21. સમજાવો : રહેઠાણો અને તેનું સ્વરૂપ ગરીબીનું નિર્દેશક છે.

ઉત્તર : ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે.

વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે.

લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે.

રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે.

રહેઠાણ મળે તો કેવા મળે છે. તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે.

રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતાં મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે.

ભારતમાસં પૂરતી સગવડવાળાં મકાનોની તંગી છે.

ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાન માં રહે છે. ભારતમાં મોટાં ભાગનાં મકાનો માટે એક રૂમની સગવડતાવાળાં છે. જે ગરીબીનું એક માપદંડ બને છે.

 

 

22. ભારતમાં માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. સમજાવો.

ઉત્તર : કોઇપણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે.

દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે.

ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે.

આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે.

 

23. સમજાવો : અજ્ઞાનતાનું ઊચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે.

ઉત્તર : વિશ્વ બેન્કની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે. બાકીના નિરક્ષર છે. તેઓ મોટે ભાગે ગરીબ હોય છે.

શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારી તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. પરિણામે નીચાં વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે.

વર્ષ 2011 માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો. જ્યારે ભારતમાં તે 74.04%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે.

ગરીબી વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત, માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકાતા નથી.

આમ, અજ્ઞાનતાનું ઊચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે.

 

24. આવક અને સંપત્તિની અસમાન વહેંચણીની ગરીબી પર અસર સમજાવો.

ઉત્તર : 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઇમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી.

આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવનધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થની પાયાની લધુતમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે.

આ કોષ્ટકમાં USA, UK અને ભારતમાં ટોચના 1% વસ્તી પાસે રહેલા વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલ છે.

ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો

દેશ

વર્ષ 1998

વર્ષ 2012

USA

15.2

18.9

UK

12.5

12.7

ભારત

9.0

12.6

આ માહિતી મુજબ USA, UK અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે.

વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો USAમાં 15.2 ટકાથી વધી 18.9%, UK માં 12.5 ટકાથી વધીને 12.7% અને ભારતમાં 9.0 ટકાથી વધીને 12.6% થયો છે.

ભારત માટે એવું કહી શકાય કે, ભારતમાં આર્થિક સુધારાઓથી ઊદભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે.

આમ, આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો જોવા મળે છે. તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક છે.

 

25. બેરોજગારીની ગરીબી પર અસર સમજાવો.

ઉત્તર : પ્રવર્તમાન વેતનદરે કામ કરવાની ઇચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર ગણાય.

ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વુદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર, વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે.

બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુંટુંબોની લઘુતમ જરૂરિયાતો પણ સંતોષી શકાતા નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊચું રહે છે.

ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો.

વર્ષ 2013–14માં શ્રમબ્યુરો દ્રારા રોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો હતો.

ગ્રામીણ ક્ષેત્ર માટે દર 4.7% અને શહેરીક્ષેત્રો માટે તે 5.5% જોવા મળ્યો હતો.

 

26. ગરીબીના ઐતિહાસિક કારણો જણાવો.

ઉત્તર : ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું એન તેની સિલ્ક, મરી–મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. પરંતું ભારતમાં અંગ્રેજો, ફેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઇ.

અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતીક્ષેત્રેની સ્થિતિ નાજુક બની હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી. ત્યાં બ્રિટિશ શાસને સિંચાઇ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહિ.

બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાથપ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્રાર અપાયા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઇ ગયા.

ખેડૂતો જમીનવિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા પરિણામર ગરીબીમાં વધારો થતો ગયો.

ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્રારા ભારતમાં એવા પ્રકારની વેપારનીતિ, કરનીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મુકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય.

ભારતીય નિકાસો માટે યુરોપનાં બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર–રાહતો અને છૂટછાટો આપવામાં આવીમ તેમજ આ પેદાશોને દેશના ખૂણેખૂણા સુધી પહોંચાડવા રેલ્વેનો ઉપયોગ કરવામાં આવ્યો.

આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો.

આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરિફાઇ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાણાં અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી.

 

27. ગ્રામીણ ગરીબીના કારણો જણાવો.

ઉત્તર : ગ્રામણ ક્ષેત્રે દારુણ ગરીબી જોવા મળે છે. જેને માટે અનેક કારણો જવાબદાર છે. જેમાનાં મુખ્ય બે કારણો આ પ્રમાણે છે.

(1) કુદરતી પરિબળો :

ભારત શરૂઆતથી ખેતીપ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતીક્ષેત્ર પર નિર્ભર છે.

ભારતમાં ખેતીક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમકે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલો છે.

વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતા, પૂર વગેરેને કારણે ખેતીક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે.

(2) વસ્તીવિષયક પરિબળો :

ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો નહિ. જેના પરિણામે ઊંચો જન્મ દરમાં ખાસ ઘટાડો થયો નહિ. જેના પરિણામે ઊંચો વસ્તીવુદ્ધિ દર જોવા મળ્યો.

ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવક અને કુંટુબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા.

વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા. બેરોજગારી વધતી ગઇ પરિણામે ગરીબીમાં વધારો થયો.

 

28. ગરીબીના આર્થિક કારણો સમજાવો.

ઉત્તર : ગરીબીના આર્થિક કારણો આ પ્રમાણે છે :

(1) શ્રમિકદીઠ નીચી ખેત ઉત્પાદકતા :

ભારતમાં ગ્રામ્યક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ તે કૃષિક્ષેત્રે શ્રમિકની નીચી ખેત–ઉત્પાદકતા છે.

કૃષિક્ષેત્રે સિંચાઇની સગવડોનો અભાવ, અપૂરતી ટેક્નોલોજી, શિક્ષણ અને તાલીમની ઊણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનુયં વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત–ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

(2) જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી :

ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે.

ભારતમાં અગ્રેજોના શાષનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મૂડીભર જમીનદારોના હાથમાં હતી.

આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતીક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો.

બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગ્યા હતા. જેમની પોતાની જમીનમાલિકી ન હોવાથી તેઓને પણ ખેતીક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતીક્ષેત્રે ખેત–ઉત્પાદન અને ખેત–ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે.

(3) નાના અને ગૃહઉદ્યોગોનો અલ્પવિકાસ :

ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામ્યક્ષેત્રે નાના અને ગૃહઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. તેની અવગણના થઇ.

આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરીઉદ્યોગ, મત્સયપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊચું રહ્યું છે.

(4) ઝડપથી વધતા ભાવો :

વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે.

યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન–ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્યચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે.

પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદશક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જીવનધોરણનું સ્તર નીચું આવે છે. ગરીબી વધે છે.

બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે.

(5) બેરોજગારીનું ઊચું પ્રમાણ :

ભારતમાં મોટા ભાગની ગામડાઓમાં ખેતીક્ષેત્ર પર નભે છે. પરંતુ મોટા ભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં એક કે બે જ પાક લેવાય છે. આથી, ખેતીક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે.

ઝડપથી વધતી અને સંયુક્ત કુંટુંબપ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે.

ગામડાઓમાં ખેતીક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ નિરક્ષતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊચું જોવા મળે છે. જે ગરીબીનું કારણ બને છે.

 

29. ગરીબી માટે જવાબદાર સામાજીક કારણોની ચર્ચા કરો.

ઉત્તર : ગરીબી એક સામાજીક સમસ્યા પણ છે. સામાજીક બાબતોની સીધી અસર ગરીબી પર જોવા મળે છે. ગરીબી માટે જવાબદાર મુખ્ય સામાજીક કારણો આ પ્રમાણે છે.

(1) શિક્ષણનું નીચું સ્તર :

ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઊણપ છે.

શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિક્ષેત્રે નવી ટેક્નોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત–ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતીક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે. તો બીજી તરફ શ્રમીક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે.

આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. વેતન દરો નીચા રહે છે. તેથી ગરીબીનું સ્તર ઊચું રહે છે.

(2) લૈંગિક અસમાનતા :

ભારતમાં સ્ત્રી–પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવમાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઇનું પ્રમાણ વધારે છે. જેના પરિણામે પ્રસૃતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. તેમજ નવાં જન્મ લેતાં બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે.

કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે, તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે. તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓનું વેતનદર સામાન્ય રીતે ઓછું જોવા મળે છે.

અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી ઓછું છે. જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિકક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુંટુંબોની આવક નીચી રહે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે.

 

30. ગરીબી માટે જવાબદાર અન્ય કારણોની ચર્ચા કરો.

ઉત્તર : ગરીબી માટે જવાબદાર અન્ય કારણો આ પ્રમાણે છે.

(1) યુદ્ધ :

ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીનો સાથે યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર, સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે. ત્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા માટે લોકો દ્રારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવનજરૂરી ચીજવસ્તિઓની સંગ્રહખોરી વધે છે. પરિણામ ભાવો ઝડપથી વધે છે. આમ, યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ઘકેલાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલઝી ખર્ચમાં કાપ મૂકાયો છે. આર્થિક વિકાસ નીચો રહ્યો છે. અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઇ. પરિણામે ગરીબીમાં વધારો થયો હતો.

(2) સંરક્ષણ ખર્ચમાં વધારો :

વારંવાર થયેલા યુદ્ધને કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી.  તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધૂનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરિન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે.

વર્તમાન સમયમાં આંતકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે.

સંરક્ષણ પાછળ થતો ખર્ચ બિનવિકાસલક્ષી ખર્ચ છે. અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે. અને ગરીબીનું પ્રમાણ ઊચું રહે છે.

(3) ખામીયુક્ત નીતિઓ :

ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકીકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતી અપનાવાઇ.

આ નીતીમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી.

દેશમાં મોટા ભાગની વસ્તીને રોજગારી એન આવક પૂરી પાડતા ખેતીક્ષેત્ર તેમજ નાના અને ગૃહઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી.

આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય એન સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્રારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહિ.