1. સમજાવો : વિશ્વના મોટા ભાગના દેશો એવું માને છે કે ઝડપી આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ જરૂરી છે.
ઉત્તર : સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતાં સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટા ભાદના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે. દા.ત., અમેરિકા, બ્રિટન, જાપાન.
વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઇ શકે છે. દા.ત., ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ
ખેતીક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા જોવા મળે છે. જ્યારે ઔદ્યોગિક દેશ હોય અને વિકસિત દેશ હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણ જોવા મળે છે. જેથી વિશ્વના દેશોમાં મોટા ભાગના દેશો એવું માનતા થયા છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી છે.

2. ઉદ્યોગક્ષેત્રનું મહત્વ સમજાવો.
ઉત્તર :
દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવનધોરણને સુધારવા માટે ઔદ્યોગિકીરણ જરૂરી છે.
આ ઔદ્યોગિકીકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહિ પણ, સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે, જે નીચેના મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે :
(1) રાષ્ટ્રીય આવકમાં ફાળો :
ભારતની આઝાદી સમયે ખેતીક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું. જે ઉતરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટયું છે. અને તેની સામે ઉદ્યોગોને રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે.
વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો દ્રારા પ્રાપ્ત થતો હતો. જ્યારે 2013-14માં રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો(સ્થિર ભાવોએ) ઉદ્યોગક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. જેના પરથી કહી શકાય કે, રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં પણ નોંધનીય છેકે સેવાક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂરપૂર્વ રહ્યો છે.
(2) રોજગારી :
ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે. જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી એટલે કે અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે.
ઉદ્યોગક્ષેત્ર દ્વારા આયોજન પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે.
વર્ષ 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગક્ષેત્રે રોજગારી મેળવતા હતા. તે પ્રમાણ વધીને વર્ષ 2011-12માં 24.3% થવા પામ્યું છે.
ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. તેમનો વ્યાપ વધારવાની રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે.
(3) નિકાસ આવક :
ખેતીક્ષેત્રની જેમ ઉદ્યોગક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન–પ્રમાણ વધારીને, અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણની કમાણી સર્જે છે. જે હૂંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સબિત થાય છે.
વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસઆવકના 2/3 ભાગ ઉદ્યોગક્ષેત્રના પ્રયત્નો દ્રારા પ્રાપ્ત થયો છે.
આમ, દેશનું ઉદ્યોગક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદન–પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષરૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષે છે.
(4) અર્થતંત્રનો સમતોલ વિકાસ :
ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે.
દેશના વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય (પ્રાથમિક) જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજશોખ અને આનંદ–પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે, જે મુખ્યત્વે ઉદ્યોગ દ્રારા પૂરી પાડી શકાય છે.
ઉત્પાદનક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જે શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે.
(5) ખેતીનું આધુનિકીકરણ :
ખેતીક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે.
ઉદ્યોગક્ષેત્ર દ્વારા ખેતીક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેક્નોલોજીની મદદ પૂરી પાડી શકાય છે.
ટ્રેક્ટર, પ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાનાં સંયંત્રો જેવાં આધુનિક સાધનો પૂરાં પાડી શકાય છે. તેમજ ઉદ્યોગક્ષેત્રે રસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે.
સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ નવીન ટેક્નોલોજીની મદદ દ્વારા ખેતીક્ષેત્રનો વિકાસ શક્ય બને છે.
(6) અર્થતંત્રનું મજબુત માળખું :
અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે.
ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ(સ્ટીલ), સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જે દેશ માટેની સિંચાઇ યોજનાઓ, રોડ–રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે.
આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહનવ્યવહારનાં સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વીચક્રીય વાહન વગેરે પૂરા પાડવામાં આવે છે. જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે છે.
આ ઉપરાંત સંરક્ષણનાં સાધનો (બંદૂક, ગોળીઓ, ટેન્ક વગેરે)નું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતાં વિદેશો પરનું અવલંબન ઘટે છે. અને અર્થતંત્ર મજબૂત બને છે.
(7) સામાજિક માળખામાં ફેરફાર :
ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે. જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઇ, ટીમ વર્ક, સ્વનિર્ભરતા, સાથ–સહકાર, સમજૂતી, નવ–સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત, માનસિકતા, જડ વલણ વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. આમ, આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે.

3. ઔદ્યોગિક માળખું કઇ રીતે નક્કી કરવામાં આવે છે?
ઉત્તર :
ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા ઔદ્યોગિક માળખાની સમજૂતી જરૂરી છે. ઔદ્યોગિક માળખાનો વિચાર મૂડોરોકાણના કદના આધારે, માલિકીના આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે કરવામાં આવે છે.

4. મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગના પ્રકાર સમજાવો.
ઉત્તર : 
(1) ગૃહઉદ્યોગ :
મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદાં ઓજારો વડે વીજળી, યંત્રોના ઉપયોગ વગર નહિવત્ મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહઉદ્યોગ કહે છે. ઉદાહરણ : ખાદી, પાપડ, ખાખરા, અગરબત્તી વગેરેનો ઉદ્યોગો.
(2) ટચૂકડા ઉદ્યોગો :
આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્રારા કુલ રૂ. 25 લાખની મૂડીરોકાણ મર્યાદામાં ચાલતા ઉદ્યોગો છે. ઉદાહરણ : ધાતુ, ચામડું, માટી વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગો.
(3) નાના પાયાના ઉદ્યોગો :

જે ઉદ્યોગોમાં રૂ. 25 લાખથી વધુ અને રૂ. 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય, માત્ર શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતું હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગો. ઉદાહરણ : ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો
(4) મધ્યમ પાયાના ઉદ્યોગો :
જો ઉદ્યોગોમાં રૂ. 5 કરોડથી વધુ અને રૂ. 10 કરોડથી ઓછી એવી મૂડી રોકવામાં આવી હોય, જે શ્રમપ્રધાન અથવા મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય તેવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે. ઉદાહરણ : યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેના ઉદ્યોગો.
(5) મોટા પાયાના ઉદ્યોગો :
જે ઉદ્યોગોમાં રૂ.10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થતો હોય અને જે માત્ર મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. ઉદાહરણ : રેલવેનાં સાધનો, મોટાં વાહનો, લોખંડ વગેરેના ઉદ્યોગો.

5. માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો.
ઉત્તર :
 
(1) જાહેર ક્ષેત્રના ઉદ્યોગો :
જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય છે. ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય છે. ઉદાહરણ તરીકે રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો છે, જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે ઓળખાય છે. આ જાહેર ક્ષેત્રના ત્રણ વિભાગમાં વર્ગીકરણ અનુસાર વહેંચવામાં આવે છે.
            ખાતાકીય ઉદ્યોગો :
                        જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ, એક ખાતા તરીકે ચલાવે છે. ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઇઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે. તેવા ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., રેલવે, ટપાલ વગેરે.
            જાહેર નિગમો :
                        જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય છે. પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ(કોર્પોરેશન) દ્વારા કરવામાં આવે છે. પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય–પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ઉદાહરણ : જીવનવીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર–ઉત્પાદન વેચાણ કરતા (IFFCO, GSFC,GNFC વગેરે) એકમો જાહેર નિગમો તરીકે ઓળખાય છે.
             સંયુક્ત મૂડી કંપનીઓ :
                    જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપનીધારા મુજબ કરે છે. ઉપરાંત, આ એકમોનો નિશ્ચિત માલિકી હક સકરાર જે–તે એકમના શેર બહાર પાડી લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે. આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે. આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના હોય છે. ઉદાહરણ : હિન્દુસ્તાન મશીન ટુલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન વગેરે.
(2) ખાનગીક્ષેત્રના ઉદ્યોગો :
જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે. અહીં નોંધનીય છેકે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. ઉદાહરણ : કાર, ટીવી, બૂટ–ચંપલ બનાવતા એકમો
(3) સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો :
જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે. જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં, તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. ઉદાહરણ :GSPC
(4) સહકારી ક્ષેત્રના ઉદ્યોગો :
નાના(સીમાંત) માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના શોષણને અટકાવવા અને બધાના લાભ(ભલા) માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃતિઓને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. જેમાં જીવનજરૂરી (આવશ્યક) વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની કેરીઓ, કેટલીક બેન્કો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે. ઉદાહરણ : IFFCO, KRIBHCO.

6. ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો.
ઉત્તર :
 
(1) વપરાશી વસ્તુના ઉદ્યોગો :
જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે. તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય છે. આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય છે. ઉદાહરણ : ધી, તેલ, સાબુ, શેમ્પુ, પાઉડર વગેરે બનાવતા ઉદ્યોગો
(2) અર્ધતૈયાર વસ્તુના ઉદ્યોગો :
જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય છે. એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે. પરંતુ, ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે. અને તેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોને અર્ધતૈયાર વસ્તુના ઉદ્યોગો કહે છે. ઉદાહરણ : સૂતર, લોખંડના પતરાં, યંત્રો વગેરેના ઉધોગો.

7. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં સમજાવો.
ઉત્તર :
દેશના સર્વાંગી વિકાસ માટે અન્ય ક્ષેત્રોની જેમ ઔદ્યોગિક ક્ષેત્રની પણ જરૂરિયાત છે. જેથી સરકાર તેને સહાયક એવાં પગલાંઓ ભરે છે.
(1) રાજ્યની માલિકીનાં સાહસો :
સરકાર દ્વારા પાયાના અને ચાવીરૂપ એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે. આવાં ક્ષેત્રોમાં ખૂબ વધુ મૂડીની જરૂરિયાત હોય છે. તેમજ તે વધુ પ્રમાણમાં સાહસવૃતિ ધરાવતા હોય છે. જેના માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર તૈયારી દાખવાતાં નથી. આ ઉપરાંત આ એવા એકમો હોય છે. જે અન્ય ઉદ્યોગોને ખૂબ ઉપયોગી સાધન–સામગ્રી તૈયાર કરી આપે છે. આમ, સરકાર વિવિધ પ્રકારના ખૂબ અગત્યના અને વધુ પડતા સાહસ ધરાવતા એકમો પોતાના હસ્તક રાખી સમગ્ર ઉદ્યોગક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે.
(2) ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન :
ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ મદદ સરકાર દ્વાર પૂરી પાડવામાં આવે છે. જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી ઉપરાંત કરરાહતો પણ આપવમાં આવે છે. આ ઉપરાંત સસ્તુ અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આમ, અનેક રીતે ખાનગી ક્ષેત્રોને મદદ પૂરી પાડી તેઓને હરીફાઇમાં સમક્ષ બનાવવા સરકાર ઉત્તેજન પૂરું પાડે છે. જ્યારે સરકાર ઘણાં અનામત રખાયેલાં ક્ષેત્રોમાં પણ તેમને પ્રવેશ આપી તેમને વિકાસની પૂરતી તકો પૂરી પાડે છે.
(3) આયાત–જકાત :
આયાત–જકાત એટલે આયાત પર વેરો સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઇમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા માટે આયાત–જકાત નામનું શસ્ત્ર ઉપયોગમાં લે છે. જેના કારણે વિદેશી ચીજવસ્તુઓ (કરવેરાના કારણે) મોંધી બને છે અને આપણા દેશની ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચ સમકક્ષ બને છે. આ કારણે વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ હરીફાઈક્ષમ બને છે. અને તેમને રક્ષણ પૂરું પાડે છે.
(4) ટેક્નિકલ કૌશલ્ય અને તાલીમ :
દાકીકરણ અને વૈશ્વીકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરિફાઇમાં સમક્ષ બની રહે તેમજ તે હરીફાઇમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકાર ઉદ્યોગોના માલિકોને ટેક્નિકલ તેમજ વ્યાવસાયિક તાલીમ આપે છે. તેમને વિશ્વમાં પ્રવર્તતી નવી ટેક્નોલોજી, નવા પ્રકારની વસ્તુઓ, નવા પ્રકારની વેચાણ–વ્યવસ્થા, નવા પ્રકારના સંચાલન વગેરેના ગુણો શીખવવાના હેતુસર તેમને તાલીમ આપે છે. અને શક્ય તેટલા ગુણો ખીલવવાનો પ્રયત્ન કરે છે. જેથી સ્થાનિક ઉદ્યોગો હરીફાઇમાં બળવાન પુરવાર થઇ શકે.
(5) આર્થિક સહાય :
સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન–ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. જેથી નીચા ઉત્પાદન–ખર્ચને લીધે જે–તે વસ્તુઓ આંતરારાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલો કિંમત–લાભ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે. સરકાર આ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવા સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન ઉપરાંત વાહનવ્યવહાર, ધિરાણ વગેરે ક્ષેત્રોએ ઉદ્યોગોને સહાયરૂપ થઇ તેઓને સક્ષમ બનાવવાના પ્રયત્નો કરે છે.
(6) પાયાની સુવિધાઓ :
ઉદ્યોગોના વિકાસ માટેની પાયાની સુવિધાઓ જેમ કે રોડ–રસ્તા, પાણી, વીજળી, બેન્કો, વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે. જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને કાબૂમાં રાખી શકે. અહીં, એ પણ નોંધનીય બને છે કે પાયાની સુવિધાઓની પ્રાપ્તિને કારણે ઉદ્યોગો તેમના નાણાં, સમય અને પ્રયત્નોને ઘટાડી ન્યુનતમ ખર્ચનાં ધોરણો હાંસલ કરી શકે તેના દ્વારા તેઓ હરીફાઇમાં સક્ષમ બની રહે અને તેઓને તેમના ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન પૂરું પડે.
(7) વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના :
સરકાર વિવિધ ઔદ્યોગિક નીતિની રચના કરી તેમજ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરી ઉદ્યોગોને મદદ કરે છે. આ ઉપરાંત આયાતનીતિ, નિકાસનીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, કરવેરાનીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે. તદુપરાંત ઇન્ડસ્ટ્રિયલ એક્ટ કંપની એક્ટ, બેન્કિંગ એક્ટ, કોમ્પિટિશન એકટ વગેરે કાયદાઓ ઘડીને અયોગ્ય હરીફાઇને અટકાવવાનો પ્રયત્ન કરે છે. તદુપરાંત idbi, sidbi, icici, ifci, lic, gic વગેરે સંસ્થાઓ ઉદ્યોગોને જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવી છે એટલું જ નહિ વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. આમ,. ઉદ્યોગોને તમામ પાસાઓ તરફથી મદદ અને રક્ષણ પૂરું પાડી તેમનો વિકાસ કરાવવા યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે.

8. વિશિષ્ટ આર્થિક વિસ્તાર સમજાવો.
અથવા
SEZ સમજાવો.
ઉત્તર : વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં SEZ (SPECIAL ECONOMIC ZONE) તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ, 2000થી શરૂ થયો. જેનો મુખ્ય આશ્રય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઇ મુજબનું અંકુશોમુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું. જેથી દેશની નિકાસો વધે અને દેશનાં ઉત્પાદકક્ષેત્રો વિશ્વ સમકક્ષ બને.
વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વાર કર–રાહતો આપી વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે છે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે. જો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI = FOREIGN DIRECT INVESTMENT) દ્વારા નિકાસ કરતાં ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે.
વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે. જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે. જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા તેમજ ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે.
ભારતમાં આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં સાંતાકૂઝ(મહારાષ્ટ્ર), કોચીન(કેરળ), કંડલા અને સુરત(ગુજરાત), ચેન્નઇ(તમિલનાડુ), વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ), ફાલ્તા(પશ્વિમ બંગાળ) અને નોઇડા(ઉત્તરપ્રદેશ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા અઢાર વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
કોઇપણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે. જેમાં વિદેશી સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે. જેમાં વિદેશી સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે.

9. સમજાવો : ભારતમાં નાના પાયાના ઉદ્યોગોએ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની રહ્યા છે.
ઉત્તર :
નાના પાયાના ઉદ્યોગો છેલ્લા પાંચ દાયકાઓ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારી સર્જન માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકીરણ કરવા માટે, પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા ઉપયોગી છે.
ભારતમાં નાના પાયા ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઇ રહ્યા છે.
વાસ્તવમાં, જે ઉદ્યોગોમાં રૂ. 25 લાખથી વધુ અને રૂ.5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોને નાના પાયાનો ઉદ્યોગ કહે છે.
સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીઓ ઉપયોગ કરતા હોવા છતાં તે મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો હોય છે.

10. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવો.
ઉત્તર : 
(1) રોજગારી સર્જન :
નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી–સર્જનની શક્યતાઓ રહેલી હોય છે. જેનું મુખ્ય કારણ તે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તે છે.
વર્ષ 1994-95માં નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારી–સર્જન કર્યું હતું. તે વધીને વર્ષ 2001-02માં 249.33 લાખ થયું અને વર્ષ 2011-12માં તે હરણફાળ ભરી 1012.59 લાખ રોજગારી અપાવનાર ક્ષેત્ર બન્યું છે.
આમ, નાના પાયાના ઉદ્યોગો ઉતરોત્તર રોજગારી સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે, તે ભારત જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે તેમના માટે આશીવાર્દરૂપ છે.
(2) ઉત્પાદન વૃદ્ધિ :
સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રોનું ઉત્પાદન કરે છે. અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદનવૃદ્ધિ કરી શકાય છે.
વર્ષ 1994-95માં રૂ. 4,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું. જે વર્ષ 2001-02 દરમિયાન વધીને રૂ. 2,82,270 કરોડ થયું અને તે વર્ષ 2011-12માં વૃદ્ધિ પામી રૂ. 18,34,332 કરોડ થયું.
આમ, નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ નોંધવામાં આવી છે. જ્યાં ઉલ્લેખનીય બાબત એ છે કે, ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે.
(3) ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ :
નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો (પ્રજા) તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે.
ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે જ શક્ય બને છે. ભારતમાં વર્ષ 1994-95માં 79.60 લાખ નાના એકમો હતા. જે વર્ષ 2001-02માં વધીને 105.21 લાખ થયા અને વર્ષ 2011-12 તે વૃદ્ધિ પામી 447.73 લાખ એકમોના આંક સુધી પહોંચ્યા છે. જે દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકીકરણની સ્થાપના તરફનું પ્રમાણ છે.
(4) નિકાસો :
ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે. તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે.
ભારત દ્વારા વર્ષ 1994-95માં રૂ. 29,068 કરોડની નિકાસો થઇ હતી. તે વર્ષ 2001-02 માં વધી રૂ. 71,244 કરોડ સુધી વધી અને વર્ષ 2006-07માં તે રૂ. 1,77,600 સુધી વૃદ્ધિ પામી હતી.
આમ, નાના પાયાના ઉદ્યોગોની નિકાસ એ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશોમાં વધતી માંગ દર્શાવે છે.
તદુપરાંત ભારત માટે તે વિદેશી હૂંડિયામણની આવક સર્જે છે કે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જરૂરી બને છે.
(5) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :
ઉત્પાદન પદ્ધતિઓ બે પ્રકારની હોય છે : મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. જે પૈકી મૂડીપ્રધાન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછાં શ્રમનાં સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. આનાથી ઊલટું શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય છે. તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે.
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો કે જ્યાં શ્રમની છત છે. તેમના માટે આશીર્વાદરૂપ જણાય છે. શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ મુખ્યત્વે રોજગારીપ્રધાન હોવાથી આ પ્રકારના દેશો માટે યોગ્ય ગણવામાં આવે છે.
(6) વિદેશી હૂંડિયામણની બચત :
નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો વધારીને દેશને વિદેશી હૂંડિયામણની આવક મેળવી આપે છે. જ્યારે બીજી તરફ મોટા ભાગની જરૂરિયાત વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે. જેથી વિદેશી હૂંડિયામણનો ખર્ચ ઘટે છે. અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે તે ખૂબ કારગર નીવડે છે.
(7) સમયનો ટૂંકોગાળો :
નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે.
આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઇ શકે છે.
આમ, ખૂબ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન–કાર્ય શરૂ થઇ શકતું હોવાથી દેશમાં રહેલી જે–તે વસ્તુઓની અછતને સંતોષવી(પૂરતી) એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન–કાર્ય ટૂંકાગાળામાં જ શરૂ કરાવી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બનાવે છે. જે દેશને ખૂબ મોટી મદદ થઇ પડે છે.
(8) સમતોલ પ્રાદેશિક વિકાસ :
મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછી સાધનસામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના કોઇપણ ભાગમાં શરૂ કરી શકાય છે. જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતાં તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે. આમ, નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવી શક્ય બને છે.
(9) વિકેન્દ્રીકરણ :
મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવમાં આવે છે. કારણકે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે. જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે. તેમ કહી શકાય. જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોઇ તે અર્થતંત્રના નાના–નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઇ શકે છે. અને તે દ્વારા તેઓ તેના લાભ મેળવી શકે છે. એટલું જ નહિ પણ દેશનાં વિભિન્ન ક્ષેત્રે રહેલ સંસાધનો, સુષુપ્ત અથવા નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ શક્ય બને છે. આવાં સાધનો કે જે વણવપરાયેલ કે વેરવિખેર પડી રહ્યાં છે. તેમનો ઉપયોગ થાય છે. જેથી દેશનું કુલ ઉત્પાદન વધે છે. ઉપરાંત આવાં સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળતાં તેઓ આવક મેળવતાં થાય છે. જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનના લાભો સરખા પ્રમાણે વહેંચી શકાય છે. જેને સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ કહે છે.
(10) ઊંચો વિકાસદર :
મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે. તદુપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે. કારણ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલાવા શક્ય હોતા નથી. જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલ હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે. જેથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે. તદુપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપથી શક્ય બને છે. જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દર આપે છે. જે દેશના વિકાસ માટે ખૂબ જરૂરી બાબત છે.