પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
(1) ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ?
ઉત્તર
- ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં પેઠો. આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસીઠાંસીને ભર્યા. સાંજ પડતાં તે થાકી ગયો એટલે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો. આખી રાત બળદો જંગલની ઘરેડોમાં આંટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ત્યારે દાતણ કરવા બેઠેલાં ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે આના માગ્યા. આમ, ટોલવાળા નાકાદારને ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ.

(2) મુંબઈના રેલવે-અમલદારો છોટુભાઈના તારને કેમ વાંચ્યા જ કરતા હતા?
ઉત્તર
– એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો. રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશનમાસ્તરે ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવા જોઈએ. આથી સ્ટેશન માસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તારમાસ્તરને તાર કરી દેવા કહ્યું, પણ પાડા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તારમાસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું એટલે છોટુભાઈએ કહ્યું, “ભેંસનો વર”. તારમાસ્તરે આમ તાર કર્યો : ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE. તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા.

(3) પાઠમાં આવેલા કિસ્સાઓ શી રીતે રમૂજ પ્રેરે છે?
ઉત્તર
– ટેક્સ ન આપવો પડે એ માટે ગાડાવાળાને તેના પ્રયત્નમાં મળેલી નિષ્ફળતા, પાડાનું અંગ્રેજીમાં ‘ભેંસનો વર’ - ONE HUSBAND OF BUFFALO, ‘બે કપ ચા’નું અંગ્રેજીમાં ‘ટુ કપ ટી’ સંભાળીને ચાના દુકાનદારે ગુસ્સામાં એ પહાડીને ‘તું કપટી’, તારો બાપ કપટી,’ એમ સંભળાવવું, પહાડ પર રહેતા લોકો સૂવા માટે ખાટલો કેવી રીતે ઢાળતા હશે એની મૂંઝવણ થતી ગેરસમજ જેવા કિસ્સાઓ રમૂજ પ્રેરે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું? દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો?
ઉત્તર
– ચાની દુકાને જઈ અંગ્રેજ બાંકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું, “ટુ કપ ટી!”. આ સાંભળી દુકાનદાર ગુસ્સે થઈ ગયો; કારણ કે એને અંગ્રેજી આવડતું નહોતું. એ તો ‘કપટી’ નો અર્થ ‘દગાબાજ’ સમજ્યો. એને એમ થયું કે આ અંગ્રેજે મને કપટી કહ્યો. આથી દુકાનદાર ગુસ્સે થઈ ગયો.

(2) ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને શું સંભળાવ્યું?
ઉત્તર
- ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને સંભળાવ્યું કે, “હું કપટી નથી. તું કપટી છે, તારો ભાઈ કપટી છે, તારા ચાચા કપટી છે. તારો બેટો કપટી છે. હું કપટી નથી. હવે તો ભારત આઝાદ થઈ ગયું છે. હવે તમારા જેવા કપટી અંગ્રેજોનું કાંઈ ચાલવાનું નથી.”

(3) લાલાની મૂંઝવણ શી હતી? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાઈ?
ઉત્તર
– લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય. તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાઈ. કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે એની પહાડીને નવાઈ લાગી હતી.

(4) ત્રીજા ટુચકામાં ક્યા કિસ્સામાંથી રમૂજ ઉત્પન્ન થાય છે?
ઉત્તર
– એક કુતરો ભસતો ભસતો એક દોસ્તની પાછળ આવ્યો. આથી તે ગભરાઈ ગયો. આ જોઇને તેના મિત્રે કહ્યું, “ભસતા કૂતરા કરડે નહીં.” જોકે, એ કહેવતની એને ખબર હતી, ત્યારે મિત્રે એને કહ્યું, “પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને!” આ ઉત્તરમાંથી રમૂજ ઉત્પન્ન થાય છે.

(5) રોજિંદા જીવનમાંથી કઈ રીતે હાસ્ય જન્મે છે એ ટુચકાઓ દ્વારા જણાવો.
ઉત્તર
– બેની વચ્ચે ત્રણ કેળાં વહેંચી શકાય નહીં એ માટે મનુએ એક કેળું ખાઇને પછી બે કેળાં વહેંચીને ખાવાં, ગોવિંદનો ભૂલકણો સ્વભાવ, કૂતરાને કહેવતની ખબર ન હોય એવી દોસ્તની દલીલ અને સૂર્ય ઊગે નહીં તો વીજળીનું બિલ ખૂબ જ આવવું એવો સોનલનો ઉત્તર – આ ટુચકાઓ રોજિંદા જીવનમાંથી જન્મતા હાસ્યને રજૂ કરે છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) જંગલમાંથી વાંસ કાપીને ગાડામાં ભરી લીધા પછી ગાડાવાળાએ શો વિચાર કર્યો?
ઉત્તર
- જંગલમાંથી વાંસ કાપીને ગાડામાં ભરી લીધા પછી ગાડાવાળાએ આડા રસ્તે ફેરો ખાઇને ટોલનાકાની છાપરીથી દૂર રહીને ઘેર પહોંચી જવાનો વિચાર કર્યો.

(2) ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો લંબાવીને શા માટે સૂઈ ગયો?
ઉત્તર
– આખો દિવસ જંગલમાં વાંસ કાપીને ગામડિયો થાકી ગયો હતો. ગાડું હાંકતાં-હાંકતાં ગાડાવાળાને ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાંસ લંબાવીને સૂઈ ગયો.

(3) પાડાનું મોત કેવી રીતે થયું
ઉત્તર
– પાડો રેલવેના પાટાની એક બાજુએ ચાલતો હતો. એટલામાં પાછળથી આવેલી ગાડીના એન્જિન સાથે અથડાયો અને પાડાનું મોત થયું.

(4) અકસ્માત અંગે રેલવેનો કયો કાયદો છે?
ઉત્તર
– અકસ્માત અંગે રેલવેનો એવો કાયદો છે : જયારે અકસ્માત થાય ત્યારે સ્ટેશનમાસ્તરે પોતાનાથી મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત અકસ્માતના ખબર આપવા.

(5) બાબુ સાથે મનુએ ત્રણ કેળાં કેવી રીતે વહેંચીને ખાધાં?
ઉત્તર
– મનુએ સૌથી પહેલાં એક કેળું પોતે ખાધું પછી બાકીનાં બે કેળાંમાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું. આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળાં વહેંચીને ખાધાં.

(6) ગોવિંદનું કયું વર્તન રમૂજ પ્રેરે છે?
ઉત્તર
– વરસાદ બંધ પડી ગયો અને ગોવિંદે છત્રીને બંધ કરવા માટે હાથ ઉપર લંબાવ્યો ત્યારે એને ખબર પડી કે એ ઘેરથી નીકળ્યો ત્યારે છત્રી લેવાનું ભૂલી ગયો છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) આખો દિવસ જંગલમાંથી વાંસ કાપ્યા પછી ગાડાવાળાએ શું કર્યું?
ઉત્તર
- આખો દિવસ જંગલમાંથી વાંસ કાપ્યા પછી ગાડાવાળાએ વાંસ ગાડામાં ઠાંસીઠાંસીને ભરી દીધાં.

(2) આખી રાત ચકરાવા મારીને બળદો ક્યાં આવી ઊભા રહ્યા?
ઉત્તર
– આખી રાત ચકરાવા મારીને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા.

(3) બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું?
ઉત્તર
- બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો.

(4) તારમાસ્તરને કઈ બાબતની મૂંઝવણ હતી?
ઉત્તર
- તારમાસ્તરને એ બાબતની મૂંઝવણ હતી કે ‘પાડાનું અંગ્રેજી શું કરવું?’

(5) છોટુભાઈએ શું કહીને તારમાસ્તરની મૂંઝવણ દૂર કરી?
ઉત્તર
– ‘પાડો એટલે ભેંસનો વર’ એમ કહીને છોટુભાઈએ તારમાસ્તરની મૂંઝવણ દૂર કરી.

(6) તારમાસ્તરે અંગ્રેજીમાં કરેલા તારમાં શું જણાવ્યું?
ઉત્તર
- તારમાસ્તરે અંગ્રેજીમાં કરેલા તારમાં જણાવ્યું : ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE.

(7) પહાડી લોકોની ચાની હોટેલો ક્યાં હોય છે?
ઉત્તર
- પહાડી લોકોની ચાની હોટેલો પહાડી સડકોની એક બાજુએ બનાવેલાં નાનાં ઝુંપડામાં હોય છે.

(8) ચાની દુકાન ચલાવતાં પહાડી લોકો જતાં-આવતાં વટેમાર્ગુઓને શેમાં ચા આપે છે?
ઉત્તર
- ચાની દુકાન ચલાવતાં પહાડી લોકો જતાં-આવતાં વટેમાર્ગુઓને મોરાદાબાદી પવાલામાં ચા આપે છે.

(9) ચાની દુકાન ચલાવનાર પહાડીને અંગ્રેજ પર ગુસ્સો કેમ આવ્યો?
ઉત્તર
– ચાની દુકાન ચલાવનાર પહાડી એમ સમજ્યો કે અંગ્રેજે ‘ટુ કપ ટી’ કહીને એને દગાબાજ કહ્યો છે. આથી એને અંગ્રેજ પર ગુસ્સો આવ્યો.

(10) આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા?
ઉત્તર
- આઝાદી પહેલાં પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા.

(11) ‘ઢેર વાઝ આ બેંકર.....’ અંગ્રેજના આ શબ્દો સાંભળીને બેન્ક મેનેજરને શી ગેરસમજણ થઈ?
ઉત્તર
- ‘ઢેર વાઝ આ બેંકર.....’ અંગ્રેજના આ શબ્દો સાંભળીને બેન્ક મેનેજર સમજ્યો કે આ અંગ્રેજને એના પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે. તેથી તે બારણું બંધ કરવાનું કહે છે.

(12) મનુ ત્રણ કેળાં બાબુની સાથે કેમ વહેંચી શક્યો નહિ?
ઉત્તર
- મનુ ત્રણ કેળાં બાબુની સાથે વહેંચી શક્યો નહિ; કારણ કે ખાનાર બે અને કેળાં ત્રણ હતાં.

(13) સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો?
ઉત્તર
– મોટી બહેને સોનલને આ પ્રશ્ન કર્યો : સૂર્ય ઊગે જ નહીં તો શું થાય?

(14) સોનલે મોટી બહેનના પ્રશ્નનો શો ઉત્તર આપ્યો?
ઉત્તર
- સોનલે મોટી બહેનના પ્રશ્નનો આ ઉત્તર આપ્યો : સૂર્ય ઊગે જ નહિ તો વીજળીનું બિલ ખૂબ આવે.

પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) ગામડિયાને છાપરું ઢાંકવા માટે શાની જરૂર પડી?
ઉત્તર
– વાંસની

(2) ટોલનાકાવાળો ગાડાવાળાઓ પાસેથી કેટલો ટેક્સ લેતો?
ઉત્તર
– બે આના

(3) ભેંસનો વર એટલે કોણ?
ઉત્તર
– પાડો

(4) બાપુજીના સેક્રટરીનું નામ જણાવો.
ઉત્તર
– મહાદેવભાઈ દેસાઈ

(5) છોટુભાઈ દેસાઈ ક્યા સ્ટેશનમાં સ્ટેશનમાસ્તર હતા?
ઉત્તર
– પારડી

(6) છોટુભાઈએ કોને તાર કરવા કહ્યું?
ઉત્તર
– તારમાસ્તરને

(7) પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી?
ઉત્તર
– તારમાસ્તરને

(8) પહાડીની ચાની દુકાને આવી એક અંગ્રેજે તેને શું કહ્યું?
ઉત્તર
– ટુ કપ ટી

(9) ઉત્તર ભારતના પહાડી લોકો આઝાદી પહેલાં કોનાથી બહુ ડરતા?
ઉત્તર
– અંગ્રેજોથી

(10) આઝાદી મળ્યા પછી પહાડી લોકો કેવા બની ગયા?
ઉત્તર
– હિંમતવાળા

(11) એક પહાડી ક્યાં જાત્રા કરવા ગયો?
ઉત્તર
– કાશી

(12) એ પહાડી જાત્રાળુ દાળચોખા લેવા ક્યાં ગયો?
ઉત્તર
– વાણિયાની દુકાને

(13) મમ્મીએ મનુને કેટલાં કેળાં આપ્યાં?
ઉત્તર
– ત્રણ

(14) સોનલનો ઉત્તર સાંભળીને હોઠ પર શું ફરકે છે?
ઉત્તર
– હાસ્ય

(15) ‘કિસ્સા-ટુચકા’ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર
– સ્વામી આનંદ

પ્રશ્ન 6. આપેલી ખાલી જગ્યા પૂરો.
(1) અબ તો ........... હો ગયા.
ઉત્તર
– જયહિંદ

(2) ............ નું બિલ ખૂબ જ આવે, બહેન !
ઉત્તર
– વીજળી

(3) ગાડું હાંકતાં-હાંકતાં ગાડાવાળાને ............ આવી ગઈ.
ઉત્તર
– ઊંઘ

(4) પહાડી લોકો ............. પવાલામાં વટેમાર્ગુઓને ચા વેચે.
ઉત્તર
– મોરાદાબાદી

પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) ટોલવાળો અમલદાર ઊઠીને દાતણ કરવા બેઠો હતો.
ઉત્તર
– ખોટું

(2) છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશને ટિકિટ-ચેકર હતા.
ઉત્તર
– ખોટું

(3) આલ્મોરામાં પહેલવહેલી બેન્ક નીકળી.
ઉત્તર
– ખરું

પ્રશ્ન 8. નીચેનાં વાક્યો કોણ કોને કહે છે?
(1) ‘તુમ પહાડ કે રહનેવાલે હો?’
ઉત્તર
– આ વાક્ય લાલો એક પહાડીને કહે છે.

(2) ‘ટુ કપ ટી’.
ઉત્તર
– આ વાક્ય એક અંગ્રેજ ચાના પહાડી દુકાનદારને કહે છે.

(3) ‘લાવ બે આના.’
ઉત્તર
– આ વાક્ય ટોલવાળો નાકાદાર ગાડાવાળાને કહે છે.

પ્રશ્ન 9. ‘બીજું શું વળી?’ એવો પ્રયોગ પોતે જે વાત કરે છે, તેના સમર્થન માટે વપરાય છે. નીચેનાં ઉદાહરણો જુઓ અને આવાં બે વાક્યો બનાવો.
(1) પાડો એટલે ભેંસનો વર; બીજું શું વળી?
ઉત્તર
– આઝાદી એટલે સ્વતંત્રતા; બીજું શું વળી?

(2) ચારપાઈ એટલે ખાટલો, બીજું શું વળી?
ઉત્તર
– સાથિયો એટલે સ્વસ્તિક, બીજું શું વળી?

* વ્યાકરણ *

પ્રશ્ન 1. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) ટેક્સ
= જકાત, કર
(2) લાદેલા = ગોઠવેલા
(3) કોરાણે = બાજુએ
(4) કપટી = દગાબાજ
(5) આઝાદી = સ્વતંત્રતા
(6) ચારપાઈ = ખાટલો, પલંગ
(7) ખાનગી = અંગત
(8) દોસ્તાર = મિત્ર, ભાઈબંધ

પ્રશ્ન 2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) છાનોમાનો * છડેચોક
(2) દિવસ * રાત
(3) ઠંડો * ગરમ
(4) સવાર * સાંજ
(5) બંધ * ખુલ્લું

પ્રશ્ન 3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) સૂર્ય, ભેંસ, કેળું, બેલગાડી, અમલદાર, વટેમાર્ગુ.
ઉત્તર
– અમલદાર, કેળું, બેલગાડી, ભેંસ, વટેમાર્ગુ, સૂર્ય

પ્રશ્ન 4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) કરવેરો ભરવાની ચોકી
– ટોલછાપરી
(2) નાકાવેરો ઉઘરાવવા ગામના પ્રવેશસ્થાને આવેલી ચોકી – ટોલનાકું
(3) જૂના જમાનાથી ચાલ્યા આવતા રિવાજ – ઘરેડ, ચીલો
(4) માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય – મોંસૂઝણું
(5) જકાતનાકા ઉપર કર વસૂલ કરનાર કર્મચારી – નાકાદાર
(6) મોરાદાબાદ શહેરમાં બનતા વિશિષ્ટ ઘાટના પ્યાલા – મોરાદબાદી પવાલા

પ્રશ્ન 5. વિભાગ ‘ક’માં રૂઢીપ્રયોગ છે અને વિભાગ ‘ખ’માં તેનો અર્થ આડાઅવળા મુક્યા છે. યોગ્ય જોડકાં જોડો.
વિભાગ ‘ક’                                         વિભાગ ‘ખ’
(1) પેટનો ખાડો પૂરવો                (a) કરકસર કરી જીવવું
(2) પેટનું પાણી ન હાલવું             (b) બીજાની છુપી વાત જાણવી
(3) પેટે પાટા બાંધવા                  (c) ભૂખ સંતોષવી
(4) પેટમાં પેસી નીકળવું               (d) ગુપ્ત વાત સાચવવી
                                             (e) કોઈ જાતની અસર ન થવી
ઉત્તર
: (1) – (c), (2) – (e), (3) – (a), (4) – (b).