1. ભારતના ઉદ્યોગોની પરંપરા વિશે માહિતી આપો.
ઉત્તર :
 
  • મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોનાં રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે.
  • ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુખીણની સભ્યાતાથી જ ચાલી આવે છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીનાં વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા.
  • અઢારમી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગોમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો.
  • ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુનાં વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી.

2. ભારતના કસબીઓ અને કારીગરો કઇ રીતે બેકાર બન્યા.
ઉત્તર : યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. ત્યાંનાં કારખાનાંમાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્તઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકશાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા.

3. ભારતમાં ઉદ્યોગોનું મહત્વ સમજાવો.
ઉત્તર : 
  • આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે.
  • ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ અસંભવ જ થઈ જાય છે.
  • જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે. તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે.
  • યુ.એસ.એ., રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યાં છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે.
  • ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે.

4. ભારતના ઉદ્યોગની વિકાસયાત્રા પર નોંધ આપો.
ઉત્તર :
  • બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. પરાધિનતા દરમિયાન ભારતમાં ઉદ્યોગોની સ્થાપના આધુનિક પદ્ધતિએ ન થઇ શકી.
  • 1853માં ચારકોલ આધારિત પ્રથમ 'લોહ ગાળણ' ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું પણ તે નિષ્ફળ રહ્યું.
  • સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગનો રહ્યો. 
  • તે પછી 1855માં કોલકતા નજીક રિશરામાં શણનું કારખાનું સ્થપાયું. ત્યાર બાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું જે કેટલાંક વર્ષ પછી બંધ પડ્યું. જે સમય જતાં 1881માં પુન: શરૂ થયું. 
  • 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઇ.

5. ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો.
ઉત્તર : 
  • ઉદ્યોગોને માનવશ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાંક જૂથોમાં વહેંચવામાં આવે છે.
  • શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના ઉદ્યોગ એમ વહેંચી શકાય.
  • જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. દા.ત. સુતરાઉ કાપડ ઉદ્યોગ.
  • જે ઉદ્યોગ કોઇ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. દા.ત. ખાંડસરી ઉદ્યોગ.
  • આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય.
  • કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોનાં જૂથમાં વહેંચી શકાય.
  • આમ, ઉદ્યોગોને ઘણી રીતે વર્ગીકૃત કરી શકાય છે. 

6. સુતરાઉ કાપડ ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
    ભારતની ઔદ્યોગિક અર્થ વ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રથમ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ કૃષિ આધારિત ઉદ્યોગ છે. 
  • દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે.
  • વિશ્વમાં ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે.
  • સુતરાઉ કાપડની મિલો શરૂઆતનાં વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. મુંબઇમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાયા બાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ.
  • સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેનાં બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ.
  • આજે તો સુતરાઉ કાપડની મિલો દેશનાં લગભગ 100 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઇ, અમદાવાદ, ભિવંડી સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઈંદોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે.
  • મહારાષ્ટ્રના મુંબઇમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે. જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે.
  • આ ઉપરાંત પૂણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવાં શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે.
  • ગુજરાતમાં અમદાવાદને 'પૂર્વનું માન્ચેસ્ટર' તથા 'ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા' પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ સ્થપાયેલ છે.
  • તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. આ સાથે ચેન્નઇ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે.
  • ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઈટાવા, આગ્રા, લખનૌ વગેરે મુખ્ય કેન્દ્રો છે. 
  • મધ્ય પ્રદેશમાં ઈંદોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. 
  • પશ્ચિમ બંગાળમાં કોલકત્તા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે.
  • રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. 
  • વ્યાપક બજારક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધાને કારણે આ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ થયું છે.
  • આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
  • ભારત રશિયા, યુનાઇટેડ કિંગ્ડમ, સુદાન, યુ.એસ.એ, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે.

7. શણના કાપડના ઉદ્યોગ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર : 
  • શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે.
  • શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે.
  • શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે.
  • દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10% હિસ્સો ધરાવે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં પણ શણનું ઉત્પાદન વધતા ઓછા પ્રમાણમાં થાય છે.
  • શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે.
  • સસ્તો માનવશ્રમ, બેંક અને વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. 
  • આજે વિવિધ ચીજ વસ્તુના પેકીંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. આ સાથે વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે.
8. રેશમી કાપડ ઉદ્યોગ પર ટૂંકનોંધ લખો.
ઉત્તર : 
  • ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ધ પરંપરા રહી છે.
  • ચીન પછી રેશમનાં ઉત્પાદનમાં ભારતનો બીજો ક્રમ છે.
  • ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. શેતુર, ઈરી, ટસર તથા મૂગા.
  • વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી કાપડ વણવાની મિલો આવેલી છે.
  • કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારાં મુખ્ય રાજ્યો છે.
  • રેશમી વસ્તુની નિકાસ મોટા ભાગે યુરોપ, આફ્રિકા મધ્ય-પૂર્વના દેશોમાં થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુ.એસ.એ., કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે.

9. ઊની કાપડ પર નોંધ લખો.
ઉત્તર : 
  • ભારતમાં કુટિર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો જૂનો છે.
  • સૌથી વધુ ઊની કાપડની મિલો પંજાબમાં છે. ત્યાર બાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે.
  • ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોનાં કેન્દ્રો છે.
  • પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે.
  • રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગાલુરુ મુખ્ય કેન્દ્રો છે.
  • ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે.
  • અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાંસ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થાય છે.

10. કૃત્રિમ કાપડ ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના ગુણધર્મ ધરાવતું હોવાના કારણે આ ઉદ્યોગે પણ સારો વિકાસ કર્યો છે.
  • કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે.
  • કેરલ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
  • સુરત, વડોદરા, કાનપુર, મુંબઇ, અમદાવાદ, કોલકત્તા, ચેન્નઇ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે.
11. ખાંડ ઉદ્યોગ પર ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
  • શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.
  • ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે.
  • શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઇ જાય તે માટે શેરડી વાઢયા પછી ચોવીસ કલાકમાં તેનું પીલાણ કરવું જરૂરી છે, નહિ તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. તેથી ખાંડ તથા ખાંડસરીનાં કારખાનાં તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકનાં સ્થળોએ જ સ્થાપવામાં આવે છે.
  • મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડનાં કારખાનાં છે.
  • ગુજરાતમાં બારડોલી, ગણદેવી, નવસારી, સુરત, સાયણ, વ્યારા, ભરૂચ, કોડિનાર તથા તલાળા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે.

12. કાગળ ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે.
  • આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, તમિલનાડુ વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે.
  • ગુજરાતમાં સુરત, વાપી, અમદાવાદ, રાજકોટ, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે.

13. ખનીજ પર આધારિત ઉદ્યોગ કોને કહેવાય? સમજાવો.
ઉત્તર : જે ઉદ્યોગોમાં કાચામાલ તરીકે ખનીજો વપરાય છે. તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે.
લોખંડ અને પોલાદ ઉદ્યોગ, તાંબું, એલ્યુમિનિયમ, ખાતર 
ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિકસ ઉદ્યોગોનો સમાવેશ ખનીજ આધારિત ઉદ્યોગમાં થાય છે.

14. લોખંડ અને પોલાદ ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોનાં યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય.
  • ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે.
  • દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
  • ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોવામાં સ્થાપાયું. પણ કેટલાંક કારણોસર તે બંધ થઇ ગયું.
  • પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું.
  • 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું.
  • લોખંડ-પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેંનીઝનો કાચામાલ તરીકે ઉપયોગ થાય છે.
  • પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. ભિલાઇ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ-પોલાદનાં કારખાનાં સ્થપાયાં. વિશાખાપટ્ટનમ, બોકારો અને સેલમમાં પણ આધુનિક અને મોટાં કારખાનાં સ્થાપવામાં આવ્યાં.
  • ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે.
  • ટાટા સિવાયના લોખંડ-પોલાદના કારખાનાનો વહીવટ, 'સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ(SAIL)' ને સોંપવામાં આવ્યો છે.
  • લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.

15. એલ્યુમિનિયમ ગાળણ પર નોંધ લખો.
ઉત્તર : 
  • લોખંડ–પોલાદ પછી મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટિપાઉપણુ, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે.
  • બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે.
  • એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં આવે છે.
  • એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. આથી જ્યાં બોક્સાઇટ, જળવિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગ સ્થપાયા છે.
  • ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરલ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતાં કારખાનાં સ્થપાયાં છે.

16. તાંબુ ગાળણ ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે.
  • વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એ.સી., ઓટો મોબાઇલ, રેડિયેટર, ઘર વપરાશનાં વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે.
  • ભારતમાં સૌ પ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ(ICC) દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો.
  • 1972માં ભારતીય તાંબા નિગમને હિદુસ્તાન કોપર લિમિટેડ(HCL) અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિંદુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાત પૂરતું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે.
17. રસાયણ ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે.
  • રસાયણો બે પ્રકારના છે. કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણ.
  • કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રોરસાયણ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટીકની વસ્તુઓ, રંગ, રસાયણ તથા દવાઓમાં થાય છે.
  • કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનીજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, ક્લોરિન, કોસ્ટીક સોડા વગેરેનો સમાવેશ થાય છે.
  • જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે.
  • રસાયણ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે.
  • અમદાવાદ, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા વગેરે રસાયણ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.

18. રાસાયણિક ખાતર ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું. આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કાર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો.
  • ગુજરાત, તમિલનાડુ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને કેરલમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે. 
  • ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરનાં કારખાનાં આવેલાં છે.

19. પ્લાસ્ટિક ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • પ્લાસ્ટિક ઉદ્યોગને Sunrise Industry પણ કહે છે.
  • દેશમાં દર વર્ષે ઉત્તરોતર પ્લાસ્ટિકના કાચામાલની માંગમાં વધારો થતો રહ્યો છે.
  • વોટર પ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ રસાયણોના સંચયન, ટેક્સટાઈલ મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.
  • દિલ્લી, મુંબઇ, કોલકાતા, બેંગાલુરુ, વાપી, વડોદરા, કાનપુર, કોઇમ્બતુર, ચેન્નઇ પ્લાસ્ટિક ઉત્પાદનનાં મહત્વનાં કેન્દ્રો છે.  
20. સિમેન્ટ ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • મકાન-બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે.
  • ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. ભારત વિશ્વના આશરે 6% સિમેન્ટ ઉત્પાદન કરતો દેશ બન્યો છે.
  • ચૂનાના પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇડ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. કાચોમાલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટનાં કારખાનાં જ્યાં કાચોમાલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાયાં છે.
  • ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે.

21. રેલવે ઉપકરણ પર નોંધ લખો.
ઉત્તર : 
  • ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે.
  • રેલ્વે પોતાની જરૂરિયાતનાં ઉપકરણો જેવાં કે રેલવે એન્જિન, માલગાડીના ડબા, મુસાફરોના ડબા વગેરે જાતે જ તૈયાર કરે છે. આ ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન કરવામાં આવે છે.
  • રેલવે એન્જિન ત્રણ પ્રકારનાં છે: વરાળ, ડિઝલ અને વિદ્યુત.
  • વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે.
  • ડિઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળનાં મિહિજામમાં ચિતરંજન લોકોમોટિવ વર્કસ, વારાણસીમાં ડિઝલ લોકોમોટિવ વર્કસમાં તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કસમાં થાય છે.
  • મુસાફરો માટેના ડબા પેરામ્બૂર, બેંગાલુરુ, કપુરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેનાં પાટા, એન્જિન પાર્ટસ વ્હીલ વગેરેનાં કારખાનાં પણ છે.
  • આપણે રેલવેનાં એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ.

22. સડક વાહનો પર નોંધ લખો.
ઉત્તર : 
  • સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. હવે તો ટ્રક, બસ, કાર, સાયકલ, મોટર, સ્કૂટર તથા મોટર સાઇકલ બનાવવાનાં કારખાનાં દેશમાં જ સ્થપાયાં છે.
  • સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે.
  • વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે.
  • આજે ભારતમાં તૈયાર થતાં વાહનો તથા તેના જુદા-જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.
  • ટ્રેક્ટર તથા સાઇકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેની નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ.

23. જહાજ બાંધવાના ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે. પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાનાં મુખ્ય પાંચ કેન્દ્રો છે. વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઇ, માર્મગોવા જે જાહેરક્ષેત્રનાં એકમો છે.
  • કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે.
  • હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે.
  • સૈન્યની જરૂરિયાતો માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ એન લખનૌમાં હવાઇ જહાજના ઉદ્યોગોનાં એકમો સ્થાપવામાં આવ્યાં છે.
  • ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેનાં હવાઇ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી.

24. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ પર નોંધ લખો.
ઉત્તર : 
  • રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઇ જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય.
  • ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (B.E.L.) બેંગલુરુમાં સ્થપાઇ. જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે BEL ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ કરી ઘણાં જ ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ કરે છે.
  • આ ઉદ્યોગે સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે.
  • કમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. બેંગલુરુ આ ઉદ્યોગની રાજધાની છે. તેને ભારતની 'સિલિકોન વેલી' કહેવાય છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે.
  • ભારતમાં આ ઉદ્યોગોનું ભાવિ આશાસ્પદ છે.

25. ઔદ્યોગિક પ્રદુષણ અને પર્યાવરણીય અતિક્રમણ પર ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
  • દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
  • ઉદ્યોગો ના કારણે પ્રદુષણમાં વધારો થયો છે. અને પર્યાવરણનું અતિક્રમણ પણ થયું છે.
  • કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય.
  • ઉદ્યોગ થકી મુખ્યત્વે ચાર પ્રકારનાં પ્રદુષણો જોવા મળે છે: હવા પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ, ભૂમિ કે જમીન પ્રદુષણ, જળ પ્રદુષણ.
  • આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદુષિત કર્યા છે.
  • કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકશાનકારક વાયુઓના કારણે હવા પ્રદુષિત બની છે.
  • ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદુષણ વધ્યું છે.
  • આજે ઘણાં કારખાનાં નિયમોને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. જેને કારણે પાણી અતિદૂષિત બન્યું છે.
  • ધ્વનિ પ્રદુષણ માનવજીવન માટે બહેરાશનું એક કારણ છે.
  • ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનનાં સાધનોના કારણે અવાજનું પ્રદુષણ વધ્યું છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે.

27. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો જણાવો.
ઉત્તર :
  • દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસને આગળ વધારવાનો છે.
  • ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદુષણની માત્રા ઘટાડી શકાય તેમ છે.
  • ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદુષણ ઓછું કરી શકાય છે.
  • હવામાં ઉત્સર્જિત થતા પ્રદુષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય.
  • ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતાં પહેલાં શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે.