1. સમજાવો : અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક છે.
ઉત્તર :
વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઇ છે. જ્યારે ભારતની વસ્તી સવા અબજને પહોંચવા આવી છે. ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે. કારણકે વધતી જતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે.
આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે.
વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્વની છે :
(1) વસ્તી વધાવાથી સિમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે.
(2) ઓછી કેળવાયેલ વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહિ જે કોઇપણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ બનશે.
આમ, દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે.

2. વસ્તી વિસ્ફોટનો અર્થ સમજાવો.
ઉત્તર :
ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તીવધાતો ઊંચા દરે થયો. જેને વસ્તી–વિસ્ફોટ કહેવામાં આવે છે.
વિશ્વની અનેકવિધ સમસયાઓ પૈકીની એક મોટી અને મહત્વની સમસ્યા વસ્તીવધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઇ રહ્યો છે. તેટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી તેમાં ભારત પણ અપવાદ નથી.
ભારતમાં 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો છે.
1951 માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી તે 2011ના વર્ષમાં વધીને 121.02 કરોડ થઇ એટલે કે 60 વર્ષમાં 84.92 કરોડનો વધારો થયો તેમજ ભારતમાં સરેરાશ વસ્તીવૃદ્ધિનો દર 2.5 ટકાની આસપાસ રહ્યો છે.
આમ, વધુ વસ્તી અને વસ્તીવૃદ્ધિના ઊંચાદરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થતો જેને ‘વસ્તી વિસ્ફોટ’ તરીકે ઓળખવામાં આવે છે.

3. ભારતમાં વસ્તીમાં ક્યાં ક્યાં વલણો છે?
અથવા
વસ્તીનાં વલણો એટલે શું?
ઉત્તર :
વસ્તીનાં વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી–પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું.
ભારતમાં સૌપ્રથમ વસ્તીગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તીગણતરી 1891માં થઇ હતી.
ભારતમાં 1891 પછી દર 10 વર્ષ વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વાતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું.

4. ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તીના આધારે વલણ સ્પષ્ટ કરો.
ઉત્તર :
ભારતની કુલ વસ્તીમાં જુદા–જુદા વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી–પુરુષના પ્રમાણમાં જાણી શકાય છે.
ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ

વર્ષ

પુરુષ–વસ્તી (કરોડમાં)

સ્ત્રી–વસ્તી (કરોડમાં)

કુલ વસ્તી

1951

18.55 (51.37%)

17.56  (48.63%)

36.11 (100%)

1991

43.92 (51.90%)

40.71 (48.10%)

84.63 (100%)

2011

62.37 (51.54%)

58.65 (48.46%)

121.02 (100%)


ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તીની વહેંચણીમનાં વિશ્લેષણ અને તારણો :
(1) 1951 થી 2011 ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે જે ઊંચા વસ્તીવૃદ્ધિ દરનું પરિણામ છે.
(2) ટકાવારીની રીતે જોઇએ તો 1951માં કુલ વસ્ત્માં પુરુષની વસ્તી 51.37% હતી. તે 2011માં 51.54 ટકા થઇ છે. એટલે કે 0.2 તફાવતનો વધારો સૂચવે છે. જે સ્ત્રીની વસ્તી કરતા પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે.
(3) ટકાવારીની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી તે 2011માં ઘટીને 48.46% થઇ છે. એટલે કે -0.17 તફાવતન ઘટાડો નોંધાયો છે. જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે, જે આવનાર સમય માટે એક પડકાર ગણાવી શકાય.

5. ભારતમાં જાતિ–પ્રમાણને આધારે વસ્તીનો વલણ સ્પષ્ટ કરો.
ઉત્તર :
દેશની વસ્તીમાં પ્રતિદર 1000 પુરુષો દીઠ સ્રીઓની સંખ્યાને સ્ત્રી–પુરુષનું પ્રમાણ અથવા લિંગ–પ્રમાણ અથવા જાતિ–પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે.
વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરુષોએ ધટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે.
સ્ત્રી–પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો લગ્ન, કુંટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે.
જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવી જાતિના પ્રમાણની વિષમતાનાં કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસો કરવાનું શક્ય બને છે.
કેટલીક વિકસિત દેશોમાં સ્ત્રી–પુરુષનું જાતિય ગુણોત્તર દરનું પ્રમાણ એક હજારથી વધુ હોય છે.
ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. કેરળમાં 2011માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી.
સ્ત્રી–પુરુષના પ્રમાણ વિષમતા માટે કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે.
ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. તેમજ દહેજપ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે.
કન્યાઓની નાની વયે લગ્ન, વધારે પડતી પ્રસુતિઓ તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. તેના કારણે કન્યાઓનો બાળ–મરણ દર ઊંચો રહે છે. જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે છે.
ભારતમાં જાતિ–પ્રમાણ

વર્ષ

દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા (ભારત)

દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા (ગુજરાત)

1901

972

954

1931

950

945

1961

941

940

1991

927

936

2001

933

921

2011

940

918


વિશ્લેષણ અને તારણો :
(1) 1901 થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જતી જોવા મળે છે. પરંતુ 2001 અને 2011 ના વર્ષ દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળે છે, જે દેશમાં ચાલી રહેલા ‘બેટી બચાવો’ અભિયાન તેમજ દીકરી–જન્મને મળતાં પ્રોત્સાહનોને આભારી છે.
(2) ગુજરાતની વાત કરીએ તો 1901 થી 2011ના સમય દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે. જેના કારણે કેટલીક સામાજિક–સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય તેમ છે. સ્ત્રીઓના સતત ઘટતા જતા પ્રમાણનાં કારણોની ચર્ચા કરીએ તો પુત્રપ્રાપ્તિની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રીભ્રુણ હત્યામાં સહાયક બન્યાં છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે. પરંતુ આ કાયદાઓનો અમલ મોટા ભાગે કાગળ પર જ રહી જાય છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રીપુરુષ પ્રમાણની અસમતુલા વધુ જોવા મળે છે.

6. ભારતમાં વસ્તીવધારાના કારણ તરીકે જન્મદર સમજાવો.
ઉત્તર :
વસ્તીવધારાને અસર કરતાં બે પરિબળો છે. જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તીવધારાનું કારણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે વસ્તીમાં વધારો થાય છે.
જન્મદરનો અર્થ :
વર્ષ દરમિયાન દર હજારની માનવવસ્તીએ જન્મ પામતાં બાળકોની સંખ્યાને જન્મદર કહે છે.


જન્મદરને ટકાવારીમાં દર્શાવાતો નથી. પરંતુ પ્રત્યેક 1000ની વસ્તીદીઠ ગણવામાં આવે છે. વસ્તીમાં કેટલો વધારો થાય છે. તે જન્મદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીનીતિ નક્કી કરવામાં જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય છે.

ભારતમાં જન્મદરનું પ્રમાણ

વર્ષ

જન્મદર (પ્રતિ 1000 વ્યક્તિએ)

1951

39.9

2011

21.8


વિશ્લેષણ અને તારણો :
ભારતમાં 1951 માં જન્મદરનું પ્રમાણ 39.9 હતું. તે 2011માં ઘટીને 21.8 થયું છે. જે ધીમા દરે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. જેનાં મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાય.

7. વસ્તીવધારાના કારણ તરીકે મૃત્યુદરનો અર્થ સમજાવો.
ઉત્તર :
અર્થ :

વર્ષ દરમિયાન દર હજારની માનવવસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે.


વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે. તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજુ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે.
ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ

વર્ષ

મૃત્યુદર (પ્રતિ 1000 વ્યક્તિએ)

1951

27.4

2011

7.1


વિશ્લેષણ અને તારણો :
ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું. તે 2011માં ઘટીને 7.1 થયું છે. આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે. જેનાં મુખ્ય કારણો, દુષ્કાળો પર નિયંત્રણ, જીવનધોરણોમાં સુધારો, પોષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો–વધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાનાં ક્ષેત્રે થયેલાં નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પરનાં નિયંત્રણો વગેરે ગણાવી શકાય.

8. ઊંચા જન્મદર માટેનાં સામાજિક કારણો સમજાવો .
ઉત્તર :
ઊંચા જન્મદર માટેનાં ભારતમાં મુખ્ય ચાર સામાજિક કારણો છે. જે નીચે મુજબ છે :
(1) સાર્વત્રિક લગ્નપ્રથા :
ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી–પુરુષ લગ્નગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ પણ અપવાદ નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ, સાર્વત્રિક લગ્નપ્રથાથી જન્મદર ઊંચો જાય છે.
(2) નાની ઉંમરે લગ્ન અને વિધવા પુન:લગ્ન :
દેશમાં બાળલગ્ન અટકાવતો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમન પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે. જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે.
દેશમાં વિધવા પુન:લગ્નને કાયદા દ્રારા અમલી બનાવ્યો હોવાથી તેને વ્યાપક ટેકો મળેલો છે. જેથી વિધવા પુન:લગ્ન સામાન્ય થતા જાય છે. જેના કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે.
(3) પુત્રપ્રાપ્તિની ઘેલછા :
ભારતીય સમાજ પુરુષપ્રધાન છે. અહીં પુત્રી કરતા પુત્રને ત્રણ કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે:
(1) પુ–નામના નર્કમાંથી તારે તે પુત્ર કહેવાય.
(2) વંશવેલાને આગળ વધારવા માટે.
(3) ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે.
ઉપરયુક્ત ત્રણ કારણોસર કેટલાંક કુટુંબો પુત્રની ઘેલછામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે. જેથી કુટુંબના કદમાં વધારો થાય છે.
(4) સંયુક્ત કુંટુંબપ્રથા :
ભારતના ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુંટુંબપ્રથા વ્યાપક પ્રમાણમાં છે. પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુંટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઇ જવાથી બાળક બોજારૂપ બનતું નથી. પરિણામે જન્મદર ઊંચો જાય છે.

9. વસ્તી વધારા માટે જવાબદાર આર્થિક પરિબળોની ચર્ચા કરો.
ઉત્તર :
વસ્તીવધારા માટે મુખ્યત્વે ત્રણ આર્થિક પરિબળો જવાબદાર છે :
(1) શિક્ષણનું નીચું પ્રમાણ :
શિક્ષણ અને વસ્તીવૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રીશિક્ષણને ખાસ લાગુ પડે છે.
અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલદી સમજી શકાતી નથી. પરિણામે કુંટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે.
નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછાં બાળકોને જન્મ આપતી માલૂમ પડે છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે સાચી ઠરે છે. આ અનુભવના આધારે કહી શકાય કે, દેશમાં નિરક્ષતા અને અલ્યશિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે.
(2) આવકની નીચી સપાટી :
કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જવાબદારી નહિ. પરંતુ અસ્કામત ગણાય છે.
‘ઝાઝા હાથ રળિયામણા’ એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે.
અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટેલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતાં બાળકોને આપણે જોઇએ જ છીએ જે ઉપરોક્ત બાબતોની પૃષ્ટિ કરે છે.
(3) બાળમૃત્યુદરનું ઊંચું પ્રમાણ :
‘જીવતાં જન્મેલાં દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતાં બાળકોની સંખ્યાને બાળમૃત્યુદર કહે છે.
ભારતમાં બાળમૃત્યુદરનું પ્રમાણ

વર્ષ

બાળમૃત્યુદર (1000 જીવતાં જન્મેલા બાળકોમાંથી)

1951

14.6

2011

41.40


ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળમરણનું પ્રમાણ ઘણું ઊચું છે.
ભારતમાં 1951માં બાળમૃત્યુદર 146 હતો તે ઘટીને 2011માં 41.40 થયો છતાં આ દર ઘણો ઊંચો ગણાવી શકાય.
બાળમૃત્યુદર ઊંચો હોવાનાં કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓની વાંરવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્ય સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછોગાળો વગેરેને કારણે બાળમૃત્યુ વધારે થતાં હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે. જે ઊંચા જન્મદરમાં પરિણમે છે.

10. વસ્તી વધારા માટે જવાબદાર અન્ય પરિબળો સમજાવો.
ઉત્તર :
વસ્તી વધારા માટેના અન્ય પરિબળો આ પ્રમાણે છે :
(1) ઊંચો પ્રજનનદર :
વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતાં જન્મેલાં બાળકોની સંખ્યાને પ્રજનન દર કહે છે.
ભારતના વસ્તીમાળખાની એક વિશેષતા ઊંચા પ્રજનનના દર અંગેની છે.
બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ તો 1951માં આ વયજુથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી જે 2011 માં ઘટીને 3 જેટલી થઇ છે. તેમ છતાં આ પ્રમાણે થોડું ઊચું કહી શકાય.
સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર હોઇ શકે.
(1) ભારતમાં નાની વયે થતાં લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે.
(2) માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે.
(2) કુંટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ :
કુંટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્રારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમયમર્યાદા નક્કી કરવી.
ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત–રીવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુંટુંબનિયોજન સામે અવરોધ ઊભા થાય છે.
આ ઉપરાંત કુંટુંબનિયોજન માટેનાં વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે.

11. નીચા મૃત્યુદરના કારણો જણાવો.
ઉત્તર :
નીચા મૃત્યુદરના મુખ્યત્વે ચાર કારણો છે. જે આ પ્રમાણે છે.
(1) જીવનધોરણમાં સુધારો :
આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવનધોરણમાં સુધારો થયો છે.
દેશમાં લોકો પહેલાં કરતા સારી ગુણવતાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. જેના પરિણામે મૃત્યુદર ઘડયો છે.
(2) રોગચાળા પર નિયંત્રણ :
20 મી સદીના ઉતરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોમાં કારણે મૃત્યુદદર ઊંચો હતો પરંતુ 20 મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદભૂત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગપ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપર્યુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. જેના પરિણામે મૃત્યુદર ઘડ્યો છે.
(3) દુષ્ક્રાળ પર અંકુશ :
વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે.
1966 થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દેશના કોઇએક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઇથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છીએ.
(4) કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહનવ્યવહારની સગવડો :
દેશમાં પહેલાં ધરતીકંપ, ત્સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંકનો ઊંચો હતો.
આજે દેશના કોઇપણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપતિઓ સર્જાય તો ઝડપી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણો પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

12. વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો.
ઉત્તર :
વસ્તીવિસ્ફોટ એ દેશની મોટી સમસ્યા છે. આ સમસ્યાને નિવારવા નક્કર પગલાં લેવા જરૂરી છે.
(1) લોકશિક્ષણ અને જાગૃતિ :
જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોચેં તે જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઇએ. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગ્રત થાય તે જરૂરી છે.
આ માટે સંદેશા–વ્યવહારમાં વિવિધ માધ્યમો દ્રારા વસ્તીશિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઇએ.
શાળા–કોલેજોમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવાં, નાટક, મૂડ, અભિનય, ગીતો વગેરે દ્રારા જાગૃતિ લાવી શકાય.
વર્ષ 2000ની વસ્તીનીતિમાં મહિલાવિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ ‘શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે.’
(2) કુંટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારતા :
કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોકશિક્ષણની સાથે સાથે કુંટુંબનિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે.
સંતતિ નિયમનનાં સાધનો સાદાં, સસ્તા અને સુલભ બની રહે તે જરૂરી છે.
2000 ની વસ્તીનીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વધ્યીકરણ અપાતા વધુ પડતા મહત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
(3) મહિલાઓની લગ્નવય અને દરજ્જામાં વધારો :
લગ્ન માટેની વયમાં કાયદા દ્રારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્નવય વધારીને જન્મદરમાં ઘટાડો નિપજાવી શકાય.
2000 ની વસ્તીનીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોત, તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે.
સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તોપણ જન્મદર ઘટી શકે છે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવમાં આવે, તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે.
(4) પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો :
સરકાર તરફથી આપવમાં આવતાં પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વધ્યીકરણનું ઓપરેશાન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે.
વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિનપ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. જેમાં બે બાળકવાળા દંપતીઓના મહત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે થોડા સમયથી આમાં છૂટછાટો આપી છે.
ભારત પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે કરતા વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકતા નથી.
(5) તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારતામાં વધારો :
ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે.
વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી, એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો – આ પ્રકારના પગલાં મૃત્યુદર તથા બાળમૃત્યુદરના દર નીચી સપાટીએ લઇ જઈ શકે તેમ છે.
વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તીનીતિ દ્રારા ભારતમાં થયો. નવી વસ્તીનીતિ(2000) માટેની સમિતિની રચના ડૉ. એમ. એસ. સ્વામીનાથનના વડપણ હેઠળ થઇ હતી.