પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
(1) ‘એક જ દે ચિનગારી’ કાવ્યની સમજૂતી તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર
- ‘એક જ દે ચિનગારી’ પ્રાર્થનાકાવ્યમાં કવિ પરમાત્માને ‘મહાનલ’ અર્થાત્ અગ્નિસ્વરૂપે સંબોધે છે. કવિ ઈશ્વરને કહે છે કે મેં મારી આખી જિંદગી ચકમક સાથે લોઢું ઘસવામાં જ વ્યતિત કરી. મારી બધી મહેનત નકામી ગઈ. જેમ આભ, તારા, ચાંદો અને સૂરજના તેજથી પ્રકાશિત છે, તેમ મારી જીવનરૂપી સગડીમાં પ્રકાશ નથી. ઠંડીમાં મારી કાયા થથરે છે. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે, તો હે વિશ્વાનલ! હું આપની પાસે પ્રકાશરૂપે ‘એક ચિનગારી’ માંગું છું, બીજું કઈ નહીં. ઈશ્વર પાસે આવી પ્રાર્થના કરવામાં આવી છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) ‘ના સળગી એક સગડી મારી’ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર
- ‘ના સળગી એક સગડી મારી’ દ્વારા કવિ કહેવા માગે છે કે અગ્નિસ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળે છે, પણ મારી જીવનરૂપી સગડીને એક તણખો પણ મળ્યો નહિ. મારું જીવન અંધકારમય જ રહ્યું.

(2) કવિની ધીરજ કેમ ખૂટી ગઈ છે?
ઉત્તર
– કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યાં, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલરૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આકાશની અટારીએ તારા ઝળહળે છે, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે? પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી? આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક–એક વાક્યમાં ઉત્તર લખો.
(1) કવિ ઈશ્વર પાસે શાની માગણી કરે છે?
ઉત્તર
– કવિ ઈશ્વર પાસે એક ચિનગારીની માગણી કરે છે.

(2) ‘જીવન ખરચી નાખવું’ એટલે શું કરવું?
ઉત્તર
- ‘જીવન ખરચી નાખવું’ એટલે અનેક નાનાં-મોટાં કર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું.

(3) કવિએ પોતાનું જીવન શેમાં ખરચી નાખ્યું?
ઉત્તર
– કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત્ અનેક જાતનાં નિરર્થક કામો કરવામાં ખરચી નાખ્યું.

(4) ‘જામગરી’ શબ્દ અહીં ક્યા અર્થમાં વપરાયો છે?
ઉત્તર
– ‘જામગરી’ શબ્દ અહીં ‘જિંદગી’ના અર્થમાં વપરાયો છે.

(5) ‘મહેનત ફળવી’ એટલે શું?
ઉત્તર
– ‘મહેનત ફળવી’ એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી.

(6) કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે?
ઉત્તર
– કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખરચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહિ. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે.

(7) કવિના મતે શું શું સળગ્યું?
ઉત્તર
– કવિના મતે ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા સળગ્યા અર્થાત્ પરમાત્માના તેજથી પ્રકાશિત થયા.

(8) કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?
ઉત્તર
– પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઊઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહિ. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે.

(9) કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે?
ઉત્તર
- કવિ માત્ર એક જ ચિનગારી માટે માગે છે, કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે.

(10) ‘ચિનગારી’ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર
– મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કવિ કહેવા માંગે છે.

(11) સગડી કેમ ના સળગી?
ઉત્તર
– કવિની જીવનરૂપી નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નહિ. આથી સગડી ના સળગી.

(12) ‘એક જ દે ચિનગારી’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તર
- ‘એક જ દે ચિનગારી’ કાવ્યનો પ્રકાર ‘પ્રાર્થનાગીત’ છે.

(13) ‘એક જ દે ચિનગારી’ કાવ્યના કવિનું નામ શું છે?
ઉત્તર
- ‘એક જ દે ચિનગારી’ કાવ્યના કવિનું નામ હરિહર ભટ્ટ છે.

(14) લોઢું ઘસતાં-ઘસતાં કવિએ શું ખર્ચી નાખ્યું છે?
ઉત્તર
- લોઢું ઘસતાં-ઘસતાં કવિએ જિંદગી ખર્ચી નાંખી છે.

(15) કવિના મત અનુસાર કઈ સગડી સળગી નહિ?
ઉત્તર
– કવિના મત અનુસાર કવિની પોતાની જીવનરૂપી સગડી સળગી નહિ.

(16) કવિના મત અનુસાર હૈયારૂપી સગડી ન સળગવાનું કારણ જણાવો.
ઉત્તર
– કવિએ પોતાનું જીવન નાનાં-મોટાં વ્યર્થ કર્યો કરતાં પસાર કરી દીધું છે. તેથી અગ્નિસ્વરૂપ પરમાત્માના પ્રકાશથી સૂર્ય, ચંદ્ર અને તારા ઝગમગે છે પરંતુ કવિના હૈયારૂપી સગડી સળગી નથી. તેમનું જીવન અંધકારથી ભરેલું છે.

પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(1) કવિ ઈશ્વર પાસે શું માંગે છે?
ઉત્તર
– ચિનગારી

(2) ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે?
ઉત્તર
– લોખંડ

(3) તણખો ક્યાં ન પડ્યો?
ઉત્તર
– જામગરીમાં

(4) કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે?
ઉત્તર
– મહાનલ

પ્રશ્ન 5. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) ઠંડીમાં મુજ ............ થથરે.
ઉત્તર
– કાયા

(2) એક જ દે .............
ઉત્તર
– ચિનગારી

(3) વાત ............. ની ભારી.
ઉત્તર
– વિપત્ત

(4) ............ માં તણખો ન પડ્યો.
ઉત્તર
– જામગરી

(5) ખૂટી ............. મારી.
ઉત્તર
– ધીરજ

(6) ............ ! હું અધિક ન માગું.
ઉત્તર
– વિશ્વાનલ

પ્રશ્ન 6. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) ‘જામગરી’ શબ્દ અહીં ‘જીવન’, ‘જિંદગી’ના અર્થમાં વપરાયો છે.
– સાચું
(2) કવિએ પરમાત્માને ‘મહાનલ’ એવું સંબોધન કર્યું નથી. – ખોટું
(3) ચાંદો અને સૂરજ સળગ્યા છે પણ આભઅટારી સળગી નથી. – ખોટું
(4) દાવાનલ! એક જ દે ચિનગારી. – ખોટું
(5) ન ફળી મહેનત મારી. – ખરું
(6) વિશ્વાનલ! મેં બહુ માગી લીધું. – ખોટું
(7) ચાંદો ફફડ્યો, સૂરજ ફફડ્યો. – ખોટું

પ્રશ્ન 7. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો.
(1) સગડી અને આભઅટારી
ઉત્તર
– સગડી-જીવનનું પ્રતિક છે.
આભઅટારી-આભની અટારી તારાનું પ્રતિક છે.
અર્થાત્ આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે.

(2) કાયા અને માયા
ઉત્તર
– કાયા-દેહ, શરીર.
માયા-સંસારની મોહમતતા
અહીં ‘શરીરે’ માનવનો દેહ છે અને સંસારની મોહમતતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે.

(3) થથરે અને ફફડે
ઉત્તર
– થથરે-ઠંડીમાં કાયા થથરે છે.
ફફડે-ડરથી માણસ ફફડે છે.
અર્થાત્ ‘થથરાટ’માં કંપનની ક્રિયા છે, ‘ફફડાટ’માં ભયની અનુભૂતિ છે.

પ્રશ્ન 8. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી દસથી બાર લીટીમાં એક ફકરો લખો.
(મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઈબલ, ગુરુદ્વારા, ગ્રંથસાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ્ ગીતા)
ઉત્તર
– હિન્દુઓ મંદિરમાં દર્શન કરવા જાય છે. શ્રીમદ્ ભગવદગીતા તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. મુસલમાન લોકો કુરાન વાંચીને રોજ ખુદાની બંદગી કરે છે. તેમનો ધર્મગ્રંથ કુરાન નામે ઓળખાય છે. જૈન લોકો દેરાસરમાં પોતાના ઈશ્વરની પૂજા-અર્ચના કરે છે. જૈન સાધુઓના આચારવિચાર કલ્પસૂત્ર નામના ગ્રંથમાં સંગ્રહાયેલા છે. પારસીઓનું ધર્મસ્થાન અગિયારીના નામે ઓળખાય છે. ત્યાં પવિત્ર અગ્નિ સતત સળગતો રાખવામાં આવે છે. ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ બાઈબલ છે. શીખ લોકોનું ધાર્મિક સ્થાન ગુરુદ્વારા તરીકે ઓળખાય છે, અને તેમનો ધર્મગ્રંથ ગ્રંથસાહેબના નામે ઓળખાય છે. ત્રિપિટક બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે. બુદ્ધ ભગવાનનું મંદિર પેગોડા તરીકે જાણીતું છે.

પ્રશ્ન 9. પ્રાર્થનાગીતો મેળવો અને તમારું મનપસંદ પ્રાર્થનાગીત લખો.
ઉત્તર – જીવન અંજલિ થાજો
જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીન-દુઃખિયાનાં આંસું લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો!
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો!
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો!
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!
                         - કરસનદાસ માણેક

વ્યાકરણ

પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના બે-બે સમાનર્થી શબ્દો લખો.
(1) અનલ
= આગ, અગ્નિ
(2) વિપત = મુશ્કેલી, આફત
(3) ચાંદો = શશી, ચંદ્ર
(4) સૂરજ = સૂર્ય, ભાનુ
(5) કાયા = તન, શરીર
(6) લોઢું = લોખંડ, લોહ
(7) મહેનત = પરિશ્રમ, ઉદ્યમ
(8) આભ = આકાશ, ગગન
(9) અટારી = ઝરૂખો, છજું
(10) કંપન = ધ્રુજારી, થથરાટ

પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો.
(1) ગગન
* ધરા
(2) જિંદગી * મોત
(3) ઉતાવળ * ધીરજ
(4) ઠંડી * ગરમી
(5) અધિક * ઓછું
(6) સવાર * સાંજ
(7) આભ * ધરતી

પ્રશ્ન 3. જોડણી સુધારી ફરીથી લખો.
(1) ચીનગારિ
– ચિનગારી
(2) જીંદગી – જિંદગી
(3) જામગરિ – જામગરી
(4) વીપત – વિપત
(5) ધિરજ – ધીરજ
(6) વિસ્વાનલ – વિશ્વાનલ
(7) અગ્ની – અગ્નિ
(8) નીષક્રીયતા – નિષ્ક્રિયતા
(9) મુત્યુ – મૃત્યુ

પ્રશ્ન 4. સંધી જોડો.
(1) વિશ્વ + અનલ
= વિશ્વાનલ
(2) મહા + અનલ = મહાનલ

પ્રશ્ન 5. રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
(1) જિંદગી ખરચી નાખવી
– જીવન વેડફી દેવું
વાક્ય : મા સંતાનોના ઉછેર પાછળ પોતાની જિંદગી ખરચી નાખે છે.

(2) મહેનત ફળવી – સફળતા મળવી, સફળ થવું
વાક્ય : મારી આખા વર્ષમાં કરેલી મહેનત ફળી, સારા ગુણ આવ્યા.

(3) વિપત પડવી – મુશ્કેલી પડવી
વાક્ય : સાચું બોલનાર માણસને અમુક સમયે વિપત પડતી હોય છે.

(4) ધીરજ ખૂટવી – ધીરજ ન રહેવી, આશા છોડી દેવી.
વાક્ય : વજન ઉતારવાની મહેનતમાં મારી ધીરજ ખૂટી ગઈ.

(5) મહેનત ન ફળવી – મહેનત વ્યર્થ જવી
વાક્ય : મીતાએ પરીક્ષામાં પાસ થવાના ખૂબ પ્રયત્ન કર્યાં, પણ એની મહેનત ફળી નહિ.