પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
(1) બાના હદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર -
ઘરમાં ફક્ત વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ જ રહે છે. માત્ર દિવાળીની રજાઓમાં ઘરનું વાતાવરણ બાનાં પુત્રો , પુત્રવધુઓ તથા તેમના સંતાનોથી હર્યુભર્યુ અને આનંદકિલ્લોલથી ગુંજી ઊઠે છે. બાની ખુશી સમાતી નથી. રજાઓ પૂરી થતા બા સવારે પોતાના મોટા પુત્રને તેના કુટુંબ સહીત વળાવી આવે છે. બપોરે બા એના નાના બે પુત્રોને અને તેમની નવપરિણીત પુત્રવધુઓને વળાવીને પાછી આવે છે. બાથી સંતાનોના વિયોગની વેદના સહન થતી નથી અને તે ઘરમાં દાખલ થતાં જ પગથીયે બેસી પડે છે. આમ, ‘વળાવી બા આવી’ કાવ્યમાં કવિએ બાનો એમનાં સંતાનો પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે.

(2) વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે?
ઉત્તર 
- વિદાય ની આગલી રાતે વડીલોનું મન વિરહના દુઃખમાં ડૂબેલું હતું. પુત્રો પુત્રવધૂઓ અને તેમના બાળકો માટે આનંદની ક્ષણો માણી રહેલા વડીલો માટે તેમની સાથે વ્યતીત કરવાની છેલ્લી રાત હતી. પછી બધા પોતાના પરિવાર સાથે ધંધાર્થે રવાના થઇ જશે. ઘર ખાલી થઈ જશે. અને ફરી પાછી જીવનમાં એકલતા આવશે.

(3) ગઈ અર્ધી વસ્તી એવું કવિ કેમ કહે છે?
ઉત્તર - ત્રણ ભાઈઓમાં નાના બે ભાઈઓ નવપરણિત છે. જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે દિવાળીની રજાઓ પૂરી થતા, સવારે આ મોટાભાઈ તેમની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી કુટુંબની અર્ધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ ગઈ અર્ધી વસ્તી એમ કહે છે.

(4) વાત્સલ્યમૂર્તિ મા વિશે દસ બાર વાક્યો લખો.
ઉત્તર - મા શબ્દ પ્રેમ મમતા અને વાત્સલ્ય થી ભરેલો છે. આ શબ્દમાં નર્યો નીતરતો સ્નેહ કવિ શ્રી બોટાદકર ની આ પંક્તિમાં જોવા મળે છે. "ગંગાના નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ જો... જનનીની જોડ"
બાળકો માટે સર્વસ્વ ન્યોછાવર કરતી માં માનવ જીવનમાં જ નહિ પરંતુ પ્રાણી જગતમાં પણ અજોડ છે. પોતાના સંતાનોને દરેક મુશ્કેલીમાંથી બચાવવા માટે તે ગમે તેવી મહા મુસીબત સાથે પણ બાથ ભીડી લે છે. માનો પ્રેમ જેઠની ગરમીમાં શ્રાવણ નો અનુભવ કરાવે છે. તેથી જ તો કહ્યું છે મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તની સ્થિતિ કેવી હતી?
અથવા
વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે?
ઉત્તર –
વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમનાં સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતાં રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું.

(2) ‘ગઈ અર્ધી વસ્તી’ એમ કવિ શા માટે કહે છે?
ઉત્તર –
ત્રણ ભાઈઓમાંથી નાના બે ભાઈઓ નવપરિણીતા છે, જયારે સૌથી મોટા ભાઇને સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે. આથી કવિ ‘ગઈ અર્ધી વસ્તી’ એમ કહે છે.

(3) માતા વિષયક સુવિચારો કહેવતો અને પ્રચલિત પંક્તિઓ મેળવીને તમારી નોટબુકમાં લખો
ઉત્તર - "માં તે માં બીજા બધા વગડાના વા"
         "વાત્સલ્યમૂર્તિ એટલે માં"
         " માં જોવું હોય તો જીવન મધુરુ એના વગર બધું અધૂરું"


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ?
ઉત્તર –
દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું. ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું.

(2) ઘર શાંત કેમ થઈ ગયું?
ઉત્તર –
સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અર્ધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું.

(3) વિદાઈ થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો.
ઉત્તર –
વિદાય થતાં ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓજ હતી.

(4) ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું?
ઉત્તર –
ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતાં બાનાં સંતાનોને એમનાં પરિવાર સાથે પાછા જવાનું હતું.

(5) વૃદ્ધજનોના નશીબમાં શું લખાયું હતું? શા માટે?
ઉત્તર –
વૃદ્ધજનોના નશીબમાં સંતાનોનો વિરહ લખાયો હતો ; કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતાં હતાં. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું.

(6) બધાંને વળાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ?
અથવા
બા પગથિયાં પર કેવી રીતે બેસી ગયાં?
ઉત્તર –
પોતાનાં બધાં સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયાં પર જ બેસી ગઈ.


પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
1. વળાવી બા આવી કાવ્ય ના કવિ નું નામ જણાવો .
જવાબ:વળાવી બા આવી કાવ્ય ના કવિ નું નામ ઉશનસ્ છે.

2. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું?
જવાબ:ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ હતું કે, ધંધાર્થે દૂર વસતા સંતાનો દિવાળી વેકેશન પૂરું થતા પોતાના પરિવાર સાથે પાછા જવાના હતા.

3. દિવાળી વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી?
જવાબ:દિવાળી વેકેશનમાં બા નુ ઘર એમના પુત્રો પુત્ર વધુ તથા બાળકો થી હર્યુભર્યું અને આનંદ કિલ્લોલ થી ગુંજતું હતું.

4. કાવ્યમાં માતા-પિતા માટે કયો શબ્દ વપરાયો છે?
જવાબ: કાવ્યમાં માતા-પિતા માટે જનક -જનની શબ્દ વપરાયો છે.

5. કાવ્યમાં વપરાયેલા ગંગાસ્વરૂપ શબ્દ નો અર્થ જણાવો.
જવાબ: ગંગા સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ વપરાતું વિશેષણ. વિધવા ના નામ પૂર્વે ગંગાસ્વરૂપ લખાય છે.

6. કાવ્યમાં ઘરડા વડીલો માટે કયો શબ્દ વપરાય છે?
જવાબ:કાવ્યમાં ઘરડા વડીલો માટે 'જરઠ' શબ્દ વપરાય છે.

7. માતા-પિતા અને વૃદ્ધ ફોઈના નસીબમાં શું લખાયું હતું? શામાટે ?
જવાબ:માતા-પિતા અને વૃદ્ધ ફોઈના નસીબ માં વિરહ લખાયો હતો. કારણકે ધંધાથી દૂર વસતા સંતાનો રજાઓમાં આવીને જતા રહે છે. આથી એમણે વૃદ્ધાવસ્થા દરમ્યાન એકાંકી જીવન વિતાવવાનું હતું.

8 વિદાય થતાં ભાઈઓની પત્ની વિષે કવિએ શી ઉપમા આપી છે.
જવાબ:વિદાય થતા ભાઈઓ ની પત્નીઓ વિશે કવિએ, 'પ્રિયવચનમંદસ્મિતવતી' એવી ઉપમા આપે છે

9. વિદાય લઈ રહેલા ભાઈઓ ના પરિવારનો પરિચય આપો.
જવાબ:વિદાય લઈ રહેલા ભાઈઓ ની સંખ્યા ત્રણ છે. સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો છે. જ્યારે બીજા બે નાના ભાઈઓ ના કુટુંબમાં તેમને નવપરણિત પત્નીઓ છે.

10. કાવ્યમાં નવપરણિત પત્નીઓ માટે કયો શબ્દ વપરાયો છે?
જવાબ:કાવ્યમાં નવપરણિત પત્નીઓ માટે નવોઢા શબ્દ વપરાયો છે.

11. બધાને વળાવીને પાછી ફરેલી બા ની સ્થિતિ કેવી થઈ?
જવાબ: બધાને પોતાના સંતાનોને વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહ ના દુઃખથી ભાંગી પડી. અને ઘરના પગથિયા પર બેસી ગઈ.

12. ગૃહ વ્યાપી વિરહ જોઇ બા ક્યાં બેસી પડી?
જવાબ : ગૃહ વ્યાપી વિરહ જોઈ બા ઘરના પગથીયે જ બેસી પડી.

(13) સંતાનો પાછાં વિદાય કેમ થાય છે?
ઉત્તર – દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતાં સંતાનો પાછાં વિદાય થાય છે.

(14) ‘સદાનાં ગંગામાસ્વરૂપ’ શબ્દો શું સૂચવે છે?
ઉત્તર -
‘સદાનાં ગંગામાસ્વરૂપ’ શબ્દો સૂચવે છે કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલાં હતાં.

(15) ‘નવોઢા ભાર્યાઓ’ એટલે કોણ?
ઉત્તર -
‘નવોઢા ભાર્યાઓ’ એટલે નાના બે ભાઈઓની નવપરિણીત પત્નીઓ.

પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) ઘરમાં કોણ કોણ રહેતાં હતાં?
ઉત્તર –
વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ

(2) સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે?
ઉત્તર –
ધંધાર્થે

(3) ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે; કારણ કે.........
ઉત્તર –
દિવાળીની રજાઓ પૂરી થઈ છે.

(4) ભાભીનું ભર્યું ઘર..........એટલે શું?
ઉત્તર –
પરિવાર સાથેનું ઘર

(5) નાના બે ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા?
ઉત્તર –
પોતાની નવપરિણીત પત્નીઓને

(6) સંતાનોને કોણ વળાવવા ગયું?
ઉત્તર –
બા

(7) ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું?
ઉત્તર –
વિરહ

(8) ઘરમાં વિરહ વ્યાપેલો જોઇને બા ક્યાં બેસી પડી?
ઉત્તર –
પગથિયે

(9) કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો.
ઉત્તર –
ઉશનસ

(10) વળાવી બા આવી કાવ્ય નો સાહિત્ય પ્રકાર જણાવો.
ઉત્તર
- સોનેટ  

(11) ભાભી એ પોતાનો વસાવેલું ઘર એટલે શું?
ઉત્તર - પરિવારનું ઘર 

પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) સદાનાં ગંગામાંસ્વરૂપ ........... ફોઈ.
ઉત્તર –
ઘરડાં

(2) ............ જોયો વિરહ, પડી બેસી પગથિયે.
ઉત્તર –
ગૃહવ્યાપી

(3) નિહાળ્યો સૌ વચ્ચે ............ કરી બેઠો નિજ જગા.
ઉત્તર –
નિયત

પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) રજાઓ ઉનાળા તણી થઈ પૂરી.
ઉત્તર –
ખોટું

(2) લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ.
ઉત્તર –
ખરું

(3) વસેલાં શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજનાં.
ઉત્તર –
ખોટું

પ્રશ્ન 8. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો.
(1) સવારે ભાભીનું ....................................... પ્રિયવચનમંદસ્મિતવતી.
ઉત્તર –
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું.
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની,
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી.

(2) રજાઓ દિવાળી તણી...... જનક જનનીને ઘર તણા,
ઉત્તર - રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી,
દાડા ઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજના,
જવાના કાલે તો; જનક જનનીને ઘર તણા.

પ્રશ્ન 9. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો.
(1) વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
ઉત્તર –
ધંધાર્થે દૂર દૂર વસતાં સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમનાં માતાપિતા અને ફોઈને મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાના સંતાનોને વળાવીને આવે છે. ઘરમાં અને વૃદ્ધજનોનાં જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી. આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતાં પગથિયે જ બેસી પડે છે.
આ પંક્તિઓ માના વાત્સલ્યભાવને પ્રગટ કરે છે.

પ્રશ્ન 10. નીચેનાં વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો.
(1) સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.
ઉત્તર –
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,

(2) કાલે તો જવાનાં ઘર તણાં જનકજનની ને.
ઉત્તર -
જવાનાં કાલે તો; જનકજનની ને ઘર તણાં,

(3) આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી.
ઉત્તર –
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,

(4) નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો.
ઉત્તર –
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,

(5) ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.
ઉત્તર –
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,

(6) ભાર્યા ઓ નવોઢા પ્રિયવચનમંદસ્મિતવતી; 
ઉત્તર - નવોઢા ભાર્યાઓ, પ્રિયવચનમંદસ્મિતવતી;

(7) જોયો ગૃહ વ્યાપી પડી વિરહ બેસી પગથિયે 
ઉત્તર - ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે.

                                                   * અન્ય પ્રશ્નોતર *

(1) બાને મુકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે? વિચારીને ચર્ચા કરો.
ઉત્તર –
બાને મુકીને જતા ભાઈઓને માતાપિતા તથા ફોઈને છોડીને જતાં દુઃખ જરૂર થયું હશે, પણ તેમને બા જેવી વેદના નહિ અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃતિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી.

* વ્યાકરણ *
પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના બે-બે સમાનર્થી શબ્દો લખો.
(1) જનની = માતા, જનેતા
(2) રજની = રાત્રિ, નિશા
(3) ભાર્યા = પત્ની, વધૂ
(4) જરઠ = ઘરડું, વૃદ્ધ
(5) નવોઢા = નવપરિણીત, નવવધુ
(6) જનક = પિતા, તાત
(7) ધંધો = વ્યવસાય, વ્યાપાર
(8) સ્મિત = હાસ્ય, મલકાટ
(9) દહાડો = દિન, દિવસ
(10) પ્રાતઃકાલ = પ્રભાત, સવાર
(11) ગૃહ = ઘર, મકાન

પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) મિલન * વિરહ
(2) નિયત * અનિયત
(3) પ્રિય * અપ્રિય
(4) મંદ * તીવ્ર
(5) સ્મિત * રુદન
(6) સવાર * સાંજ
(7) શાંતિ * અશાંતિ
(8) માતા * પિતા
(9) ઘરડું * યુવાન

પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

(1) સંતાન, બપોરે, પગથિયું, દિવાળી, ગંગામાસ્વરૂપ
ઉત્તર – ગંગામાસ્વરૂપ, દિવાળી, પગથિયું, બપોરે, સંતાન

(2) જનક ,પ્રથમ ,દિવાળી ,સંતાન ,બપોર, ગંગાસ્વરૂપ, પગથિયું 
ઉત્તર - ગંગા ,સ્વરૂપ ,જનક, દિવાળી, પગથિયું બપોર , સંતાન

પ્રશ્ન 4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) નવી પરણેલી સ્ત્રી - ......................
ઉત્તર –
નવોઢા

(2) પ્રિય વચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી - ..................
ઉત્તર
– પ્રિયવચનમંદસ્મિતવતી

(3) વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ - ..................
ઉત્તર
– ગંગાસ્વરૂપ

(4) એક પછી એક - ..............
ઉત્તર - ક્રમશ

પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) દીવાળી
ઉત્તર –
દિવાળી

(2) ધંધારથે
ઉત્તર –
ધંધાર્થે

(3) મંદસ્મીતવતિ
ઉત્તર –
મંદસ્મિતવતી

(4) ગ્રહવિયાપી
ઉત્તર –
ગૃહવ્યાપી