પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.

(1) જુમા અને વેણુનો મૈત્રીભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે?
ઉત્તર
– જુમા અને વેણુનો મૈત્રીભાવ જુદા જુદા સમયે પ્રગટ થાય છે: (1) જુમો અને વેણુ બે અલગ અલગ ઝુંપડામાં રહેતા, પણ બંને આખો દિવસ એકબીજાની સામે જોઇને બેસી રહેતા. (2) જુમો વેણુને લઈને રોજ સાંજે ફરવા નીકળતો. વેણુ ઘાસ ચરતો નથી ત્યારે જુમો એને પ્રેમભર્યો ઠપકો આપે છે. (3) વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે ત્યારે જુમો વેણુના પગને બહાર કાઢવાના ખૂબ પ્રયત્ન કરે છે, પણ એમાં એને સફળતા મળતી નથી. (4) એ રસ્તે જતાં યુવાનોની તેમજ ફાટકવાળાની મદદ માગે છે, પણ એને કોઈ મદદ કરતું નથી. હવે વેણુને કોઈ રીતે બચાવી શકાશે નહિ, એ સમજાતાં “દોસ્ત! ભાઈ! વેણુ! આપણે બંને સાથે છીએ હોં!” એમ કહીને જુમો વેણુની સાથે મરવા તૈયાર થઈ જાય છે, પણ વેણુ જુમાને માથું મારીને પાટા પરથી દૂર ફેંકી દઈ તેને બચાવી લે છે. (5) વેણુના મૃત્યુ પછી પણ જુમો રોજ વેણુના મોતના સ્થળે ફૂલ ચઢાવીને પોતાના પ્રિય મિત્રને યાદ કરે છે.

(2) જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા?
ઉત્તર
– જુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ કરતા હતા: જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યામાં નીકળી પડતો. બારણે બારણે પાણી ભરી દીધા પછી જુમો ને વેણુ બંને પાછા વળતા. જુમો રસ્તામાંથી એક પૈસાનાં ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે બથ ભરીને ગદબ ખરીદતો. પાછા વળતાં વેણુ ગદબ ખાતો. પછી જુમો બપોરથી છેક સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. પછી સાંજે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા.

(3) જુમાએ વેણુને બચાવવા ક્યા પ્રયત્નો કર્યાં?
ઉત્તર
– જુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમતેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ફાવ્યો નહિ. પછી રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ. ઝપાટાબંધ ફાટકવાળાની ઓરડી પાસે જઈ તેણે વિનંતી કરી ‘સિગ્નલ ફેરવો. મારું જનાવર કચરાઈ જશે’, પણ ઓરડીમાંથી ‘ઘેર કોઈ ભાઈમાણસ નથી’ એવો બેદરકાર જવાબ મળતાં જુમો નિરાશ થઈ ગયો. આમ, જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યાં.

(4) વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ છે?
ઉત્તર
– વેણુને બચાવવામાં સફળતા મળી નહિ એટલે નિરાશ થયેલો જુમો “દોસ્ત! ભાઈ! વેણુ! આપણે બંને સાથે છીએ હોં!” એમ કહીને વેણુને ભેટી પડ્યો અને વેણુની સાથે પોતે પણ મરવા તૈયાર થઈ ગયો. તે વખતે વેણુએ જુમાને બચાવવા ખૂબ સમજદારી બતાવી. ટ્રેન છેક નજીક આવી કે તરત જ તેણે પોતાનું માથું મારીને જુમાને પાટાની દૂર ફેંકી દીધો. આ રીતે વેણુ પોતાના મિત્ર જુમાને મરતાં બચાવી લે છે, તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ છે.

(5) જુમા ભિસ્તીનો પશુપ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર
– જુમા ભિસ્તીના જીવનમાં એનો પાડો વેણુ જ તેનો એકમાત્ર સાથી છે. જુમો તેને સારી રીતે સાચવે છે. તેને ખાવા માટે ગદબ ખરીદે છે અને તેને લાડ કરે છે. જરૂર પડે તેને મીઠો ઠપકો પણ આપે છે. વેણુનો પગ ટ્રેનના પાટામાં ફસાઈ જાય છે ત્યારે તેના પગને બહાર કાઢવા તે ખૂબ કોશિશ કરે છે. તે રસ્તે જતા યુવાનોની અને પછી ફાટકવાળાની મદદ માગે છે, પણ તેને મદદ મળતી નથી. અંતે નિરાશ થયેલો જુમો વેણુની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે અને તે વેણુને ભેટી પડે છે. આમ, જુમા ભિસ્તીનો વેણુ પ્રત્યેનો નિઃસ્વાર્થ પશુપ્રેમ અજોડ છે.

(6) જુમાએ જીવનમાં જોયેલા તડકાછાંયડા વિશે જણાવો.
ઉત્તર
– જુમો જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી. ઘરમાં તે લાડથી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. એ હાથી પર બેસી પરણવા નીકળેલો. શ્રીમંતાઈના વખતમાં એને અનેક મિત્રો હતા, પણ અચાનક એ ભિખારી થઈ ગયો. એ ઝુંપડામાં રહેવા લાગ્યો. ઝૂંપડાંની ખડકી પતરાં, પાટિયાં અને ગુણીયાનાં થીંગડાં મારેલી હતી. અંદર ઠીકરાની ફૂટેલી હાંડલી હતી. એક ફાટેલ તૂટેલ સાદડી પર બેસી એ હોકો ગગડાવતો. આવા સમયે એના મિત્રો પણ એને છોડી ગયા, પણ એણે બાળપણમાં શોખની ખાતર પાળેલો પાડો વેણુ જ જીવનભર એની સાથે રહ્યો.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) આણંદપુરના ખૂણામાં આવેલા જુમાના ઝૂંપડાનું વર્ણન કરો.
ઉત્તર
– આણંદપુરના એક ખૂણામાં ત્રણ ઝૂંપડાં હતાં. એ ખખડધજ આમલીથી ઢંકાયેલાં હતાં. ત્યાં ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી અને ધૂળના ગોટા ઊડતા. એની ખડકીને પતરાં, પાટિયાં અને ગુણિયાનાં થીંગડાં માર્યા હતાં.

(2) સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયતો જણાવો.
ઉત્તર
– સવારે ફરવા નીકળેલા બે યુવાનો શોખીન હતા. બંનેના હાથમાં નેતરની એક એક સોટી હતી. તેઓ એ સોટીને ઉછાળતા ચાલતા હતા. તેમણે માથા પર ટોપી પહેરી હતી, પણ ખુશનુમા હવાને માણવા તેમણે માથેથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી.

(3) વેણુનું મૃત્યુ કઈ રીતે થયું?
ઉત્તર
– ઉતાવળે ચાલતાં વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. જુમાએ એનો પગ કાઢવા અનેક પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ ગયા. એ સમયે વેણુને બચાવવામાં રસ્તેથી પસાર થતાં યુવાનોની કે ફાટકવાળાની મદદ પણ મળી નહિ. પરિણામે જોસબંધ આવતી ટ્રેન વેણુ પરથી પસાર થઈ ગઈ. ધગધગતા લોહીના ખાબોચિયામાં વેણુના છૂટાછવાયા ભાગ સિવાય કાંઈ રહ્યું નહિ. આ રીતે વેણુનું કરુણ મૃત્યુ થયું.

(4) આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો તે માટેનાં કારણો આપો.
ઉત્તર
- આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખવાનાં કારણો : મૂક પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. એ બોલી શકતો નથી, પણ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઇને બચાવે છે. એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો એ ઉચિત ગણાશે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) જુમાના ઘરાક સંબંધી કેવા વિચારો હતા?
ઉત્તર
– જુમાના ઘરાક સંબંધી વિચારો આ પ્રમાણે હતા: પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં. ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં.

(2) વેણુ રસ્તામાં ચરવાની ના કેમ પાડી દેતો?
ઉત્તર
– વેણુ રસ્તામાં ચરવાની ના પાડી દેતો, કારણ કે આ રીતે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈનું લક્ષણ ન કહેવાઈ, એવું તેને લાગ્યું હશે.

(3) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત?
ઉત્તર
– પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત.

(4) જુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે?
ઉત્તર
– અંત સમયે પોતાની ગોદમાં ભરાઇને બેઠેલા જુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે. આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે.

(5) જુમો ભિસ્તી વેણુની યાદમાં શું કરે છે?
ઉત્તર
– જુમો ભિસ્તી વેણુની યાદમાં સવારમાં ફૂલ લઈને તેના મૃત્યુસ્થાને આવે છે. એના એક માનીતા પથ્થર પર ફૂલ ચડાવીને ‘વેણુ!...વેણુ!...વેણુ!’ એમ ત્રણ બૂમ પાડે છે.

(6) વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો.
ઉત્તર
– વાર્તાનું છેલ્લું વાક્ય : જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મુકીને ‘વેણુ!...વેણુ!...વેણુ!’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્ય જુમો અને વેણુ બંનેનાં એકબીજા પ્રત્યેનાં પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે.

(7) ફરવા નીકળેલા યુવાનોનું શબ્દચિત્ર તમારી ભાષામાં લખો.
ઉત્તર
– ફરવા નીકળેલા યુવાનો શોખીન હતા. બંનેના હાથમાં નેતરની એક એક સોટી હતી. તેઓ એ સોટીને ઉછાળતા ચાલતા હતા. તેમણે માથા પર ટોપી પહેરી હતી. પણ ખુશનુમા હવાને માણવા તેમણે ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી.

(8) આ પાઠમાં આવતા સદ્દગુણો જણાવો કે જે તમે ગ્રહણ કરી શકો.
ઉત્તર
– સદ્દ્ગુનો : મૂક પશુ પ્રત્યે દયા રાખવી જોઈએ. માનવી અને પશુ વચ્ચે પણ નિઃસ્વાર્થ પ્રેમ અને મૈત્રીભાવ હોય છે. મૂક પશુના ખોરાક અંગેની ચિંતા કરવી. મૃત્યુ પછી પણ મૂક પશુ પ્રત્યે લાગણી દર્શાવી દરરોજ તેને યાદ કરવું.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) જુમાનાં ત્રણ ઝૂંપડામાં શું શું રહેતું?
ઉત્તર
– જુમાના એક ઝૂંપડામાં વેણુ બંધાતો, બીજા ઝૂંપડામાં જુમો રહેતો અને ત્રીજા ઝુંપડામાં વેણુ માટે ઘાસ ભરાતું.

(2) જુમાની હંમેશની ખરીદી શેની રહેતી?
ઉત્તર
– પોતાને માટે એક પૈસાનાં ગાજર, ટમેટાં કે ભાજી અને વેણુ માટે બથ ભરીને ગદબ એ જુમાની હંમેશની ખરીદી રહેતી.

(3) પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું?
ઉત્તર
– પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું.

(4) કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી?
ઉત્તર
– જુમા અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી.

(5) જુમો વેણુનો શાના માટે ઉપયોગ કરતો?
ઉત્તર
– જુમો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો.

(6) સવારે ફરવા જતાં જુમાને શો વિચાર આવતો?
ઉત્તર
– સવારે ફરવા જતાં જુમાને વિચાર આવતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું.

(7) વેણુ કોને ગૃહસ્થાઈનું લક્ષણ ગણતો નથી?
ઉત્તર
– બહાર ખાતા ફરવું એને વેણુ ગૃહસ્થાઈનું લક્ષણ ગણતો નથી.

(8) “તને પણ લાડ કરવાની ટેવ પડી છે!” – આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર
- “તને પણ લાડ કરવાની ટેવ પડી છે!” – આ વાક્ય જુમો બોલે છે.

(9) “તને પણ લાડ કરવાની ટેવ પડી છે!” – આ વાક્ય શું સૂચવે છે?
ઉત્તર
- “તને પણ લાડ કરવાની ટેવ પડી છે!” – આ વાક્ય જુમાનો વેણુ પ્રત્યેનો વાત્સલ્યપ્રેમ સૂચવે છે.

(10) જુમાએ ફરવા નીકળેલા યુવાનોને શી વિનંતી કરી?
ઉત્તર
– જુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલા પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી.

(11) જુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો?
ઉત્તર
– થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ ‘હમણાં ગાડી આવશે’ એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો.

(12) વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો શું નિર્ણય કરે છે?
ઉત્તર
– વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે.

(13) “જુમો ભિસ્તી” પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર
– ‘જુમો ભિસ્તી’ પાઠના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ છે.

(14) તડકાછાંયડા જોવા એટલે શું?
ઉત્તર
- તડકાછાંયડા જોવા એટલે જીવનમાં સુખદુઃખમાંથી પસાર થવું.

(15) જુમાના પાડાનું નામ શું હતું?
ઉત્તર
– જુમાના પાડાનું નામ વેણુ હતું.

(16) ‘ગદબ’ શબ્દનો અર્થ જણાવો.
ઉત્તર
– ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ, રજકો એટલે ‘ગદબ’.

(17) “ચાલ ત્યારે, ઘેર જઈને ખાજે.” આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
ઉત્તર
– આ વાક્ય જુમો બોલે છે અને વેણુને કહે છે.

(18) જુમાને કળ વળી ત્યારે કોનું નામોનિશાન રહ્યું ન હતું?
ઉત્તર
– જુમાને કળ વળી ત્યારે તેના મિત્ર વેણુનું નામોનિશાન રહ્યું ન હતું.