જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય

જેનો વનસ્પતિનો  ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ અથવા કુદરતી વનસ્પતિ કહે છે. 

1. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર સમજાવો.

Ø  અનામત જંગલો :

Ø  આ પ્રકારનાં જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એમાં લાકડાં કાપવાં કે વીણવાં તથા પશુચરાણ માટે પ્રવેશ કરવાની મનાઇ હોય છે.

Ø  સંરક્ષિત જંગલો :

Ø  આ પ્રકારનાં જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે, વૃક્ષોને હાનિ પહોંવાડ્યા સિવાય લાકડાં વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે.

Ø  અવર્ગીકૃત જંગલ :

Ø  આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુચરાણ પર કોઇ પ્રતિબંધ નથી.

 

2. માલિકી વહિવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર સમજાવો.

ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે.

Ø  રાજ્ય માલિકીનું જંગલ :

Ø  આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશનાં મોટાભાગનાં જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે.

Ø  સામુદાયિક વન :

Ø  આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે

Ø  ખાનગી વન :

Ø  આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાલય પ્રદેશમાં પ્રકારનાં જંગલ વિશેષ જોવા મળે છે. જો કે આ પ્રકારનાં ઘણાંખરાં જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં, તો કેટલાંક ઉજ્જડ અવસ્થામાં આવી ગયાં છે.

 

3. નિર્વનીકરણ એટલે શું? તેની અસર સમજાવો.

Ø  નિર્વનીરણ એટલે જંગલોનું નષ્ટ થવું.

Ø  અત્યંત ઊંચાં દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહિ પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. માનવીની વિકાસયાત્રાનું પરિણામ તેને ગણી શકાય.

Ø  જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ન ગણ્ય છે.

Ø  નિર્વનીકરણની અસરો :

નિર્વનીકરણ અસરો નીચે મુજબ છે:

Ø  નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે.

Ø  વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા વધે છે.

Ø  હરિત ગૃહ (ગ્રીન હાઉસ) પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે.

Ø  વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીનાં ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે.

Ø  દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણનાં કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે.

Ø  અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના  ક્ષેત્રો તરફ આવી ચડે છે.

Ø  માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકનાં ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહયા છે.


4. વનસંરક્ષણ  અંગેના ઉપાયો પર ટૂંકનોંધ લખો.

Ø  લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં. તેથી લાકડાનો વપરાશ ધટતાં વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતાં કે વૃક્ષો અનિવાર્ય પણે કાપવા પડે તેની જગ્યાએ નવાં એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઇએ. અપરિપકવ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઇએ.

Ø  જે ઉદ્યોગો જંગલોમાંથી કાચોમાલ મેળવે છે. તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઇએ.

Ø  ઇકો ટુરીઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું.

Ø  સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.

Ø  શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વનસંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવવી.

Ø  ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજીક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવાં.

Ø  બળતણની જરૂરિયાતમાં લાકડાંના વપરાશને બદલે સૌરઊર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઇએ.

Ø  વનસંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. 

Ø દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે.  તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદુ તંત્ર કે દળ ઊભું કરવું.

Ø  જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા–યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતાં અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે.

Ø  પશુચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઇએ.

 

5. ભારતમાં વન્યજીવોની વિવિધતા પર ટુંકનોધ લખો.

અથવા

ભારતમાં વૈવિધ્યસભર વન્યજીવન સમજાવો.

Ø  ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે.

Ø  ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવ–જંતુઓ, પશુ–પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.

Ø  વિશ્વમાં પશુ–પક્ષીઓની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે.

Ø  તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે.

Ø  જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઇએ તો વિશ્વમાં ભારત બારમા સ્થાને છે.

Ø  ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે.

Ø  આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરૂ, જંગલી બકરીઓ અને કશ્મીરી મૃગ, દક્ષિણ–પૂર્વ એશિયાના હાથી, ગીબન વગેરે જોવા મળે છે.

Ø  ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગનાં રીંછ, એકશિંગી ભારતીય ગેંડા, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે.

Ø  હિમાલયમાં ઊંચાઇ પર જોવા મળતો હિમ દિપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે. જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.

Ø  શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર–દૂરથી શિયાળો ગાળવા આવે છે.

Ø  ઓડિશાના સમુદ્રકિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઇંડા મુકવા આવે છે.

Ø  ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણનાં ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે.

 

6. લુપ્ત થતું વન્યજીવન પર ટૂંક નોંધ લખો.

Ø  આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઇડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતમના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે.

Ø  ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઇ ચૂક્યો છે.

Ø  અગાઉ ભારતનાં જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે.

Ø  પૂર્વોતરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતો નથી.

Ø  નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ અને ગંગેય ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઇંડા મુકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે.

Ø  એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે.

Ø  આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.

 

7. વન્યજીવોના વિનાશનાં કારણો જણાવો.

Ø  જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે.

Ø  જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે.

Ø  વાળ, ખાલ, હાડકાં, શિંગડાં કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ વન્યજીવોના વિનાશ માટે જવાબદાર છે.

Ø  મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનીજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે.

Ø  ઘાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે.  આ આગ જો બચ્ચાં ઉછેરવાના કે ઇંડા  સેવવાના ગાળામાં લાગે તો વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે.

Ø  પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી, બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલાં પ્રાણીઓ, માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે.

Ø  પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે.

 

8. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો.

Ø  જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઇએ. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રયસ્થાનો બચશે.

Ø  જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળસ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચરાણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવાં. 

Ø શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખતાઈથી અમલ કરાવવો જોઇએ. જંગલોમાં થતાં ગેરકાયદેસર ખનનકાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઇ કરવી જોઇએ.

Ø  વન્યજીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.

Ø  જંગલક્ષેત્રોમાં થતી માછીમારી, વન્યપેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવાં જોઇએ.

Ø  સમાજમાં વ્યાપકપણે  જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઇએ.

Ø  જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણકાર્ય માટે તંત્ર જો શિથિલ  હોય તો તેના પર દબાણ ઊભું કરી. આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઇએ.

 

9. વન્યજીવન સંરક્ષણ યોજના એટલે શું?

Ø  સંકટમાં આવેલી વન્યજીવોની પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિના સંરક્ષણ માટે સરકાર દ્વારા જે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેને વન્યજીવ સંરક્ષણ યોજના કહે છે.

 

10. વાઘ પરિયોજના સમજાવો.

Ø  એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલોમા લગભગ 40 હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.

Ø  અનિયંત્રિત ગેરકાયદેસર થતાં શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયાં હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઇ. જે મુખ્ય વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા.

Ø  અત્યારે દેશનાં કુલ 44 જેટલાં ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે.

 

11. હાથી પરિયોજના સમજાવો.

Ø  1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે.

Ø  હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે.

Ø  આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે.

 

12. ગેંડા પરિયોજના સમજાવો.

Ø  આ પરિયોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.

Ø  ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે.

Ø  ભારત "રાઇનો વિઝન 2020" ની વ્યુહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

 

13. ઘડિયાળ પરિયોજના સમજાવો.

Ø  મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970 ના દશકામાં લુપ્ત થવાને આરે હતી, ત્યારે ભારત સરકારે સમયસરનાં પગલાં લઇ આ પરિયોજના શરૂ કરી કરી હતી.

 

14. ગીધ પરિયોજના સમજાવો.

Ø  ગીધ એ કુદરતનો સફાઇ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઇ હતી.

15. હિમદીપડા પરિયોજના સમજાવો.

Ø  હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઇએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે.

Ø  સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી વર્ષ 2000માં આ પરિયોજના શરૂ કરાઇ.

Ø  આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે  મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજનાઓ પણ કાર્યરત છે.


16. અભ્યારણ પર ટૂંકનોંધ લખો.

Ø  વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે.

Ø  અભ્યારણ :

Ø  ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.

Ø  સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે.

Ø  વન્યજીવ અભ્યારણ્યની સ્થાપના કોઇ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભ્યારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.

Ø  પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ્ અભ્યારણ્ય જાણીતા અભ્યારણ્ય છે.

 

17. રાષ્ટ્રીય ઉદ્યાન પર ટૂંક નોંધ લખો.

Ø  વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે.

Ø  અભ્યારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે.

Ø  તેમાં એકથી વધારે પરિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે.

Ø  પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.

Ø  અભ્યારણ્યની જેમ તે કોઇ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી.

Ø  તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે.

Ø  કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

 

18. જૈવ આરક્ષિત ક્ષેત્ર પર ટૂંક નોંધ લખો.

Ø  વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે.

Ø  તેની રચના આંતરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.

Ø  જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે.

Ø  તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિઓ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે.

Ø  ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે.

Ø  આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.

Ø  આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકદંરે 5000 ચો કિમીથી મોટો હોય છે.

Ø  નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશમાં મહત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે.

Ø  ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે.

 

19. વિકાસની પ્રક્રિયામાં કઇ બાબતની કાળજી અનિવાર્ય છે?

 અથવા

આયોજનબદ્ધ વિકાસ શા માટે જરૂરી છે? 

અથવા

પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. સમજાવો.

Ø  વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. પણ આ સાથે વિકાસના આયોજન દરમિયાન આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ ખ્યાલ રાખીએ તે અત્યંત જરૂરી છે. કોઇ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલનાં પરિણામો ઘણાંખરાં દૂરવર્તી હોય છે.

Ø  સમગ્ર આહાર શૃખંલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઇ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શ્રુંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબાગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે.

Ø  મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચેં છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વ સેવેલી બેકાળજીનું પરિણામ છે.

Ø  આવતીકાલને ઊજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરવાની જરૂરિયાત છે. પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર એ જ જીવશ્રુષ્ટિ માટે હિતકારક છે.