પાઠ : ૧૨ ભારત : ખનીજ અને શક્તિના સંસાધનો
1. આપણા દેશનો આર્થિક વિકાસ શા માટે ઓછો થયો છે?
ઉત્તર :
- માનવનો ખનીજ સાથેનો સંબંધ ગાઢ અને જુનો છે.
- આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે.
- યુ.એસ.એ અને રશિયા ખનીજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસતાઓ બન્યા છે. બંને રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે.
- આપણા દેશમાં પણ ખનીજોના વિપુલ ભંડારો છે. પરંતુ લાંબા સમયથી પરાધિનતા અને ટેક્નિકલ જ્ઞાનના અભાવને લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે.
2. ખનીજની સંકલ્પના સમજાવો.
ઉત્તર :
- કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલ અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનીજ કહેવામાં આવે છે.
- ખનીજ પૃથ્વીના પેટાળમા અનંત કાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે.
- પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનીજ કહે છે.
- તેમાં ઘન સ્વરૂપમાં સોનું, ચાંદી, મેંગેનીઝ, લોખંડ વગેરે ખનિજો, પ્રવાહી સ્વરૂપમાં પારા અને પેટ્રોલિયમનો તથા વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થાય છે.
- પૃથ્વીના પેટાળમાંથી ક્યા પ્રકારનાં ખનીજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે, તેના પર છે. જેમ કે આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવા ખનીજો મળે છે.
- પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના ખનીજો કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ મળે છે. જ્યારે સ્લેટ, આરસપહાણ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે.
3. આધુનિક યુગને ખનીજ યુગ કહે છે. સમજાવો.
ઉત્તર :
- માનવીની વિકાસકૂચમાં ખનીજ સંસાધનોનો મોટો ફાળો છે. ખનીજ એ કુદરતી સંસાધન છે.
- માનવીની વિકાસયાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે જેમકે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને આધુનિક સમયગાળો એટલે અણુયુગ.
- પાષાણયુગમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે.
- માનવનો ખનીજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે.
- આજના સમયમાં ખનીજ એ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે.
- યુ.એસ.એ અને રશિયા ખનીજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસતાઓ બન્યા છે.
- આથી, આધુનિક યુગને ખનીજ યુગ કહે છે.
4. લોખંડ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
ઉત્તર :
- લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ ગણાય છે.
- ટાંકણીથી માંડી મોટા યંત્રો, મોટર ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. વળી, તે સસ્તુ, મજબુત અને ટકાઉ પણ છે.
- મોટાભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે. તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ હોવાથી તેને મહત્વની ખનીજ માનવામાં આવે છે.
- લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે. તેથી તેની કાચી ધાતુને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. તેને ઢાળનું લોખંડ કહે છે.
- ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દુર કરતા જે મળે તેને ઘડતરનું લોખંડ કહે છે.
- ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના ચાર પ્રકાર છે.
- (1) હેમેટાઇટ (2) મેગ્નેટાઇટ (3) લિમોનાઇટ (4) સિડેરાઇટ
- ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તેના પછી ક્રમશ: ઓડિશા, ઝારખંડ, છતીસગઢ અને આંધ્રપ્રદેશમાથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગોવા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તરપ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે.
5. મેંગેનીઝ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે.
- તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગો –બ્લીચીંગ પાવડર, કીટનાશક, સૂકી બેટરી અને ટાઇલ્સ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.
- ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગ, દીવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઇ માટીના વાસણો બનાવવા અને રંગીન ઇંટો બનાવવામાં પણ મેંગેનીઝ ઉપયોગી છે.
- મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબુતાઇ આવે છે.
- ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે.
6. તાંબુ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે.
- માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી. તેના મિશ્રણ થવાના ગુણના કારણે તેનું મહત્વ વધુ છે.
- તેમાં કલાઇ ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે.
- તે વિદ્યુતની સુવાહક ધાતુ છે. તેનો મોટા ભાગે વીજળીના સાધનોમાં ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એરકંડિશનર વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં પણ વપરાય છે.
- ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. આ ઉપરાંત સિક્કિમ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ તાંબું પ્રાપ્ત થાય છે.
7. બોકસાઇટ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. જે સૌ પ્રથમવાર 1821માં ફ્રાન્સના લેસ – બાકસ પાસેથી મળી આવી. બોકસાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે.
- તેના વિશિષ્ટ ગુણોને લીધે તેના વિવિધ ઉપયોગો છે. તે વજનમાં હલકી, મજબુત, ટકાઉ, વિદ્યુત–સુવાહક, કાટ પ્રતિરોધક તેમ જ સહેલાઇથી ટીપી શકાય તેવી ધાતુ છે.
- તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો અને હવાઇ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં થાય છે.
- ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી બોકસાઇટ મળે છે.
- આ ખનીજ ડેકક્નટ્રેપની ભુસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. ઝારખંડના રાંચી, ગુજરાતના જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત અને સાબરકાંઠા જિલ્લામાં બોકસાઇટ મળે છે.
8. અબરખ પર ટૂંક નોંધ લખો.
ઉત્તર :
- વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
- અબરખ અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. જેમકે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઇ જહાજ વગેરેની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે.
- ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે.
9. સીસા પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- સીસાની ધાતુને ગેલેના કહે છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ મિશ્રધાતુ બનાવવા, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર, સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે.
- ભારતમાં સીસું મોટાભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસું મળે છે.
- સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. તેથી તેને વિદેશમાંથી આયાત કરવું પડે છે.
10. ચૂનાના પથ્થર પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- ચૂનાનો ઊપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ, સોડાએશ, સાબુ, રંગ–રસાયણ, મકાન બાંધકામમાં, કાગળ અને ખાંડના શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે.
- દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ છે. આ ઉપરાંત કર્ણાટક, છતીસગઢ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતાં રાજ્યો છે.
- ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લા જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી, ખેડા ગણાય છે. બનાસકાંઠા, મહેસાણાં, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર, રાજકોટ વગેરે જિલ્લાઓ પણ ચૂનાના ખડકો ધરાવે છે. જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે.
11. સંચાલન શક્તિના ખનીજો વિશે માહિતી આપો.
ઉત્તર :
- કોઇપણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનીજો મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે.
- આ ખનીજોમાં કોલસો, ખીનજતેલ, કુદરતી વાયુ અને અણુ ખનીજોનો સમાવેશ થાય છે.
- શક્તિ સંસાધનોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય. જેમ કે પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સંશાધનો તથા વ્યાપારિક અને બિનવ્યાપારિક શક્તિ સંસાધનો.
- કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનીજો પરંપરાગત કે વ્યાપારિક શક્તિ સંસાધનો ગણાય છે. તે પુન: અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે. આ ખનીજોનો ઉપયોગ કરીને વીજળી મેળવાય છે.
- જળઊર્જા, પવનઊર્જા, સૌરઊર્જા, બાયોગેસ, ભૂતાપીયઊર્જા અને ભરતીઊર્જા એ બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. તેને પુન: પ્રાપ્ય સંસાધન પણ ગણી શકાય.
- લક્કડીઓ કોલસો, જલાઉ લાકડું, છાણાં વગેરે બિનવ્યાપારી શક્તિનાં સંસાધનો છે.
12. કોલસો પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- પ્રાચીનકાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે.
- પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય હતું. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હલચલને કારણે આ વનસ્પતિ પૃથ્વીનાં પેટાળમાં દટાઇ. તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બનતત્વ ધરાવતાં વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. તેથી વનસ્પતિમાંથી રૂપાંતરિત થઇને કોલસો બન્યો.
- આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. આ સમય દરમ્યાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતાં તેમાંના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતરણ થતું ગયું.
- વરાળયંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. તેનાથી રેલવે અને આગબોટ જેવાં પરિવહનનાં સાધનોનો ઉપયોગ સરળ બનતો ગયો. વીજળીની શોધથી વિદ્યુતના ઉત્પાદનમાં પણ કોલસો મહત્વનું ખનીજ બનવા લાગ્યો.
- કોલસામાંથી ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ફ્રુડઓઇલ જેવી આડપેદાશો પણ મળે છે.
- કોલસો પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. તેના કાર્બન તત્વના આધારે ચાર પ્રકાર પડે છે.
- (1) એન્થ્રેસાઈટ
- (2) બિટ્યુમિનસ
- (3) લિગ્નાઇટ
- (4) પીટ કોલસો
- ભારતમાં કોલસાના ભંડારો :
- ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ–કાશ્મીર છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાનું ઉત્પાદન થાય છે.
- ગુજરાતમાં ખનીજ કોલસાનાં ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. અહીંથી લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે.
13. ખનીજતેલ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- રેત ખડકો, ચૂનાના ખડકો, શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનીજતેલ મળી આવે છે. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપમાં હતું. આંતરિક હલનચલન થતાં આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઊંચકાતા ગયા. કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક પેટાળમાંથી ઉપર આવતા ગયા.
- ભારતમાં 1866માં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. 1867માં માકુમ(અસમ) ખાતેથી ખનીજતેલ મળી આવ્યું. તેમાં સફળતા પ્રાપ્ત થતાં ભારતમાં અન્ય સ્થળોએ શોધખોળ કરાતા ખનીજતેલના ભંડારો મળી આવ્યા છે.
- ભારતના ખનીજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.
- (1) ઉત્તર પૂર્વના તેલક્ષેત્રો
- (2) ગુજરાતનાં તેલક્ષેત્રો
- (3) બોમ્બે હાઇના તેલક્ષેત્રો
- (4) પૂર્વ કિનારાના તેલક્ષેત્રો
- (5) રાજસ્થાનના તેલક્ષેત્રો
- ગુજરાતનાં તેલક્ષેત્રો :
- આઝાદી બાદ 1958માં ગુજરાતના ખેડા જિલ્લાના લૂણેજ ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું. ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, અને ભાવનગરમાંથી ખનીજતેલ મળી આવેલ છે.
14. ખનીજતેલનું શુદ્ધિકરણ ક્યાં કરવામાં આવે છે?
ઉત્તર :
- ભારતની રિફાઇનરીઓમાં ગુવાહાટી બરૌની, કોયલી, કોચી, ચેન્નઇ, મથુરા, કોલકતા અને હલ્દિયાનો સમાવેશ થાય છે.
- વિશ્વનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતના જામનગરમાં આવેલું છે.
15. કુદરતી વાયુ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- કુદરતી વાયુ એ ખનીજતેલ સાથે સંલગ્ન હોય છે. તેમાંથી છૂટો પડીને તે બહાર નીકળે છે.
- તે પ્રદુષણરહિત ઊર્જાનો સ્ત્રોત ગણાય છે.
- આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસીન, કાવેરી બેસીન તથા જેસલમેરમાં આવેલા છે. ગુજરાતનું અંકલેશ્વર ખનીજતેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે.
16. ઊર્જાના બિનપરંપરાગત સાધનો વિશે માહિતી આપો.
ઉત્તર :
ઉત્તર :
- કોલસો કે ખનીજતેલ જેવા શક્તિનાં સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. તેને લાંબા સમય સુધી બચાવી રાખવા તેના વિકલ્પો શોધવાના પ્રયત્નો શરૂ થયા. તેના વિકલ્પરૂપે પવનઊર્જા, સૌરઊર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ શરુ થયો છે. આ બધા ઊર્જાસ્ત્રોત પુન: પ્રાપ્ય ઊર્જાના સંસાધનો છે. કેટલાક તેને અખૂટ શક્તિ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે.
- વિશ્વના દેશોએ પણ બિનપરંપરાગત ઉર્જા સંસાધનોના ઉપયોગની દિશામાં પગલા લીધા છે. યુ.એસ.એ, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન વગેરે દેશો આ દિશામાં અસરકારક રીતે આગળ વધી રહ્યા છે.
- 1981માં ભારતમાં Commission For Additional Sources of Energy(CASE) ની રચના કરવામાં આવી. ગુજરાતમાં Gujarat Energy Development Agency (GEDA) ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા આ દિશામાં કામ કરી રહી છે.
17. સૌરઊર્જા પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- સૂર્ય પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. તે વર્ષના મોટાભાગના દિવસો દરમ્યાન પ્રકાશિત રહે છે.
- સૌરઊર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે.
- સૌરઊર્જાની ટેક્નોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ થઇ છે.
- સોલર કૂકરનો ઉપયોગ રસોઇ બનાવવા, સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા અને સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
- ગુજરાત, દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય છે.
- ગુજરાત એનર્જી વિકાસ એજન્સી (GEDA)એ છાણી પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે.
- વર્તમાન સમયમાં વીજળી વગરનાં ગામોમાં દીવાબત્તી, ખેતરોમાં સિંચાઇ અને ટી.વી. માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે.
- ગુજરાતના ભૂજ પાસેના માધોપુરમાં દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. દેશમાં સૌરઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે.
18. પવનઊર્જા પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- સૂર્ય પૃથ્વીની સપાટી પર ઉષ્માઊર્જા વરસાવે છે. વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનો ઉદભવે છે.
- આપણા દેશમાં સાગરકિનારે અને ખૂલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવન ઊર્જા મેળવવામાં આવે છે.
- વિશ્વમાં ભારત પવનઊર્જા મેળવતો પાંચમો દેશ બની ગયો છે.
- ભારતમાં પવનઉર્જા મેળવતાં રાજ્યોમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે.
- ગુજરાતમાં જામનગરના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્રકિનારે વિન્ડફાર્મ કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઇ ઊપર પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
19. બાયોગેસ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- બાયોગેસના ઉત્પાદનમાં નકામા કૃષિ પદાર્થો, શેરડીના કુચા, અન્ય વનસ્પતિ, છાણ અને માનવ મળ-મૂત્રનો ઉપયોગ થાય છે.
- આ પદાર્થોના સડવાથી મિથેન વાયુ છૂટો પડે છે. આ વાયુ દહનશીલ છે. તેના ઉપયોગ બાદ વિષાણુ વગરનું કિંમતી ખાતર પ્રાપ્ત થાય છે. આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે.
- બાયોગેસ ઊર્જા મેળવવાનું બિનપરંપરાગત શક્તિસંસાધન છે. સૌરઊર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતનાં ગામડાંઓની પરંપરાગત શૈલીને બદલી શકે તેમ છે. બાયોગેસના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતામાં વધારો તેમજ તેઓની ઘરેલું ઊર્જાની અછતને દૂર કરી શકાય તેમ છે.
- ઉત્તરપ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે.
- ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે.
- અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમ જ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સામુહિક રીતે પણ બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે.
20. ભૂ–તાપીય ઊર્જા ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવાય છે. તેને ભૂ–તાપીય ઊર્જા કહે છે.
- કેટલીકવાર ભૂસપાટી હેઠળ ઉતરેલું ભૂમિગત જળ મેગ્માના સંપર્કમાં આવે છે અને પછીથી વરાળમાં ફેરવાય છે. સમય જતાં ભૂસપાટી પર આવતા ઉષ્ણઝરા અને ઉષ્ણફૂવારા થકી પણ આ ઊર્જા મેળવાય છે.
- ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઇ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઉષ્મા ઊર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે.
21. ભરતી શક્તિ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર :
- સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રોમાં ભરતી-ઓટની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીએ વીજળી મેળવવામાં કર્યો છે. ભરતીના પાણીમાં શક્તિ વધુ હોય છે. તેની સાથે ટર્બાઇન ગોઠવીને વિદ્યુશક્તિ મેળવવામાં આવે છે.
- 1966માં ફ્રાન્સે ભરતી–ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી. ભારતમાં વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઊર્જા મેળવવાની શક્યતા રહેલી છે.
- ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે.
22. ખનીજ સંરક્ષણ શા માટે જરૂરી છે.
ઉત્તર :
- માનવજાતિના અસ્તિત્વ અને વિકાસ માટે ખનીજો જરૂરી છે. આ બાબતે માનવે પોતે પણ વિચાર કરવો આવશ્યક બને છે.
- ખનીજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનીજ સંરક્ષણ.
- દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે નિકાસ વધારવાનો પ્રયત્ન કરે છે. નિકાસ વધારી વિદેશી હૂંડિયામણ મેળવવા ખનીજોનો બેફામ ઉપયોગ કરે છે. તેથી ખનીજ સંરક્ષણ જરૂરી બન્યું છે.
23. ખનીજ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો.
ઉત્તર : (1) યોગ્ય ટેક્નોલોજી ઉપયોગ :
ખનીજો મેળવવા માટે યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનીજો વેડફાઇ જતી અટકાવી શકાય છે.
(2) પુન: ચક્ર :
લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઇના નકામા ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઇએ.
(3) ખનીજનો વૈકલ્પિક ઉપયોગ :
ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પો શોધવા જોઇએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો ઉપયોગ, પેટ્રોલને બદલે સી.એન.જીનો વપરાશ વધારવો જોઇએ.
(4) બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ :
જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઇએ.
(5) પોષણક્ષમ વિકાસ (ટકાઉ વિકાસ):
પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી. પ્રદુષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઇએ.
(6) ખનીજોનો અનુમાનિત જથ્થો :
ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછીથી તેનો આયોજનપૂર્વક ઉપયોગ થાય તો ઘણા લાંબા સમય સુધી તેનો ઉપયોગ થઇ શકે.
1 Comments
ખડકોના પ્રકાર જણાવી તેમાંથી મળતા ખાનીજોના નામ આપો
ReplyDelete