16. બેરોજગારીના કારણરૂપે રોજગારીની તકોમાં ધીમો વધારો સમજાવો.

અથવા

સમજાવો : ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે.

અથવા

સમજાવો : દેશમાં શ્રમના પુરવઠાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન થઇ શક્યું નથી.

ઉત્તર : રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. પરંતુ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં બેરોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે.

ભારતમાં આયોજનના પ્રથમ ત્રણ દશકામાં સરેરાશ લગભગ 3.5 ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો. જે દર વધીને દસમી યોજનામાં 7.6% અને અગિયારમી યોજનમાં 7.8% થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા વધતી ગઇ છે.

આયોજનબદ્ધ આર્થિક વિકાસમાં પગલાં ભરવા છતાં પણ નવા અને જુના રોજગારી ઇચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી.

ખેતીક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે. અને કૃષિ સિવાયનાં અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં ઓછા વિકાસ થયો હોવાથી શ્રમ–પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળતી નથી અને  બેરોજગારીમાં વધારો થાય છે.

આમ, કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસી રહ્યો છે.

 

17. સમજાવો : બચત અને મૂડીરોકાણનો દર નીચો રહેવાથી બેરોજગારી વધી છે.

ઉત્તર :  ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. પણ સાથે–સાથે વસ્તીવૃદ્ધિ દર પણ ઊંચો જોવા મળ્યો છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકામાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે.

નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે.

મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગક્ષેત્ર, ખેતીક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે.

 

18. સમજાવો : મૂડી ઉત્પાદન પદ્ધતિનો વધતો ઉપયોગ બેરોજગારી માટે કારણભૂત છે.

અથવા

શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિને અપાતું ઓછું મહત્વ બેરોજગારી માટે કારણભૂત છે.

ઉત્તર : ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી છે.

પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું છે.

ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ ને વધુ યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું છે, જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે.

ઉદ્યોગક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મંજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા, શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે.

આ ઉપરાંત રેલવે, સિંચાઇ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યનાં અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઇ છે. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલા વેકંટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રીકરણનો વિરોધ કર્યો હતો.

 

19. સમજાવો : વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ બેરોજગારીનો જનક બન્યો છે.

ઉત્તર : ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે.

દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઇ નથી.

આર્થિક વિકાસના દરને ઊંચો લઇ જવાના હેતુથી ઉદ્યોગક્ષેત્ર, ખેતીક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેક્નોલોજી અને યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું છે. તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલ, ટેક્નોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. પરંતુ તેનાથી વિપરિત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. પરિણામે આવા કુશળ શ્રમિકો મળતા નથી કારણકે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે.

 

20. સમજાવો : માનવશક્તિના આયોજનનો અભાવ બેરોજગારી માટે કારણરૂપ છે.

અથવા

વર્તમાને બુદ્ધિઘનનો એક તરફી પ્રવાહ ‘Drain of Brain’ જોવા મળે છે.

ઉત્તર : ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવશક્તિનું યોગ્ય આયોજન થયું નથી.

દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે, તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવશક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ–વ્યવસ્થા ઊભી થઇ નથી.

દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવશ્રમની જરૂર ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે.

જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણના હોવાથી શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બને છે. આ મનવશક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે.

કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાતા ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળતા વિદેશમાં જાય છે.

આમ, વર્તમાનમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ ‘Drain of Brain’ ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે.

 

21. બેરોજગારી માટે જાહેરક્ષેત્રની બિનકાર્યક્ષમતા કારણભૂત છે : સમજાવો.

ઉત્તર : આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતા જાહેરક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ વધારો થયો છે.

જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા. તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી.

પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા. તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવમાં ના આવતા રોજગારીની તકો ઓછી ઊભી થઇ શકી અને બેરોજગારીમાં વધારો થયો.

 

22. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપકપણે જોવા મળે છે : સમજાવો.

અથવા

સમજાવો : ભારતમાં કૃષિક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી.

અથવા

સમજાવો : બેરોજગારી માટે કૃષિક્ષેત્રના વિકાસની અવગણના જવાબદાર છે.

ઉત્તર : ભારત કૃષિપ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે.

આ વસ્તી મોટેભાગે રોજગારી માટે કૃષિક્ષેત્ર પર આધાર રાખતી હોય છે. તેથી કૃષિક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું સંયોજન જરૂરી છે. પરંતુ ભારતની આર્થિક વિકાસનીતિમાં કૃષિક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપ કૃષિક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિક્ષેત્રનો યોગ્ય વિકાસ થઇ શક્યોના હોવાથી તેમાં રોકાયેલ શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઇ શક્યું નથી.

કૃષિક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવાં અમુક રાજ્યોને જ થયો. તેથી કૃષિક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારે ના થઇ શક્યો.

વધતી વસ્તીનું કૃષિક્ષેત્ર પર ભારણ, અપુરતી સિંચાઇની સગવડ, કૃષિધિરાણની અપુરતી સગવડ, વરસાદની અનિશ્ચિતા તેમજ કૃષિક્ષેત્રનાં અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિક્ષેત્રેનો વિકાસ પૂરતો થયો નથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિનકૃષિક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. તેથી ખાસ કરીને કૃષિક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

 

23. સમજાવો : શ્રમની ઓછી ગતિશીલતા બેરોજગારી માટે જવાબદાર હોય છે.

ઉત્તર : કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે.

ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતરિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવમ વાહનવ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવાં કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે.

ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરનાં સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી. પણ બેરોજગાર રહેવાનું પંસદ કરે છે.

મોટાભાગે આવી વ્યક્તિઓ શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે, જે શક્ય ના બનતા બેરોજગાર રહે છે.

શહેરી જીવનમાં આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી.

 

24. અપૂરતી માળખાકીય સુવિધા બેરોજગારી માટે જવાબદાર છે : સમજાવો.

ઉત્તર : ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે.

ગામડામાં અપૂરતી વાહનવ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે. પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી. પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ના થતાં બેરોજગારી સર્જાય છે.

 

25. ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાતો સમજાવો.

ઉત્તર : ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન–પ્રતિદિન વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે.

બેરોજગારીનો પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી; તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે.

ભારતમાં બેરોજગારી નાબૂદી માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે.

ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા આ પ્રમાણેના ઉપાયો યોજી શકાય.

(1) વસ્તી નિયંત્રણ :

ભારતમાં ઊંચા દરે વધતીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે.

દેશમાં ઝડપી વસ્તીવધારાને કારણે એક તરફ કામ માંગનારા શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. પણ બીજી તરફ ધીમા આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. પરિણામ સ્વરૂપ દેશમાં બેરોજગારીની સંખ્યા વધે છે.

જો ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તીનિયંત્રણ માટેનાં અસરકારક પગલાંઓ ભરવા જોઇએ. આમ કરવાથી દેશની વસ્તીવૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે. એટલે રોજગારી માંગનારાઓની સંખ્યા ઘટશે અને બીજી બાજુ વસ્તીનિયંત્રણ થતાં સાધનો વધુ ફાજલ થશે. તેથી મૂડીરોકાણનો દર વધશે અને રોજગારીની રકો વધારી શકાશે.

વસ્તીનિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વયજુથ (15 થી 64 વર્ષ)નું યથાયોગ્ય નિયમન પણ કરી શકાશે.

(2) આર્થિક વિકાસનો દર ઊંચો લઇ જવો :

દેશના આર્થિક વિકાસના દરને ઊંચો લઇ જઇને બેરોજગારીની સમસ્યા હલ કરવી એ એક સાચો રચનાત્મક ઉપાય છે.

ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતનાં વર્ષોમાં 3 થી 3.5% જેટલો નીચો રહેવા પામ્યો હતો.

જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે, તો રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી બને.

આ માટે દેશના અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ.

કૃષિક્ષેત્રે સિંચાઇની સગવડ વધારીને અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચો લઇ જવો જોઇએ.

હરિયાળી ક્રાંતિના લાભ દેશનાં બધા જ રાજ્યોને થાય તેવા પ્રયાસ કરીને પણ આર્થિક વિકાસના દરને ઊંચો લઇ જઇને રોજગારીની તકોમાં વધારો કરી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે.

(3) રોજગારલક્ષી આયોજન :

આયોજનકાળ દરમિયાન ભારતમાં વિકાસને જ મહત્વ અપાયું હોય તેવું જોવા મળે છે. જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી જાહેરક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પાયના ચાવીરૂપ મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે.

દેશમાં ઔદ્યોગીકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે. આ માટે રાજ્યે વપરાશી માલના અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો અને વેપાર વાણિજ્યની પ્રવૃતિઓનો તેમજ પશુપાલન, ડેરી ઉદ્યોગના વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે. કારણ કે આ બધા ઉદ્યોગો પ્રમાણમાં ઓછી મૂડી  એ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે.

આવા રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે, રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા મેળવવમાં પણ સફળતા મળે છે.

બાંધકામ ક્ષેત્રે રોજગારલક્ષી આયોજન કરીને આયોજનની વધુ તકો સર્જી શકાય તેમ છે.

રાજ્ય પણ શ્રમપ્રધાન અને મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્વ આપવું જોઇએ. જેથી બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થાય.

(4) રોજગારલક્ષી શિક્ષણ :

ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે.

વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ કારકૂનો તૈયાર કરતું પુસ્તકીય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે. પરિણામે વિનિમય અને વાણિજ્યના સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી. તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે.

આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસ્થાલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે.

આ માટે હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં ઘરખમ પરિવર્તનની જરૂર છે.

શિક્ષણક્ષેત્રે હાલ આ પ્રકારના પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે. પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી. તે એક વાસ્તવિકતા છે.

વેપાર, વાણિજ્ય, ખેતી અને ઉદ્યોગક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જરૂરી છે. જેથી વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી રોજગારી મેળવી શકે છે.

ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગારી મેળવાની ક્ષમતા વધે તે મુજબ યોગ્ય માનવશક્તિનું આયોજન કરી શકે તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવાની આવશ્યકતા છે.

ઇ.સ. 2015 ની નવી શિક્ષણનીતિમાં આવનાર વર્ષોમાં ક્યાં ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે. તેનો અભ્યાસ કરી તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને આ કાર્યમાં ખાનગીક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું છે.

(5) ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ  :

ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે નાના ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગની સરખામણીમાં ખૂબ જ ઓછા મૂડીરોકાણની આવશ્યકતા હોય છે. તેથી આ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે.

એક સરખા મૂડીરોકાણ દ્રારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતા 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઇ શકે છે. આ દ્રષ્ટિએ પણ મૂડીની ખેંચવાળા અને શ્રમપ્રધાન ભારત દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગોને દેશમાં વધુ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પના સ્વરૂપમાં સ્વીકારીને તેના વિકાસ માટે રાજ્યે વિશેષ તકેદારી રાખવી જોઇએ.

દેશની ઔદ્યોગિક નીતિમાં પણ આ ઉદ્યોગોના મહત્વનો સ્વીકાર કરીને તેના વિકાસ માટેના અનેક ઉપાયો હાથ ધરાયા છે. જેમ કે નાના ઉદ્યોગ માટે અમુક વસ્તુઓને ઉત્પાદન માટે અનામત રાખવામાં આવી છે. રાજ્ય દ્રારા આ ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય, ટેક્નિકલ અને સંચાલકીય સહાય આપવામાં આવે છે.

(6) આંતર માળખાકીય સેવાનો વિસ્તાર :

ભારતમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન ઓછું રહેવા માટેનું એક જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીત સુવિધા પણ છે.

રાજ્ય દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર જેવી આંતર માળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની મદદથી પોતાના રહેઠાણની નજીક રોજગારી મેળવવાનું શક્ય બનશે.

ગ્રામ્ય વિસ્તારમાં આંતર માળખાકીય સુવિધા વધવાથી નવી રોજગારીની તકો વધશે.

કૃષિક્ષેત્રે અને તેની સાથે સંકળાયેલ અન્ય ક્ષેત્રોમાં રોજગારી વધશે. પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે.

(7) કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર :

દેશમાં ઊંચા વસ્તીવૃદ્ધિ દરને કારણે રોજગારી માટે કૃષિક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઇની સગવડને કારણે મોસમી બેકાર્ની સમસ્યા વધતી ગઇ છે.

આ સમસ્યાને હલ કરી કૃષિક્ષેત્રે ભારણરૂપ વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઇ શકી નથી.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિક્ષેત્રે રોકાયેલી લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિને વેગ આપવાની અને તેનો વધુને વધુ વિસ્તાર કરવામાં વિશેષ પ્રયાસો કરવા જોઇએ અને રોજગારીની તકો વધારવી જોઇએ.

જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઇપણ ક્ષેત્ર કરતાં કૃષિક્ષેત્રેમાં રોજગારીની તકો ઊભી કરવા મટે સૌથી વધારે અવકાશ છે.

પી.સી.મહાલનોબિસના મત મુજબ ભારતમાં કૃષિક્ષેત્રે રૂ. 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે. અને ઉત્પાદનમાં 5.7 ટકાના દરે વધારો કરી શકાય છે, જ્યારે મોટા ઉદ્યોગોમાં રૂ. 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે, અને ઉત્પાનમાં 14% દરે જ વધારો કરી શકાય છે.

આ અંદાજ પરથ કહી શકાય કે, કૃષિક્ષેત્ર ઉદ્યોગક્ષેત્ર કરતાં વધુ રોજગારીની તકો સર્જવા માટે વધુ અનુકૂળ છે.

કૃષિક્ષેત્રે જોવા મળતી હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી પૂરક પ્રવૃતિઓ જેવી કે નાની અને મધ્યમ કદની સિંચાઇ, જમીન–સંરક્ષણ, મિશ્ર ખેતી, વનવિકાસ, વધુ પાક લેવાય તેવી યોજના, વર્ષમાં વધુ વખત પાક લેવાય તેવું આયોજન, જમીનનું નવીનીકરણ તેમજ કૃષિક્ષેત્ર પર આધારિત ગ્રામોદ્યોગને વેગ આપીને રોજગારીની તકોમાં વધારો કરી શકાય તેમ છે.

ડૉ.એમ.એસ. સ્વામીનાથનના મત મુજબ કૃષિક્ષેત્રના વિકાસની દિશમાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે.

 

26. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કઇ કઇ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે?

ઉત્તર : પાંચમી પંચવર્ષીય યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદ્દેશને સફળ બનાવવા રાજ્ય દ્રારા વિવિધ રોજગારલક્ષી ક્રાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા જેવા કે,

(1) સંકલિત ગ્રામવિકાસ ક્રાર્યક્રમ

(2) કામના બદલામાં અનાજ

(3) જવાહર રોજગાર યોજના

(4) નહેરુ રોજગાર યોજના

(5) સુર્વણ જયંતી ગ્રામ રોજગાર યોજના

(6) યુવકને સ્વ–રોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ

(7) નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્યક્રમ

(8) મનરેગા

(9) કૌશલ્ય વિકાસ કાર્યક્રમો

(10) શ્રમેય જયતે યોજના

(11) સ્કિલ ઇન્ડિયા

(12) મેક ઇન્ડિયા તેમજ

(13) મુદ્રા જેવી અનેક રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી.

 

27. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની યોજનાઓ વિગતવાર સમજાવો.

ઉત્તર : બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની યોજનાઓ આ પ્રમાણે છે :

(1) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો (MGNREGA) :

ફેબ્રુઆરી, 2006 માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો કે જેમાં દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો.

આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોમ્બર, 2009થી  બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેંરેટી એક્ટ મનરેગા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને ‘રોજગાર દિવસ’ તરીકે જાહેર કર્યો છે.

આ યોજના દ્રારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી છે. જેમાં   ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્રારા નક્કી થયેલ ન્યુનતમ વેતન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ શ્રમિકને તેનું મહેનતાણું સાત દિવસમાં આપી દેવામાં આવે છે.

શ્રમિકને તેના નિવાસસ્થાને થી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવમાં આવે છે. જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10% વધારે મજૂરી આપવામાં આવે છે.

આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબકાર્ડ આપવામાં આવે છે. જે પાંચ વર્ષના સમય માટેનું હોય છે.

જોબકાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઇ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.

 (2) પંડિત દિનદયાળ શ્રમેવ જયતે યોજના (PDUSJY) :

આ યોજના 16 ઓક્ટોમ્બર, 2014  શરૂ  કરવામાં આવી છ જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલ શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ પણ આ યોજનામાં રાખવામાં આવ્યો છે.

(3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (DUGJY) :

અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં 24*7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે.

(4) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DUGKY) :

આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર, 2014થી કરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે.

(5) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના :

આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઇ, 2015 થી કરવામાં આવી. ‘હર ખેત કો પાની’ એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત–ઉત્પાદકતા વધારવા અને દેશનાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે તે પ્રમાણે કૃષિક્ષેત્ર માટે સિંચાઇ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે.