(1) વસંતનો વૈભવ
ઉત્તર – વસંતઋતુ આવતાં જ એનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે. સીમખેતરમાં શિયાળુ પાક ઘઉં-ચણાની કાપણી કરતાં લોકો દેખાય છે. વસંતઋતુમાં કોયલ ડાળ પર બેસી મીઠા ટહુકા કરે છે અને આંબે-આંબે કેરીઓ ઝૂલે છે. કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી પણ તરસ્યું-તરસ્યું બોલ્યાં કરે છે. હવામાં સેલ્લારા લઈને ઊડતાં બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોરને જોવાની મજા આવે છે. વૃક્ષોના પાંદડાં પવનમાં કેવું ‘મર્મર મર્મર’ બોલે છે. ફૂલો એ વૃક્ષોની કવિતા છે. કેસુડાંનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે. શીમળો રાતાંગલ ફૂલોથી એવો ઊભરાય જાય છે કે એમાં જઇને કાગડો બેસે તો એ પણ રાતોચોળ થઈ જાય. ઘરના માંડવે મધુમાલતી અને કૂંડામાં મોગરા મહોરે છે. એની સુગંધની લહેર છાતીને અને મગજનેય તરબતર કરી દે છે.
(2) માતૃભાષાનો મહિમા
ઉત્તર – માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે. એમાં આપણા જીવનની પરંપરાઓ – રૂઢિઓ બધું શબ્દે-શબ્દે સંઘરેલું છે. આપણને જન્મ આપનારી મા, માની ભાષા તે માતૃભાષા અને આ અનાજ પકવીને પોષનારી ને વૃક્ષો-વનરાજીને ખીલવનારી ધરતીમાતા – માટી. આ ત્રણેનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આપણે માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષા હૈયે હોવાથી એ તરત હોઠે ચડે છે. પ્રેમ કરવો, થોડો કજિયો કરીને રિસાવું-રડવું, કિટ્ટા કરવી કે વહાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે. વળી, માતૃભાષાના તળપદા શબ્દોની મીઠાશ અનેરી છે. માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે.
(3) ભણતરનું મધ્યમ તો માતૃભાષા જ!
ઉત્તર – આ વિધાનમાં માતૃભાષાનું મહત્વ પ્રગટ થયું છે. વ્યક્તિને માતૃભાષા ગળથૂથીમાંથી મળે છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથવગી હોય છે. આપણી માતૃભાષામાં સગાં-વહાલાંના વિવિધ સંબંધો સૂચવતા કેટલા બધા અલગ-અલગ શબ્દો છે! આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે. વળી, ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય છે. ગુજરાતી ભાષાની અનેક કવિતાઓ, દુહા, સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈ જુદી છે. આપણી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં વટથી વ્યક્ત કરી શકાય છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) હોળી-ધુળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે?
ઉત્તર - હોળી-ધુળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે. વસંતઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે. સીમખેતરમાં શિયાળુ પાક ઘઉં-ચણાની કાપણી કરતાં લોકો દેખાય છે. લગનગાળો આવવાનો હોય એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે.
(2) અનન્યાને વસંતઋતુ કેમ ગમે છે?
ઉત્તર – વસંતઋતુમાં કોયલ બોલે છે ને આંબે કેરીઓ ઝૂલે છે. આ ઋતુમાં કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી તરસ્યું-તરસ્યું બોલતાં હોય છે. હવામાં સેલ્લારા લઈને ઊડતાં બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોરને પણ જોવાની મજા આવે છે. આથી અનન્યાને વસંતઋતુ ગમે છે.
(3) કઈ ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે? શા માટે?
ઉત્તર – આપણી મા, માની ભાષા એટલે માતૃભાષા અને ધરતીમાતા-માટી. આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે; કારણ કે મા આપણને જન્મ આપે છે. માની ભાષા એટલે માતૃભાષા લોહીના લયમાંથી પ્રગટે છે અને આપણને આગળ લઈ જાય છે. ધરતીમાતા-માટી અનાજ પકવીને આપણને પોષે છે અને વૃક્ષો વનરાજીને ખીલવે છે.
(4) અંગ્રેજી ભાષા અને માતૃભાષા અંગે ગાંધીજીએ શું કહ્યું છે?
ઉત્તર – ગાંધીજીએ કહ્યું છે કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જોકે, આજેય લોકો અંગ્રેજી ભાષાના મોહમાં અંધ છે, તેઓ અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી.
(5) ગુજરાતી ભાષામાં રમાતી રમતો સદ્રષ્ટાંત સમજાવો.
ઉત્તર – ગુજરાતી ભાષામાં બાળકો કેટલીક શબ્દરમતો રમે છે. એક રમતમાં કેટલાંક વાક્યો કે કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તોપણ એક જ અર્થ મળે છે. દા.ત., લીમડી ગામે ગાડી મલી!, જા રે બાવા બારેજા!, નવજીવન અને મળયાળમ. આવી જ શબ્દરમતો શબ્દોને કે સમૂહોને જોડીતોડીને કરવામાં મજા આવે છે.
(6) જયદેવકાકા માતૃભાષા વિશે શું કહે છે?
ઉત્તર – જયદેવકાકા માતૃભાષા વિશે કહે છે કે- (1) આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. (2) આપણને સ્વપ્નાં પણ માતૃભાષામાં જ આવે છે. (3) માતૃભાષા હૈયે હોય છે એટલે તરત જ હોઠે આવે છે. (4) માતૃભાષા હાથ કરતાં પણ વધુ હાથવગી છે.
(7) કઈ બાબતમાં માતૃભાષા અંગ્રેજી ભાષા કરતાં ચડિયાતી છે?
ઉત્તર – અંગ્રેજી ભાષામાં સગાં-વહાલાં સાથેના સંબંધો દર્શાવતાં અલગ-અલગ શબ્દો નથી, જયારે માતૃભાષામાં આને માટે અનેક શબ્દો છે. જેમ કે, માસા-માસી, મામા-મામી, ફોઈ-ફુવા, બહેન-બનેવી, નણંદ-નણદોઈ, કાકા-કાકી, સાસુ-સસરા, સાળાવેલી, ભાઈ-ભોજાઈ, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી વગેરે.
(8) જુદાં જુદાં પશુ બોલે છે એનાં ગુજરાતીમાં ક્યાં ક્યાં ક્રિયારૂપો છે?
ઉત્તર - જુદાં જુદાં પશુ બોલે છે એનાં ગુજરાતીમાં વિવિધ ક્રિયારૂપો: ભેંસ રેંકે, ગાય ભાંભરે, બળદ બાંગડે, શિયાળ લાળી કરે, કૂતરું ભસે, બકરી બેં બેં કરે, ઊંટ ગાંગરે, ગધેડું ભૂંકે, ઘોડો હણહણે, વાઘ ત્રાડ પાડે, સિંહ ગર્જે અને હાથી રણકે.
(9) અનન્યા રજાઓમાં શું શું કરવાની વાત કરે છે?
ઉત્તર – બહેન અને ભાઈ બંનેને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા-સાંભળવા છે. બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે. વિજ્ઞાનકથાઓ પણ ઉકેલવી છે, રાત્રે તારાઓ ઓળખવા છે ને સીમવગડામાં જઈ ઝાડવાં અને પંખીઓ પણ ઓળખવાં છે. રજાઓમાં અરવભાઈ આવે તો અનન્યા આ બધું કરવાની વાત કરે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) બહેન બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવે છે?
ઉત્તર – બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોનચંપાનાં ફૂલો જાણે એને તાકી રહે છે. ટગરી પણ એની સામે ટગરટગર જુએ છે ને હજારીગલ એને બોલાવે છે.
(2) માતૃભાષાની શી વિશિષ્ટતા છે?
ઉત્તર – માતૃભાષાની વિશિષ્ટતા એ છે કે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ-રૂઢિઓ બધું માતૃભાષાના શબ્દે-શબ્દે સંઘરેલું છે.
(3) રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતાં શું કહે છે?
ઉત્તર - રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતાં કહે છે કે, માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે – મજબૂત બનાવે છે.
(4) માતૃભાષાના વિશ્વકોશ વિશે જણાવો.
ઉત્તર – માતૃભાષાનો વિશ્વકોશ 25 ભાગમાં પ્રસિદ્ધ થયો છે. એમાં જ્ઞાનનો ભંડાર ભર્યો છે. એમાં દુનિયાભરનું જ્ઞાન સમાયેલું છે. જેને ગુજરાતી ભાષા આવડે છે તેને વિશ્વકોશમાંથી બધા જ વિષયોનું જ્ઞાન મળી રહે છે.
(5) આ પાઠમાં દર્શાવેલ ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દોની યાદી બનાવો.
ઉત્તર - આ પાઠમાં દર્શાવેલ ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દોની યાદી : કાગાનીંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામતરું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાઘરું, દહીંથરું, કંકાવટી.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) વસંતઋતુમાં ક્યાં ક્યાં પક્ષીઓ બોલ્યા કરે છે?
ઉત્તર – વસંતઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાસ, શોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે.
(2) અનન્યાને કોયલ ઉપરાંત ક્યાં ક્યાં પક્ષીઓ વહાલાં છે?
ઉત્તર – અનન્યાને કોયલ ઉપરાંત આ પક્ષીઓ વહાલાં છે : કબૂતર, હોલો, કાગડો, દૈયડ અને દેવચકલી.
(3) અનન્યા હવામાં સેલ્લારા લઈને ઊડતાં ક્યાં ક્યાં પક્ષીઓને જોઈ રહે છે?
ઉત્તર - અનન્યા હવામાં સેલ્લારા લઈને ઊડતાં આ પક્ષીઓને જોઈ રહે છે : બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોર.
(4) પંખીઓ ક્યાં ફળો ખાય છે?
ઉત્તર – પંખીઓ પીપળાના અને વડના ટેટા, સોનમોરના પાપડા અને બીજા ફળો ખાય છે.
(5) બહેન ભાઇને અભિનંદન કેમ આપે છે?
ઉત્તર - બહેન ભાઇને અભિનંદન આપે છે; કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયારમાં ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે.
(6) અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યાં છે?
ઉત્તર - અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યાં છે; કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે.
(7) અનન્યાને ક્યાં ફૂલો શી અસર કરે છે?
ઉત્તર – મધુમાલતી અને મોગરાનાં ફૂલોની સુગંધની લહેરો અનન્યાની છાતીને અને મગજને તરબતર કરી દે છે.
(8) માતૃભાષા બરાબર ન આવડે તો શું સ્થિતિ થાય?
ઉત્તર – માતૃભાષા બરાબર ન આવડે તો ‘બાવાના બેય બગડે’ જેવી સ્થિતિ થાય.
(9) માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે?
ઉત્તર – માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે.
(10) આપણને માતૃભાષા સૌથી પહેલી ક્યાંથી મળી છે?
ઉત્તર – આપણને માતૃભાષા સૌથી પહેલી ગળથૂથીમાંથી મળે છે.
(11) આ પાઠમાં બીજી ભાષાના ક્યા ક્યા શબ્દોનો ઉલ્લેખ થયો છે?
ઉત્તર - આ પાઠમાં બીજી ભાષાના આ શબ્દોનો ઉલ્લેખ થયો છે : ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, હકીકત, સાયન્સ, જામ વગેરે.
(12) લેખકે ફોનની અને SMSની ભાષાને કેવી કહી છે?
ઉત્તર – લેખકે ફોનની ભાષા હવામાં વહી જાય છે અને SMSની ભાષા લાગણી કે ભાવ વગરની કહી છે. ભાષા ટૂંકી ને બનાવટી લાગે છે.
(13) અનન્યાને ફોન કે SMS કરવા કરતાં શું વધારે ગમે છે?
ઉત્તર - અનન્યાને ફોન કે SMS કરવા કરતાં કાગળો લખવાનું, વારેવારે એ વાંચવાનું અને એમને સાચવી રાખવાનું વધારે ગમે છે.
પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) વસંતઋતુ ઉપરાંત અનન્યાની બીજી મનગમતી ઋતુ કઈ છે?
ઉત્તર – વર્ષા અને શરદ
(2) વસંતઋતુ શેની આગોતરી વધામણી આપે છે?
ઉત્તર – લગનગાળાની
(3) અનન્યાને ગમતાં પક્ષીઓમાં ક્યા પક્ષીનો સમાવેશ નથી?
ઉત્તર – ગીધ
(4) દાદાજીએ ક્યાં ક્યાં વૃક્ષો ઊછેર્યા છે?
ઉત્તર – ઘરવાડામાં અને ખેતર-વગડે
(5) ધરતીની શોભા કોનાથી વધે છે?
ઉત્તર – વૃક્ષોથી
(6) કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે?
ઉત્તર – ફૂલોને
(7) લાલચટ્ટક શીમળાનાં ફૂલોથી કોણ ભીંજાઈ જાય છે?
ઉત્તર – અનન્યા
(8) રાતાંગલ ફૂલોથી ઊભરાતા શીમળા પર કાગડો બેસે તો તે કેવો થઈ જાય?
ઉત્તર – રાતોચોળ
(9) ઘરના માંડવે ક્યાં ફૂલ મહોર્યા છે?
ઉત્તર – મધુમાલતીના
(10) કૂંડામાં ક્યાં ફૂલ મહોર્યા છે?
ઉત્તર – મોગરાનાં
(11) કોણે સાયન્સ પ્રવાહના અગિયારમાં ધોરણમાં ગુજરાતી માધ્યમ રાખ્યું છે?
ઉત્તર – અરવે
(12) માતૃભાષાને આપણા માબાપ, ઘર, કુટુંબ, ગામ અને સમાજની ................ કહી શકાય.
ઉત્તર – દેણગી
(13) ગુજરાતી ભાષાનો વિશ્વકોશ શેનો ભંડાર છે?
ઉત્તર – જ્ઞાનનો
(14) ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે?
ઉત્તર – 25
(15) ભાષા વિષે કઈ નવી કહેવત પ્રસરી રહી છે?
ઉત્તર – ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી
(16) ‘બહેનનો પત્ર’ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર – મણિલાલ પટેલ
પ્રશ્ન 6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(શમણું, હોળી-ધૂળેટી, હાથવગી, વટબંધ, લાલચટ્ટક)
(1) હાથ કરતાં પણ વધુ ................. માતૃભાષા છે.
ઉત્તર – હાથવગી
(2) હું ................ ફૂલોથી ભીંજાઉં છું.
ઉત્તર – લાલચટ્ટક
(3) આપણને ............... પણ માતૃભાષામાં જ આવે છે.
ઉત્તર – શમણું
(4) બધું જ માતૃભાષામાં ................. થાય છે.
ઉત્તર – વટબંધ
(5) ................... ના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે.
ઉત્તર – હોળી-ધૂળેટી
પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) વૃક્ષો આકાશની શોભા છે.
ઉત્તર – ખોટું
(2) ફૂલો વૃક્ષોની કવિતા જ છે.
ઉત્તર – ખરું
(૩) હજારીગલ તો મૂંગાં છે.
ઉત્તર – ખોટું
(4) માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના તેર બગડે.
ઉત્તર – ખોટું
(5) મને ફોન કે SMS કરતાં તો પત્ર લખવાનું જ બહુ ગમે છે.
ઉત્તર – ખરું
પ્રશ્ન 8. નીચેનાં જોડકાં ગોઠવો.
વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) શિયાળુ પાક (a) બીજા બધા વગડાના વા
(2) ઉત્તમ અંગ્રેજી (b) હણહણે
(3) તેજગઢ (c) ઘઉં-ચણા
(4) ઘોડો (d) માધ્યમ ગુજરાતી
(5) મા તે મા (e) આદિવાસી યુનિવર્સિટી
ઉત્તર – (1) – (c), (2) – (d), (3) – (e), (4) – (b), (5) – (a).
* અન્ય પ્રશ્નોત્તર *
(1) માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતાં સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો.
ઉત્તર : સુવિચાર –
(1) જનની અને જન્મભૂમી સ્વર્ગથી પણ મહાન છે.
(2) પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે, પણ માતા કદી ત્યાગ કરતી નથી.
(3) પુત્ર કપુત્ર થાય છે, પણ માતા કદી કુમાતા થતી નથી.
(4) મારા સૂક્ષ્મ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યા હાલરડાં છે.
(5) હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે.
(6) હું કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું.
(7) મારી પાસે મારી મા છે.
કહેવતો :
(1) મા તે મા બીજા બધા વગડાના વા
(2) મા કહેતાં મોઢું ભરાય.
(3) માની ગરજ કોઇથી ન સરે.
પ્રચલિત પંક્તિઓ :
(1) મા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?
(2) મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.
(3) જગતમાં સહુએ, સહુની ઘણી સગાઈ કીધી,
જડે નહીં ક્યાંરે જનની તારી જોડ મીઠી;
આ સૂના ઘરમાં, ગમતું ના જરાય ....
(4) ભૂલો ભલે બીજું બધું, પણ મા-બાપને ભૂલશો નહિ.
(2) ગુજરાતી મધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો.
ઉત્તર – ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે. એથી વિદ્યાર્થી વિચારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે. પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને છે. અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે. આથી ગુજરાતીભાષી વિદ્યાર્થીને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી નડે છે. એને વારંવાર ડિક્ષનરીનો ઉપયોગ કરવો પડે છે. દરેક વિષય વિશે એના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેને માટે મુશ્કેલ બને છે. કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી.
પ્રશ્ન 3. નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો.
સંદેશો, ફોન, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઈન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટીવી, તાર, નૃત્ય,
સાંકેતિક ભાષા
ઉત્તર - (જાણકારી મેળવવા માટે) (ભાવનાઓ વ્યકત કરવા માટે)
સંદેશો ફેક્સ
ફોન સેલફોન
ઈન્ટરનેટ રેડિયો ચિત્ર
તાર નોટિસ અભિનય
ટીવી સાંકેતિક ભાષા નૃત્ય
જાહેરાત
* વ્યાકરણ *
પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) પ્રકૃતિ = કુદરત, નિસર્ગ
(2) વધામણી = શુભ સમાચાર
(3) મોસમ = ઋતુ
(4) જાદુ = ચમત્કાર
(5) તરબતર = તરબોળ
(6) બોલકાં = વાચાળ
(7) દેણગી = બક્ષીસ
(8) વનરાજી = વનરાઈ
(9) શમણું = સ્વપ્નું
(10) સાજુંનરવું = તંદુરસ્ત, નીરોગી
પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) ખરીદી * વેચાણ
(2) શરૂઆત * અંત
(3) ધ્યાન * બેધ્યાન
(4) બોલકું * મૂંગું
(5) જ્ઞાન * અજ્ઞાન
(6) હાજર * ગેરહાજર
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) સોબિગી – શોબીગી
(2) માતરુંભાસા – માતૃભાષા
(3) ગળથુથી – ગળથૂથી
(4) સીરામણ – શિરામણ
(5) દહિથરું – દહીંથરું
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) વાતાવરણ – વાતનું આવરણ – તત્પુરુષ
(2) સક્કરખોર – સાકર ખાનાર – ઉપપદ
(3) માતૃભાષા – માતા તરફથી મળેલી ભાષા – મધ્યમપદલોપી
(4) માબાપ – મા અને બાપ – દ્વન્દ્વ
(5) મોહાંધ – મોહમાં અંધ – તત્પુરુષ
(6) તર્કશક્તિ – તર્ક કરવાની શક્તિ – મધ્યમપદલોપી
(7) કલ્પનાશક્તિ – કલ્પના કરવાની શક્તિ - મધ્યમપદલોપી
(8) અજબગજબ – અજબ અને ગજબ – દ્વન્દ્વ
(9) સગાંવહાલાં – સગાં અને વહાલાં – દ્વન્દ્વ
(10) ઝાલરટાણું – ઝાલર વગાડવાનું ટાણું – મધ્યમપદલોપી
(11) મામા-મામી – મામા અને મામી – દ્વન્દ્વ સમાસ
પ્રશ્ન 5. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ, પ્રકૃતિ
ઉત્તર – અનન્યા, અરવ, ઉનાળો, ગુજરાતી, પ્રકૃતિ, ઋતુ
(2) વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી, વસતિ
ઉત્તર – વધામણી, વસતિ, વસંત, વાતાવરણ, વૃક્ષ, વ્યસ્ત
પ્રશ્ન 6. નીચેના શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો અલગ લખો.
(1) ફરફરવું – રવાનુકારી
(2) મર્મર – રવાનુકારી
(3) હણહણાટ – રવાનુકારી
(4) તરસ્યું-તરસ્યું – દ્વિરુક્ત
(5) કલકલિયો – રવાનુકારી
(6) ઠીકઠીક – દ્વિરુક્ત
(7) રણકવું – રવાનુકારી
(8) ટગરટગર – દ્વિરુક્ત
(9) બરાબર – દ્વિરુક્ત
(10) કારભાર – દ્વિરુક્ત
(11) જોડીતોડીને – દ્વિરુક્ત
(12) અજબગજબ – દ્વિરુક્ત
(13) સાજાં-નરવાં – દ્વિરુક્ત
(14) મામા-મામી – દ્વિરુક્ત
(15) માસા-માસી – દ્વિરુક્ત
(16) સાળા-સાળી – દ્વિરુક્ત
(17) ગાંગરવું – રવાનુકારી
પ્રશ્ન 7. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) ઘેલું લાગવું – લગની લાગવી
વાક્ય : મીરાંને કૃષ્ણના નામનું ઘેલું લાગ્યું હતું.
(2) રાતાચોળ થઈ જવું – ગુસ્સે થવું
વાક્ય : રૂપેશને બાઈક ખરીદવા એની માએ પૈસા ન આપ્યા એટલે એ રાતોચોળ થઈ ગયો.
(3) તરબતર કરી દેવા – તરબોળ કરી દેવા, ભરપૂર કરી દેવા
વાક્ય : માએ એનાં સંતાનોને પ્રેમથી તરબતર કરી દીધા હતા.
(4) બાવાના બેય બગડવા – બંને બાજુથી નુકશાન થવું
વાક્ય : નવીન એક સાથે ભણવા અને નોકરી કરવા ગયો, પણ બાવાના બેય બગડ્યા.
(5) હૈયે તેવું હોઠે આવવું – મનમાં હોય તે બહાર આવવું
વાક્ય : પ્રીતિને પાઉં-ભાજી ખાવાની ઈચ્છા હતી એટલે હૈયે તેવું હોઠે આવી ગયું.
(6) ગળથૂથીમાંથી મળવું – જન્મથી જ મળવું
વાક્ય : બાળકને સારા-નરસા સંસ્કાર એની ગળથૂથીમાંથી મળે છે.
પ્રશ્ન 8. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) તરત જન્મેલા બાળકને અપાતું વિશિષ્ટ પ્રવાહી – ગળથૂથી
(2) વનમાં વૃક્ષોની લાંબી હાર – વનરાજી
(3) જયારે જોઈએ ત્યારે હાથમાં આવી શકે તેવી – હાથવગી
(4) કાગડાના જેવી, ઝટ ઊડી જનારી ઊંઘ – કાગાનીંદર, કાગનિદ્રા
(5) પથ્થર અને ઢેફાં ફેકવાનું સાધન – ગોફણ
(6) મંદિરમાં સાંજની આરતીનો સમય – ઝાલરટાણું, સંધ્યાસમય
(7) એક ગામથી બીજે ગામ જવું, મરણ પામવું – ગામતરું
(8) સૂકવીને તૈયાર કરેલ શાક, ઘાસ વગેરે – સુકવણી
(9) પાણીનાં વાસણ રાખવાની જગ્યા – પાણિયારું
(10) સવારનો નાસ્તો – શિરામણ
(11) મોહને લીધે સાનભાન ગુમાવી બેઠેલી વ્યક્તિ – મોહાંધ
(12) લગ્નમંડપમાં વરકન્યા સાત પગલાં સાથે ચાલે તે વિધિ – સપ્તપદી
(13) કંકુ રાખવાનું પાત્ર – કંકાવટી
પ્રશ્ન 9. નીચે આપેલ કહેવત સમજાવો.
(1) મા તે મા બીજા બધા વગડાના વા.
ઉત્તર – માની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે.
પ્રશ્ન 10. નીચે આપેલાં વાક્યોમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ વાક્યો અલગ તારવો.
(1) અહીં મમ્મી-પપ્પા સારાં-સાજાં છે.
ઉત્તર – સાદું વાક્ય
(2) હું તો શીમળા નીચે ઊભી રહું છું ને લાલચટ્ટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું.
ઉત્તર – સંયુક્ત વાક્ય
(3) આંબે-આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે!
ઉત્તર – સંયુક્ત વાક્ય
(4) હજારીગલ તો બોલકાં છે.
ઉત્તર – સાદું વાક્ય
(5) ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ પંખીઓ ગાય છે.
ઉત્તર – સંયુક્ત વાક્ય
(6) ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે.
ઉત્તર – સંયુક્ત વાક્ય
0 Comments