકારના જાહેર
ખર્ચમાં વધારો :
ભારત જેવા વિકાસની
પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં
જોડાય છે.
આંતર મૂડી માળખાનું
સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં
સરકાર જાહેર ખર્ચ કરે છે. જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. લોકોની આવકમાં
વધારો થાય છે અને માંગમાં વધારો થતા ભાવ વધારો સર્જાય છે.
જો સરકાર દેશમાં
વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતા વધારે મોટા પ્રમાણમાં નાણાં–પુરવઠો અર્થતંત્રમાં
મૂકે. જાહેર ખર્ચ કરે તો ફુગાવે વેગ પકડે છે.
(C) વસ્તીવધારો :
ભારતમાં સરેરાશ 2
ટકાના દરે વધતી વસ્તીને માંગવૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે.
સતત વધતી વસ્તી
રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પુરી ન
થઇ શકે ત્યારે ભાવસપાટીમાં વધારો થાય છે.
વસ્તી સ્થિર હોય પણ
તેની આવકોમાં વધારો થાય તોપણ તેમની માંગમાં વધારો થાય છે.
આમ, નાણાં–પુરવઠાના
વધારાને કારણે આવકોમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં વધારો
કરે છે.
2. ખર્ચમાં વધારો :
કિંમતને અસર કરનાર
બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે
ઉત્પાદન–ખર્ચમાં વધારો થાય તોપણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે.
કાચા માલની કિંમતોમાં,
યંત્રોમાં, વીજળી, પાણીના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહનવ્યવહાર ખર્ચમાં વધારો
થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે. ખર્ચ વધવાના કારણે અમલી
બનેલા ફુગાવાને ખર્ચપ્રેરિત ફુગાવો પણ કહે છે.
3. અન્ય કારણો :
ફુગાવાના મૂળમાં તો બે
જ કારણો છે :
(1) માંગમાં વધારો (2) ખર્ચમાં વધારો
વ્યવહારમાં ભાવસપાટી
વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. જો કે અન્ય પરિબળો ટૂંકા
ગાળાના હોય છે. પણ તે ભાવવધારાને તીવ્ર બનાવે છે.
(A) કરવેરાનીતિ :
સરકારની કરવેરાનીતિ
ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન–ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે.
માટે ઊંચા કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બની શકે.
(B) આયાતી વસ્તુની
કિંમતમાં વધારો :
કેટલીક જરૂરી વસ્તુની
વિદેશમાંથી આયાત કરવામાં આવતી હોય છે. જે–તે દેશના આંતરીક કારણો ને લીધે તે
વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની અસર આપણા પર થાય છે.
ભારતમાં જરૂરી
પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આયાત દ્રારા પૂરો પાડવામાં આવે છે. જો
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ–ડીઝલના ભાવ વધે છે. અને
પેટ્રોલ–ડીઝલ એ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા અન્ય અનેક ચીજવસ્તુના ભાવ વધે છે.
(C) અછત :
જ્યારે કાચા માલની,
વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કોઇપણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો
થાય છે. ઉત્પાદન–પ્રક્રિયામાં સામેલ કોઇપણ બાબતની વ્યાપક અને લાંબાગાળાની અછત
ફુગાવા માટે જવાબદાર છે.
0 Comments