1. ભારતીય અર્થતંત્રની જટિલ સમસ્યાઓ જણાવો.
ઉત્તર : 
ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ, આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તીવધારો, ભાવવધારો, કાળુંનાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે.
જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવવધારો, વસ્તીવધારો છે. 

2. ગરીબી એટલે શું? 
      અથવા
    ગરીબ કોને કહે છે?
ઉત્તર :  સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ મેળવી શકતો ના હોય અને કઠીન પરિસ્થિતિમાં જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને 'વ્યાપક કે દારુણ ગરીબી' કહેવાય છે અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને 'ગરીબ' ગણવામાં આવે છે.

3. ગરીબીરેખાથી નીચે જીવતા લોકોના લક્ષણો સમજાવો.
ઉત્તર : ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબીરેખાથી નીચે જીવતા લોકોનાં સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે.
  • જે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય.
  • રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઇ હોય.
  • ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય.
  • તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય.
  • તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યદરથી પણ ઓછું હોય.
  • જેઓ મોટેભાગે નિરક્ષર હોય.
  • જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના–મોટા રોગોથી પીડાતા હોય.
  • જેમનાં બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામધંધે જવા મજબૂર થવું પડતું હોય.
  • જેમનાં બાળકોનું કુપોષણના લીધે બાળમૃત્યુનું પ્રમાણ ઊચું રહેતું હોય.

4. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવનધોરણ સુધારવા સરકાર કેવા પ્રયત્નો કરે છે?
ઉત્તર : ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો નીચે પ્રમાણે છે.
  • ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવાં કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબ (BPL) કહે છે.
  • સરકારે આવાં કુટુંબોને ઓળખી કાઢીને રેશનકાર્ડ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે.
  • વ્યાજબી ભાવની દુકાન દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડવામાં આવે છે. આ રીતે તેઓનું જીવનધોરણ ઊચું લાવવાના પ્રયાસો થયા છે.
  • ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો.
  • ગરીબીરેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત જીવન જીવવા માટે પ્રતિદિન જરૂરી કેલેરીને આધારે જીવનધોરણની સપાટી નિશ્ચિત કરવામાં આવી છે. જેને ગરીબીરેખા તરીકે ઓળખવામાં આવે છે.

5. ગરીબી રેખા એટલે શું?
જવાબ : 
  • ગરીબીરેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત જીવન જીવવા માટે પ્રતિદિન જરૂરી કેલેરીને આધારે જીવનધોરણની સપાટી નિશ્ચિત કરવામાં આવી છે. જેને ગરીબીરેખા તરીકે ઓળખવામાં આવે છે.

6. ભારતમાં ગરીબીનું માપન શી રીતે થાય છે?
ઉત્તર : ભારતમાં ગરીબીરેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીતો છે :
(1) કોઇ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે
(2) કુંટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે (કુટુંબ માટે વધુમાં વધુ ૫ સભ્યોની સંક્યા નિર્ધારિત છે.)

7. ગરીબીના પ્રકારો જણાવો.
ઉત્તર : 
(1) નિરપેક્ષ ગરીબી :
સમાજના લોકો અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે, તેમ કહેવાય.
(2) સાપેક્ષ ગરીબી :
સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઇ જૂથ અન્ય જૂથ કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે. તેમ કહેવાય.
દા.ત. A. 10,000 B. 20,000 C. 30,000 અહીં ત્રણ વ્યક્તિઓની આવક જુદી જુદી છે. B વ્યક્તિની સાપેક્ષે A વ્યક્તિની આવક ઓછી હોવાથી A વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે C વ્યક્તિની સાપેક્ષે A અને B વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે.

8. ભારતમાં ગરીબીની આંકડાકીય માહીતી આપો.
ઉત્તર : 
  • ભારતમાં વર્ષ 2009-10માં ગરીબીનું પ્રમાણ 29.8% હતું. અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહયા હતા.
  • વિશ્વ બેન્કના અહેવાલ અનુસાર વર્ષ 2010માં ભારતમાં 121 કરોડની વસ્તીમાં 32.7% લોકો એટલે 45.6 કરોડ લોકો ગરીબ હતા.
  • વર્ષ 2011-12માં ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ રૂ. 816 એટલે કે કુટુંબદીઠ રૂ. 4080 અને શહેરીક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ રૂ. 1000 લેખે કુટુંબદીઠ વપરાશી ખર્ચ રૂ.5000નું પ્રમાણ ગરીબીરેખા નક્કી કરવા માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે ભારતમાં ગરીબોનું પ્રમાણ 21.9% એટલે કે 27 કરોડ લોકોનું થયું હતું.
  • વર્ષ 2012માં ગરીબી રેખાની આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી કરવા માથાદીઠ દૈનિક આવક 1.90 $ (ડોલર) નક્કી કરવામાં આવી હતી.
  • UNDPના વર્ષ 2015ના અહેવાલ અનુસાર 2011-12માં ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો એટલે કે 25.7% અને શહેરીક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો 13.7% ગરીબીરેખા નીચે જીવતા હતા.
  • ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. જેમાં ગરીબીનું પ્રમાણ 36.93% છે. 
  • ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે. જ્યાં ગરીબીનું પ્રમાણ 5.09% છે. 
  • ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ16.63% છે. 
  • ભારતમાં ૩૦% થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, અસમ, ઉત્તરપ્રદેશ,મણીપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ તથા ઓડીશાનો સમાવેશ થાય છે.
9. ભારતમાં ગ્રામીણક્ષેત્રે અને શહેરીક્ષેત્રે ગરીબી સમજાવો.
ઉત્તર : 
(1) ગ્રામીણક્ષેત્રે ગરીબી :
ગ્રામીણક્ષેત્રે વસતાં ગરીબોમાં મોટેભાગે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહઉદ્યોગ કે કુટિર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો જનજાતિઓ, કામચલાઉ કારીગરો છે, જેઓ ગરીબીરેખાની નીચે જીવન જીવી રહ્યાં છે.
(2) શહેરીક્ષેત્રે ગરીબી :
શહેરી વિસ્તારમાં વસતાં ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘરનોકર, રીક્ષાચાલક, ચા-નાસ્તાની લારી-ગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યુનતમ જીવનજરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબીમાં સબડી રહ્યાં છે.

10. ભારતમાં ગરીબી ઊદભવવાના કારણો જણાવો.
ઉત્તર : ગરીબીનાં મૂળિયાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલાં જોવા મળે છે, તેનાં કારણો નીચે મુજબ છે:
  • કૃષિક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઇની સવલતોના કારણો કૃષિક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો.
  • ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ.
  • ગ્રામીણક્ષેત્ર અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે.
  • જ્ઞાતિપ્રથા, રૂઢિઓ તથા પરંપરાઓના કારણે રીતરિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે. આમ, બિનઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી.
  • નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે તેમજ માહિતીના અભાવે સરકારી યોજનાઓનો લાભ લઇ શકતા નથી.
  • આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેનાં આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી.
  • રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટયું. અનાજ કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા. જેથી બે ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી.
  • આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટિર અને લઘુઉદ્યોગો ખલાસ થયાં, સ્થાનાંતર વધ્યું, ખેતીની આવક ઘટવાથી.
  • ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચમાં વધારો તેમજ આવક સ્થિર જ રહી, સારવાર-દવા પાછળના ખર્ચા વધવાથી ગરીબી વધી.
  • ટેક્નોલોજીમાં ફેરફારો આવતાં. પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો પડી ભાંગ્યાં. સ્થાનિક બજારો બંધ થયા અને બેકારીના દરમાં વધારો થયો.
  • વસ્તીવૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો-બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતાં ભાવ વધ્યાં. ખરીદશક્તિમાં ઘટાડો થયો, જીવનધોરણ કથળ્યુ. અંતે ગરીબાઈમાં વધારો થયો.
11. સમજાવો : ગામડાંના વિકાસમાં ભારતનો વિકાસ રહેલો છે.
  અથવા
સમજાવો : ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે.

ઉત્તર : અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઇ છે. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્યયોજનાઓમાં ગ્રામીણક્ષેત્રેની ઉપેક્ષા કરવામાં આવી છે.
ભારતીય અર્થતંત્રનું સુવર્ણશિખર ભલેને શહેરોમાં હોય; પરંતુ તેના મૂળિયાં તો ગામડામાં જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો.
ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજીક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાંઓના વિકાસ દ્વારા જ શક્ય છે.
તેથી હવે વર્તમાન સરકારે 'ગ્રામોદયથી ભારત ઉદય'ના કાર્યક્રમો દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિક્ષેત્રનો વિકાસ અને ગૃહઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, લઘુઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતાં ગરીબી ઘટશે.

12. ગરીબી નિવારણની વ્યુહરચના વિસ્તૃત સમજાવો.
ઉત્તર : 
(1) આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં 'ગરીબી હટાવો'ના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ઝોક આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યાં, જેથી શહેરોનો વિકાસ થાય. 
  • બીજી બાજુ ગ્રામીણક્ષેત્રે 'હરિયાળી ક્રાંતિ'ના લક્ષ્ય સાથે જમીનધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતીક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે. અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો ક્રમશ: ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની  સંખ્યા ઘટશે.
(2) સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે ધનિકોની વપરાશી ચીજ-વસ્તુઓ કે સેવાઓ, મોજશોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. 
  • ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ  ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવનજરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી(PDS) હેઠળ 'વાજબી ભાવની દુકાનો'(FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે ઘરઆંગણે પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊચું લાવવાનો વ્યુહ અપનાવ્યો.
  • આમ, ધનિકવર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનનાં સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓનાં ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા.  
  • આમ, ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવનધોરણ પણ સુધરી શકે એવા પ્રયાસો સરકારે હાથ ધર્યા.

(3) ગરીબી નાબૂદી માટે કૃષિક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજતાં સરકારે જમીનધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણક્ષેત્રે જમીનવિહોણા, ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યુહ અપનાવ્યો છે.

(4) સરકારે કૃષિ તેમજ કૃષિ પર આધારિત પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, ગૃહઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લધુઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી.  
  • કૃષિ ક્ષેત્રે વિકાસ માટે નાની-મોટી સિંચાઈ યોજનાઓ લાગુ કરી.
  • યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
  • પરંપરાગત વ્યવસાયો, હાથશાળ અને કુટિર ઉદ્યોગોને માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી.
  • કેટલાક ગૃહઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું.
  • ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે એ હેતુસર  શિક્ષણ, તાલીમ અને કૌશલ્યોમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય.
  • રોજગારીનાં નવાં ક્ષેત્રો ખૂલ્યાં, જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યુહરચનારૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે.
(5) સરકારે ગ્રામીણક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યાં.
  • સિંચાઇ, સડક, પાકસંરક્ષણ, કૌશલ્ય અને તાલીમક્ષેત્રે, ખેતીક્ષેત્રે સુધારાઓ કર્યાં, પાકની વિવિધ જાતો વિકસાવી.
  • બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંકલોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારનાં અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાંઓ ભર્યા.
  • ઘર આંગણે યુવકો માટે રોજગારીનાં ક્ષેત્રો ખોલ્યાં જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે.
  • ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરીને ટેક્નિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી. યુવક-યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી-માફીની સુવિધા આશ્રમશાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં લીધા છે.
  • મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓને કેળવણી માટે આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.

13. ભારતમાં ગરીબીનું પ્રમાણ શા માટે ઘટ્યું નહીં.
  અથવા
સમજાવો : ધનિક ભારતમાં ગરીબો વસે છે.

ઉત્તર : ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમુદ્ધ છે પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે, વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઇ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહિ. તેથી કહેવાય છે કે 'ધનિક ભારતમાં ગરીબો વસે છે.'

14. ભારતમાં ગરીબી નિવારણ કાર્યક્રમ વિસ્તૃત રીતે સમજાવો.
ઉત્તર : ગરીબીનું નિર્મલૂન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબીરેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવકવૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે.
ગરીબી નિર્મૂલન કાર્યક્રમો/યોજનાઓને મુખ્યત્વે પાંચ વિભાગમાં વહેંચી શકાય છે.
(1) વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો
(2) સ્વરોજગારીના કાર્યક્રમો
(3) અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો
(4) સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો
(5) શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો
હાલમાં આ પાંચ ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે. પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ નીચે મુજબ છે.
કૃષિવિકાસ અને સિંચાઇ, સડક, પાકસંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેતપેદાશોનું વેચાણ જેવાં ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યોમાં જોડાઇને ગરીબો રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને તેમની સ્થિતિ સુધરે એ મુખ્ય હેતુ છે.
(A) પ્રધાનમંત્રી કૃષિ 
સિંચાઇ યોજના :
રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઇની સગવડોમાં વધારો કરવો. જમીનને સિંચાઇ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઇ કરવી, પ્રત્યેક ખેતરને પાણી મળે તે માટે નાના, મોટા, મધ્યમ, કદના ચેકડેમ ઊભા કરવા જેવાં અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે.
(B) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના :
આ યોજના અન્વયે ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકશાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. ભાવોની સ્થિરતા માટે 'ક્ષતિયુક્ત કૃષિભાવ પંચ'ની રચના કરી છે.
(C) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ :
આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી, હયાત કેનાલનાં માળખાં સુધારવાં, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશનો નિયંત્રણ જેવાં કાર્યક્રમો અમલમાં મૂક્યાં છે. તેમજ તળાવોનું ખોદકામ, વોટર શેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનીંગ બનાવવી, ઝાડ–છોડ લગાડવાં જેવા નવીનીકરણ અને ચેકડેમનાં પુનરોદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરવામાં આવી છે.
રાજ્ય સરકારે પણ ખેતીક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફપાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેન્ક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે, ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરી છે. અને કેન્દ્ર સરકારની સિંચાઇના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યાં છે.
ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજય સરકાર દ્વારા છેલ્લા દસકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે.
(D) ઈ-નામ યોજના :
આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂત ઓનલાઇન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઇપણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વચેટિયાઓ, દલાલોથી થતા નુકશાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરિફાઇથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે.
(2) ગ્રામોદયથી ભારત ઉદય :
  • આ કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્યપ્રાણીઓથી નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આપવામાં આવે છે.
  • અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેક્નિકથી વરસાદની આગાહી અને ખનીજક્ષેત્ર શોધવાં, જમીનના સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી ખેતીમાં યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસીડી રૂપે સહાય આપવામાં આવે છે.
  • પાણીની ટાંકીના નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવતા સુધારણા, કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટીંગ લેબોરેટરી સ્થાપવી, પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ કરવામાં આવ્યો છે.
  • જળસંગ્રહ માટે જળાશયોમાંથી કાંપ દૂર કરીને ઊંડા કરવા, મોટાં કરવાં, ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને કાંસની સફાઇ અને લંબાઇમાં વધારો કરવો, જલ મંદિરોનું પુન:સ્થાપન અને ચેકડેમોનું રીપેરીંગ અને જળની સંગ્રહણશક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય.
  • આમ, ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસરૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યા છે.
(3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના :
ગ્રામીણક્ષેત્રે કોઇપણ જાતના અવરોધ વિના 24*7 રાત-દિવસ સતત વીજળીનો પુરવઠો પુરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહતદરે વીજળી પૂરી પાડવી, રાજ્યમાં વીજળીની સુવિધા વિનાનાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઇનો, નવાં વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિક્ષેત્રેનાં વીજળીના સાધનોની ખરીદીમાં સબસીડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા, સોલર ટેક્નિક-સાધનો માટે પણ સબસીડી પૂરી પાડવામાં આવી છે.
(4) આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય: 
આદિવાસી મહિલાઓને પશુપાલન માટે 'સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના' હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજીંગની તાલીમ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે. સમરસ છાત્રાલય અને સ્માર્ટ આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી છે.
(5) સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન :
સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાં રજિસ્ટ્રેશનમાં ફી માં સહાય, ખેત સામ્રગીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ-શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવાં પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ યોજનાનો  હેતુ છે.
(6) મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના :
આ યોજના હેઠળ રસ્તાનાં કામોનું આયોજન કરી ગામડાઓ એકબીજા સાથે સડકમાર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી, શૌચાલય બાંધવાના કાર્યો જેવાં રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં છે.
(7) મા અન્નપૂર્ણા યોજના :
'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબરેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબદીઠ પ્રતિમાસ 35 કિગ્રા અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ તથા મધ્યમવર્ગના પરિવારોને સસ્તાદરે પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિગ્રા અનાજ જેમાં ઘઉં 2 રૂ. પ્રતિ કિલો, ચોખા 3 રૂ. પ્રતિ કિલોના ભાવે વાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે જેથી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચશે. જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવાનો યોજનાનો હેતુ છે.
(8) સાંસદ આદર્શ ગ્રામ યોજના :
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદ દ્વારા મતવિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધા સભર 'આદર્શ ગામ'ની રચના દ્વારા સ્થળાંતર અટકાવ
વું. સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી. સારા જીવનની તકોનું નિર્માણ કરવું. ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસનું જતન, સામાજીક સમરસતાનાં કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાનાં પ્રયાસો કરવા, માનવવિકાસમાં વધારો કરવો જેવાં ઉમદાં હેતુઓ રહેલાં છે.
(9) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના :
મનરેગાનો (MNREGA) 'આપણાં ગામમાં આપનું કામ સાથે મળે છે વાજબી દામ' ના સૂત્ર સાથેની ખુબ જ લોકપ્રિય યોજના છે, જેમાં રાજ્યના ગ્રામ વિસ્તારોમાં રહેતાં કુટુંબો કે જેઓ પુખ્તવયના સભ્યો છે (18 વર્ષથી ઉપરના), શારીરિક શ્રમ કરી શકે તેવાં બિનકુશળ કામ કરવા ઇચ્છુક તેવા દરેક કુટુંબની જીવનનિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની (રોજના 7 કલાક) પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે. સરકારે નિર્ધારિત કરેલ વેતનદરે દૈનિક વેતન ચૂકવાય છે. જો કામ માગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને 'બેકારી ભથ્થું' ચૂકવામાં આવે છે. અહીં ગ્રામવિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કૂવા, જમીન સમથળ કરવાનાં કાર્યો, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાનાં 
મજૂરીનાં કાર્યો, ઢોર–છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘાં–બકરી માટેના શેડ, માછલી સૂકવણી યાર્ડ, કેનાલ સફાઇ, જળસંગ્રહના કાર્યો, રસ્તાના વનીકરણ જેવાં અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંહેધરી આપીને તેઓને ગરીબરેખાથી ઉપર લાવીને તેમનાં જીવનસ્તરને સુધારવાનો કાર્યક્રમ છે.
(10) મિશન મંગલમ્ :
મિશન મંગલમ્ દ્વારા સરકારનો હેતુ ગરીબીરેખા નીચે જીવતા પરીવારોની મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણાં, અગરબતી વગેરે જેવાં ગૃહઉદ્યોગના વિકાસ થકી રોજગારી (આજીવિકા) પૂરી પાડીને ગરીબીરેખા ઉપર લાવવાનો છે.
(11) દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના :
 દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોને કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેન્ક લોનની સુવિધા પૂરી પાડે છે.
(12) જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના :
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનામાં ગ્રામીણ વિસ્તારોમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસીડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. 'સ્ટાર્ટ-અપ' ઇન્ડિયામાં નવા આઇડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહિસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
(13) બાજપાઈ બેંકેબલ યોજના :
શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18 થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે.
(14) એગ્રો બિઝનેસ પોલીસી 2016 :
એગ્રો બિઝનેસ પોલીસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય.

15. બેરોજગારીનો અર્થ સમજાવી તેના મુખ્ય સ્વરૂપો લખો.
ઉત્તર : જે પુખ્તવયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષ હોય, જે બજારમાં પ્રવર્તતા વેતનદરે કામ કરવાની ઇચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવાની યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભાગવે છે. તેને ઇચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી કહે છે.
જો કોઇ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતનદર કરતાં વધુ વેતન માંગે, 15 થી 60 વર્ષ વચ્ચેની વયજુથમાં જેનો સમાવેશ ન થયો હોય, અપંગ, અશક્ત, રોગિષ્ટ કે વૃદ્ધ, આળસુ, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતાં ન હોય તેમજ 
ગૃહિણી હોય, તેવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહિ.

બેરોજગારીના મુખ્ય સ્વરૂપો નીચે મુજબ છે :
(1) ઋતુગત બેરોજગારી :
ભારતમાં કૃષિક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે ત્રણથી પાંચ માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે.
(2) ઘર્ષણજન્ય બેરોજગારી :
જૂની ટેક્નોલોજીના સ્થાને નવી ટેક્નોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે. જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.
(3) માળખાગત બેરોજગારી :
ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે.
(4) પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી :
કોઈ કામ ધંધો કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઇ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છૂપા બેરોજગાર કહેવાય.
(5) ઔદ્યોગિક બેરોજગારી :
ઓદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.
(6) શિક્ષિત બેરોજગારી :
ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષત બેરોજગાર કહેવામાં આવે છે.

16. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ સમજાવો.
ઉત્તર : ભારતમાં બેરોજગારીનાં પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચ્છુઓની નોંધણી કરાવવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા થતા નેશનલ સેમ્પલ સર્વે(NSS)ના  આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે.
2011ની વસ્તી ગણતરીએ ભારતમાં 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન શિક્ષિત બેરોજગારો હતા. જેઓની ઉંમર 15 થી 24 વર્ષની છે. તેવાં અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા.
લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013–14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દર હજારે 12 વ્યક્તિઓ (1.2%) બેરોજગાર હતી. ભારતમાં 2009-10માં દર હજારે શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ (3.4%) જ્યારે ગ્રામ વિસ્તારમાં 16 વ્યક્તિઓ (1.6%) બેરોજગાર હતી. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું હતું. 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો હતો.
ભારતમાં સિક્કિમ, કેરલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કશ્મીર, ત્રિપુરા જેવાં રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશ: નીચું રહ્યું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે.

17. ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા કેટલા યુવાનો છે?
ઉત્તર : ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા યુવાનોનું પ્રમાણ 15% જેટલું છે.

18. ભારતમાં યુવાનોનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર :  ભારતની વસ્તીના 66% લોકો 35 વર્ષની વય સુધીના યુવાનો છે.

19. ભારતમાં બેરોજગારીની સમસ્યા ઘેરી બનવા પાછળના જવાબદાર કારણો જણાવો.
ઉત્તર : ભારતમાં બેરોજગારીની સમસ્યા ઘેરી બનવા પાછળનાં જવાબદાર કારણ નીચે મુજબ છે.
(1) વસ્તીમાં વધારો
(2) માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન
(3) પ્રાયોગિક જ્ઞાનનો અભાવ
(4) ટેક્નિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ
(5) પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા
(6) ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતા અને જોખમનું વધુ પ્રમાણ
(7) કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો
(8) કુટિર ઉદ્યોગો, ગૃહઉદ્યોગો અને લઘુઉદ્યોગોની નબળી સ્થિતિ  
(9) સિંચાઇની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસવું પડે
(10) જ્ઞાતિપ્રથા
(11) સંયુક્ત કુટુંબ વ્યવસ્થા
(12) પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે.
(13) શ્રમની અગતિશીલતા
(14) અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસનો અભાવ જ્ઞાન, કૌશલ્ય, તાલીમ, અનુભવની ખામી
(15) માનવશ્રમનું ખામી ભરેલું આયોજન
(16) ઔદ્યોગિક વિકાસનો ધીમો દર
(17) બચતવૃત્તિનો ઓછો દર
(18) મૂડીસર્જન દરમાં ઘટાડો થવો 
(19) પરિણામે નવા ધંધા-ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ ન થઈ શકાય
વગેરે કારણો જવાબદાર છે.

20. ભારતમાં બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની નબળી કડી છે. 
  અથવા
બેરોજગારીની અસરો જણાવો.

ઉત્તર :  
  • બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે.
  • ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. બંને વચ્ચે સમસંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે.  
  • આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે. જેવી કે, તેઓના શિક્ષણ વિશેના રસ–રુચિ અભિગમમાં ઘટાડો થવો, સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરિત અસર પડવી, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ નોકરી ન મળવાને કારણે હતાશામાં ધકેલાઈ જવું જેવી અસરો જોવા મળે છે.
  • જો લાંબા સમય સુધી યુવાનો બેકાર રહે તો તેઓ અસામાજીક કે અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય, જેમકે, માદક દ્રવ્યોની હેરાહેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી–લૂંટફાટ, ખંડણી વસૂલી જેવાં ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે.
  • બેરોજગારીથી સામાજીક અને આર્થિક અસમાનતામાં વધારો થાય, વર્ગભેદ સર્જાય, જીવનધોરણ કથળે, બેકારી સાથે  ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી અને દયનીય  બને, તેઓ માદક દ્રવ્યોના કે અન્ય વ્યસનો તરફ વળે છે.
  • આમ, બેરોજગારીની અસર વ્યક્તિ–કુટુંબ તેમજ અર્થતંત્ર પર અને સામાજીક દ્રષ્ટિએ પણ ધાતક પુરવાર થઈ છે.

21. બેરોજગારી ઘટાડવાના સરકારે લીધેલા અસરકારક ઉપાયો જણાવો.
ઉત્તર : 
(1) ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવાં સર્વગ્રાહી પગલાં ભરવા.
  • જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો.
  • અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહઉદ્યોગો, કુટિર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવાં ક્ષેત્રો ખોલવા જોઈએ. સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય, શિક્ષણ તાલીમનાં કેન્દ્રો શરૂ કર્યા છે.
(2) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતાં એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હાથશાળ અને હસ્તકલા કારીગરીને લગતા હુન્નર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ. તે માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ અમલમાં મુકવામાં આવી છે.
(3) ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, નાની મોટી સિંચાઈ યોજના, ડેમો, ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડકોના બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી સંલગ્ન પ્રવૃત્તિ, મરઘાં-બતકાં, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો  દ્વારા ગ્રામીણક્ષેત્રે ઓછા મૂડી રોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે.
(4) 
  • ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે તો શહેર તરફનું સ્થળાંતર ઘટાડી શકાય અને રોજગારીની માંગ પરનું દબાણ ઘટાડી શકાય.
  • કૃષિક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી-ફળોની ખેતી તરફ વધુ ઝોક આપીને પ્રોત્સાહન આપીને પ્રોત્સાહન આપવું.
  • ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર વધુ ધ્યાન આપવું.
(5) 
  • ગ્રામીણક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેંકિગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર મોજશોખની સવલતોમાં વધારો કરીને જળસંચયની પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
  • સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને, રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે.
(6) શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પુરી પાડવી.
  • કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનિકી શિક્ષણની નીતિ અપનાવવી.
  • શાળા–કોલેજમાં અભ્યાસક્રમો ત્યાનાં સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા.
  • યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યોનો વધારો કરીને, ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે, વધુ આવક મળે અને જીવનસ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો થવા જોઇએ. તેઓને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું.
  • કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને તેને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગાર મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમશક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(7) ભારત સરકારના શ્રમમંત્રાલય અને રાજ્ય સરકારે ઔદ્યોગિક વિકાસની સાથે યુવાનોના જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો 'મેક ઇન ઇન્ડિયા', 'સ્કીલ ઇન્ડિયા' અને 'ડિજિટલ ઇન્ડિયા' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.
  • ટેક્નિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવસીટીની સ્થાપનાઓ દેશભરમાં કરીને તેમને વ્યાવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેક્નોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, શાળા કોલેજોમાં અદ્યતન અભ્યાસક્રમો, વ્યાવસાયિક અને ટેક્નિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો કર્યા છે.
  • હાલમાં દરેક રાજ્યોમાં એક IIT (આઈ.આઈ.ટી.) અને IIM ( આઈ.આઈ.એમ.) જેવી ઉચ્ચસંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.
(8) શ્રમશક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવાં ક્ષેત્રો ખોલ્યાં છે.
  • કમ્પ્યુટર ટેક્નોલોજી, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ફાર્માક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, પેંકીગ અને પ્રોસેસીંગ, આઉટ સોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર-સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો બદલવામાં આવ્યા છે. જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે.
  • શ્રમશક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકાગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિગ, પ્લમ્બરીંગ , રેડિયો, ટી.વી., ફ્રીઝ, મોબાઇલ, એસી રીપેરીંગના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.
  • ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઈલેક્ટ્રોનિકસ, કમ્પ્યુટર સાયન્સ, જીનેટીક સાયન્સ, એરો-સ્પેસ, રોબોર્ટ મેકીંગ ક્ષેત્રે નવા કોર્ષની તાલીમ આપીને કુશળ કારીગરો, ઈજનેરો અને ટેક્નિશિયનો તૈયાર થઈ રહ્યા છે તથા નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા' અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થયા છે.
  • સ્થાનિક ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓના પસ્પરના સંકલન અને સહકાર દ્વારા રોજગારી સર્જન શક્ય બન્યું છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરીને વ્હાઈટકોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદ્રઢ માળખું  ઊભું કરવું જોઇએ.
(9) ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા, નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર-ઉદ્યોગોની શરૂઆત થાય તે આવશ્યક છે.
  • યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિની સાથે મૂડીરોકાણ પણ જરૂરી છે.
  • સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી, પ્રારંભિક ઓછા માર્જિન સાથે યંત્રો, કાચોમાલ કે ઓફિસ ફર્નિચર ખરીદવાં માટે ઓછા વ્યાજના દરે ધિરાણની સલવતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં ભરવામાં આવ્યા છે.
  • ધંધો શરૂ કરવા અને ચલાવવા માટેનું ટેક્નિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું છે.
  • બેંકો, નાણાંકીય સંસ્થાઓએ આર્થિક સહાય, સસ્તી-સરળ લોનની સુવિધાઓ અને સ્થાનિક વેપારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને ગૃહઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી છે.
  • આમ, પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ, જેણે નવા નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજોને વિસ્તારી છે.
(10) રોજગાર વિનિમયકેન્દ્રો રોજગારી શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ–અર્ધકુશળ યુવાનોને કામ આપવા માગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા-પ્રકાર વિશે વિશ્વનીય માહિતી આપે છે. કારર્કિદી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. 
  • આ કેન્દ્રો 'રોજગાર, કારર્કિદી' જેવાં મેગેઝીન અને સામાયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે.
  • 'મોડેલ કેરિયર સેન્ટર' દ્વારા તથા હેલ્પલાઈન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કીલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા જેવી મફત સેવા આપે છે.
  • ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા. જેમાં ડીસેમ્બર ૨૦૧૩માં દેશમાં 468.23 લાખ બરોજગારો અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગારો નોંધાયા હતા
22. વિશ્વ શ્રમબજાર કોને કહેવાય તેની અસરો સમજાવો.
ઉત્તર :  વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. તેને વિશ્વ શ્રમ બજાર કહે છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપારધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે.
  • શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેક્નિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે, વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન ‘બ્રેઈન ડ્રેઈન’ (Brain Drain) એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે.
  • સામાજીક મોભો વધારતું આ દેશાવરગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક રીતે પ્રચલિત થયું છે.
  • બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેક્નિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે.
  • વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતીનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી તક્નિક(IT), સંદેશાવ્યવહાર, ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી કમ્પ્યૂટર ક્ષેત્રે કે દાક્તરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવાની માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરે છે. તેમને આકર્ષવા લોભામણી યુક્તિ-પ્રયુક્તિ અને રીતરસમો અપનાવે છે.
  • ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. જેમકે, આ પ્રકારે વિદેશોમાં નોકરી–ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતાં વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હૂંડિયામણની સમસ્યા કંઇક અંશે હળવી બને છે.